ભારતીય રેસલરે એક તબક્કે કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

  • અભિમન્યુ કુમાર સાહા
  • બીબીસી સંવાદદાતા

હરિયાણાના કવિતા દેવીએ ડબ્લ્યૂડબ્લ્યૂઇ રેસલિંગ રિંગમાં સલવાર કમીઝ કુસ્તી કરી. જેના કારણે લોકોમાં કૌતુક સર્જાયું હતું.

ન્યૂઝીલૅન્ડની કુસ્તીબાજ ડકોટા કાઈ સામેની પહેલી ફાઇટનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

કવિતા ડબ્લ્યૂડબ્લ્યૂઇમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે.

યુટ્યૂબ પર કવિતાનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો પાંચ દિવસમાં 35 લાખથી વધુ વખત જોવાયો છે.

ઇમેજ સ્રોત, FACEBOOK / KAVITA DALAL

આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

આજે કવિતાએ દુનિયાને પોતાની તાકત દેખાડી છે. પરંતુ જીવનના એક તબક્કે કવિતા માનસિક રીતે તૂટી ગઈ હતી. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસી સાથે વાત કરતી વખતે કવિતાએ કહ્યું, "એ સમયે મારું બાળક આઠથી નવ મહિનાનું હતું. પરિવાર તરફથી સહકાર મળતો ન હતો. મને એક તબક્કે જિંદગી ભારે લાગવા માંડી હતી. શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો હતો. મેં ખેલ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો."

કવિતા ઉમેરે છે, "નાનપણથી મેં જે સપનાં જોયાં હતાં. તેને એક ક્ષણમાં ખતમ થતાં જોવા માંગતી ન હતી. વર્ષ 2013માં મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હું અસફળ રહી. હું એટલી હદે તંગ થઈ ગઈ હતી કે મને બાળકનો પણ વિચાર આવ્યો ન હતો."

હવે કવિતાને લાગે છે કે આત્મહત્યાનો વિચાર અયોગ્ય હતો. તેઓ બાળક, રમત અને પરિવાર વચ્ચે સમન્વય સાધી શકતાં ન હતાં. સાસરિયાંઓ પણ સહકાર આપતાં ન હતાં.

કવિતા કહે છે, "મારે કુસ્તી કરવી હતી.પણ મારા પતિ તૈયાર ન હતા. કદાચ તેમની ઉપર પરિવારની જવાબદારીઓ વધુ હતી. આજે મારા પતિને મારી ઉપર ગર્વ છે. તેઓ મને સાથ આપે છે."

શા માટે સૂટ સલવાર પહેરી કુસ્તી કરી?

ઇમેજ સ્રોત, FACEBOOK / KAVITA DALAL

ડબ્લ્યૂડબ્લ્યૂઈની રિંગમાં સલવાર કમીઝ પહેરી ઉતરવા પાછળના હેતુ અંગે કવિતા કહે છે, "હું મારા દેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગતી હતી. બીજું મારે એ દેખાડવું હતું કે, પહેરવેશને કારણે કુસ્તીમાં કોઈ મુશ્કેલી નથી પડતી."

કવિતા ઉમેરે છે, "એવી ધારણા છે કે, ચોક્કસ પ્રકારના કપડાં પહેરીને જ રેસલિંગ કરી શકાય છે. હું આ માન્યતા બદલવા માંગતી હતી."

કવિતાને ડબ્લ્યૂડબ્લ્યૂઈના પૂર્વ ચેમ્પિયન ખલી તાલીમ આપે છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર તેઓ અનેક મેડલ જીતી ચૂક્યાં છે.

આવી રીતે થયો ડબ્લ્યૂડબ્લ્યૂમાં પ્રવેશ

ઇમેજ સ્રોત, FACEBOOK / KAVITA DALAL

વેઇટ લિફ્ટિંગમાંથી પ્રવેશ અંગે કવિતા કહે છે, "હું એક વખત ધ ગ્રેટ ખલીના કોચિંગ સેન્ટરમાં ફાઇટ જોવા ગઈ હતી. એક પુરુષ રેસલરે ફાઇટ જીતીને ઉપસ્થિત ભીડને પડકાર ફેંક્યો."

"તેના અવાજમાં ઘમંડ હતો. તે સમયે હું સૂટ સલવારમાં હતી. મારો પરિવાર પણ સાથે હતો. મેં હાથ ઉપર કર્યો. હું રેસલિંગ રિંગમાં ગઈ અને તેને પટકી દીધો."

"ખલી સરને આ વાત સારી લાગી. તેમણે મને ટ્રેનિંગ લેવા કહ્યું. ત્યારથી હું કુસ્તી કરવા લાગી."

કવિતા પોતાની સફળતાનો શ્રેય તેમના મોટાભાઈ સંજય દલાલને આપે છે. તેઓ કહે છે, "મારા કૅરિયરની શરૂઆત વર્ષ 2002માં ફરીદાબાદમાં થઈ. મારા મોટાભાઈ સંજય દલાલે અનેક જગ્યાએ તાલીમ અપાવી. ફરીદાબાદથી બરેલી અને લખનઉ પણ ગઈ. અહીં વેટ લિફ્ટિંગની તાલીમ લીધી. વર્ષ 2007માં ઓડિશા ખાતે પ્રથમ વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી. તેઓ હંમેશા મારી સાથે રહ્યા."

કવિતા હવે વિદેશી ટ્રેનર પાસેથી તાલીમ લે છે. તેઓ દરરોજ અઢી કલાક પ્રૅક્ટિસ કરે છે. એક મહિલા તરીકે આ સફર પડકારજનક રહી છે.

ઇમેજ સ્રોત, FACEBOOK / KAVITA DALAL

કવિતા કહે છે, "છોકરી તરીકે આ સફર સરળ ન હતી. અમારા સમાજમાં છોકરીઓનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. એટલે સુધી કે ઘરમાં ઊંચા અવાજે વાત પણ ન કરી શકે."

તેઓ કહે છે, "આવા વાતાવરણ વચ્ચે 2002માં હું ભણવા માટે ઘરથી બહાર નીકળી હતી. ઘર,પરિવાર અને સમાજ તરફથી તકલીફો ઊભી થઈ. પરિવારજનો કરતાં પાડોશીઓને, પરિવારજનોને અને સંબંધીઓને વધુ ચિંતા હોય છે."

કવિતા આગામી દિવસોમાં દેશ માટે ડબ્લ્યૂડબ્લ્યૂઈ ચેમ્પિયનશિપ જીતવા માંગે છે.