વિકાસ ગાંડો થયો છે? વિકાસ તો ના પાડે છે

વિકાસ કલાલે વિકાસના મેસેજીસની સામે એક નવો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો

ઇમેજ સ્રોત, Nayan Patel

ઇમેજ કૅપ્શન,

વિકાસ કલાલે વિકાસના મેસેજીસની સામે એક નવો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો

પહેલા સોનમ ગુપ્તા બેવફા થઈ અને હવે વિકાસ ગાંડો થયો છે. વિઝા વિના ગુજરાતના લાખો ફોનમાં પ્રવાસ કરી ચૂકેલા વિકાસના વાઇરલ મેસેજીસની ખરી કિંમત જેમનું નામ વિકાસ છે તેમણે ચૂકવવી પડી રહી છે.

આખા રાજ્યમાં વિકાસ વિશે વાઇરલ થયેલા સંખ્યાબંધ મેસેજીસને કારણે તેમને વિચિત્ર અનુભવો થઈ રહ્યા છે.

કોઈ વિકાસ તેને હળવાશથી લઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિકાસને આ પ્રકારના વાઇરલ મેસેજથી દુઃખ થઈ રહ્યું છે.

તો કેટલાક વિકાસ એવા પણ છે, જેમની સર્જનાત્મકતાને કારણે એ આ મેસેજીસ પર ગીત લખવાનું વિચારી રહ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે

‘વિકાસ ગાંડો થયો છે.’ ‘વિકાસ રઘવાયો થયો છે.’ જેવા મેસેજીસ ગુજરાતના અસંખ્ય વોટ્સ એપ ગૃપ્સ અને અન્ય સોશિઅલ મીડિયા પર વિકાસના નામે અઢળક મેસેજીસ વાઇરલ થઈ ગયા છે.

આ મેસેજીસ વાંચીને લોકોને મજા પણ આવી રહી છે. પણ આ જ મેસેજીસ કેટલાક વિકાસ માટે વ્યથા બની ગયા છે.

અમદાવાદમાં મીડિયા સાથે સંકળાયેલા વિકાસ કલાલે આ મજાકિયા મેસેજીસ જવાબ મજાકથી આપવાનું નક્કી કર્યું.

તેમણે કહ્યું,“હું મિત્રો સાથે ચા પીવા ગયો ત્યારે જ એ બધા મારી સાથે આ મેસેજીસને લઈને મજાક કરી રહ્યા હતાં.

મને એ વખતે વિચાર આવ્યો કે, હું પણ કંઈક નવું કરૂં. એટલે મેં ચાનો ખાલી ગ્લાસ લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નીચે લખ્યું, “વિકાસની ચા પતી ગઈ.”

આ પોસ્ટની સામે મને મારા મિત્રોએ અલગ અલગ કમેન્ટ્સ કરી. મને એની મજા આવી. કોઈએ કહ્યું, “બીજી મંગાવો...” તો એક મિત્રએ કહ્યું કે, “ચાલો ખેતલાઆપા જઈએ તો”

ઇમેજ સ્રોત, instagram

ઇમેજ કૅપ્શન,

વિકાસ કલાલે ઇન્સ્ટાગ્રામ પર કરેલી તેની પોસ્ટ

જો કે, રાજકોટમાં રહેતા 30 વર્ષીય વિકાસ વઘાસિયાને આ મેસેજીસને કારણે થતી મજાકથી કોઈ વાંધો નથી. તે કહે છે, “મારા કોલેજ સમયનાં મિત્રો મજાક કરે છે. મારી બેન પણ મને મેસેજ મોકલે છે. મને એનાથી કોઈ વાંધો નથી. પણ જ્યારે ચા પીવા ગયા હોઈએ કે પાનના ગલ્લે હોઈએ ત્યારે બે અલગ અલગ રાજકિય પક્ષના ટેકેદારો ચર્ચામાં વિકાસને ગાળો દે ત્યારે મને નથી ગમતું. મને ખબર છે કે એ બીજા વિકાસની વાત કરે છે, પણ એમની એ ગાળ મને લાગતી હોય તેમ લાગે છે.” ગીત-સંગીતમાં રસ ધરાવતા વિકાસ વઘાસિયા હવે આ મેસેજીસ પરથી એક ગીત લખવાનું વિચારે છે. પણ એમને મુંઝવણ એ છે કે, વિકાસ ખરેખર થયો છે કે નહીં, તેની વાસ્તવિક્તા તેમને ખબર નથી. એટલે એમના ગીતને પૂર્ણ કરતાં થોડો સમય લાગે તેમ છે.

ઇમેજ સ્રોત, Chirag Dhami

ઇમેજ કૅપ્શન,

રાજકોટના વિકાસ વઘાસિયા વાઇરલ થયેલા મેસેજીસ પરથી ગીત લખવા ઇચ્છે છે

અમદાવાદમાં કેબલ ટીવીના વ્યવસાય સાથે સંકળાયેલા વિકાસ પટેલને તો તેમના મિત્રોએ દિવસભર ફોન કરીને ખબર પૂછી. તેમણે કહ્યું, “અત્યારે બધા વિકાસના મેસેજીસના કારણે મજાક કરે જ છે. એક દિવસ માર બધા મિત્રોએ મારી સાથે મજાક કરી. આખો દિવસ વારંવાર ફોન કરીને જુદા જુદા મિત્રોએ ફોન કરીને મને પૂછ્યું કે, મારી તબિયત કેવી છે. મેં જ્યારે બધાને હું સ્વસ્થ હોવાનું કહીને તેમને ફોન કરવાનું કારણ પૂછ્યું, તો જવાબ મળ્યો કે, એ બધાને એવા મેસેજ મળી રહ્યા છે કે, ‘વિકાસ ગાંડો થયો છે.’ એટલે એ બધાએ પણ મારી સાથે ટીખળ કરી.”

ઇમેજ સ્રોત, Meet Patel

ઇમેજ કૅપ્શન,

વિકાસ પટેલના મિત્રોએ તેમની તબિયત પૂછવા માટે ફોન કરીને ટીખળ કરી

જ્યારે એક અન્ય વિકાસ દવે એન્જિનિયર છે. તેમને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજીસની ખાસ અસર થઈ નથી.

ઇમેજ સ્રોત, Wasim Memon

ઇમેજ કૅપ્શન,

વિકાસ દવેને અજાણ્યા લોકો તેમના નામની મજાક કરે તે નથી ગમતું

તેમણે કહ્યું, “હા, મિત્રો ક્યારેક ક્યારેક કોઈ વાત નીકળે તો હળવી મજાક કરે છે.” પણ તેમને વાંધો પણ છે. તેમણે કહ્યું, “મજાક ના જ થવી જોઈએ. અજાણ્યાં લોકોને મારૂં નામ વિકાસ છે, તેવી ખબર પડે તો મજાકનું વાતાવરણ ઉભું થાય છે. નામ સાથે આ આ રીતે મજાક ચાલું થઈ છે તે યોગ્ય નથી.”