‘મને ડર લાગ્યો હતો, પણ તેના મોઢામાં મારી દીકરી જોઈને મારો ડર ભાગી ગયો’

દીપડો Image copyright AFP
ફોટો લાઈન બહરાઈચ જિલ્લાના મોતીપુર રેંજના જંગલ આાસપાસમાં દીપડાઓનો ત્રાસ રહે છે

ફિલ્મોમાં તમે કોઈ અભિનેતાને દિપડા, વાઘ કે સિંહ જેવા હિંસક પશુઓ સાથે લડાઈનાં દ્રશ્યો જોયાં હશે. પરંતુ ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લાની સુનૈનાએ તેમની દીકરીને બચાવવા દીપડા સાથે બાથ ભીડીને તેને બચાવી લીધી.

બહરાઈચ જિલ્લાના મોતીપુર રેંજના જંગલો નજીક આવેલા નૈનિહા ગામમાં સુનૈનાની છ વર્ષની બાળકીને દીપડાએ પકડી લીધી હતી. જો કે, દીપડો તેને શિકાર બનાવે સુનૈનાએ તેને જોઈ લીધો અને તે દીપડા પર પૂરી તાકાતથી તૂટી પડી.

દીપડા સાથે લાંબી લડાઈ પછી તે પોતાની બાળકીને દીપડા પાસેથી ખેંચી લાવી.

સુનૈના હાલ તેની ઇજાગ્રસ્ત દીકરી સાથે બહરાઈચ જીલ્લા હોસ્પિટલમાં છે.

ફોટો લાઈન દીપડાથી ઈજાગ્રસ્ત દીકરી સાથે સુનૈના

બીબીસી સાથેની વાતચીતમાં સુનૈનાએ ભોજપુરી ભાષામાં વાત કરતા કહ્યું કે, "આ ઘટના સાંજે લગભગ છ વાગ્યાની છે. હું જમવાનું બનાવતી હતી. મારી પુત્રી પાડોશમાં અન્ય બાળકો સાથે રમતી હતી."

"તે સમયે જ દીપડો આવ્યો અને મારી દીકરીને ઝડપી લીધી. પહેલા તો તે ખૂબ રડી, પરંતુ જ્યારે દીપડાએ તેને એકદમ દબોચી તો તેનો અવાજ બંધ થઈ ગયો."

"મેં જ્યારે બહાર આવીને જોયું, મને આંચકો લાગ્યો. પણ મેં હિંમત કરી મારી બાળકીના બંને પગ પકડી લીધા."


દીપડા અવારનવાર હુમલા કરે છે

ફોટો લાઈન બાળકીનો એક કાન દીપડાએ ફાડી ખાધો હતો

ગામલોકોએ જણાવ્યા મુજબ દીપડા ઘણીવાર ગામમાં આવી ઘેટાં-બકરા જેવા નાના પ્રાણીઓને ઉપાડી જાય છે.

ક્યારેક એકલા માણસ પર પણ હુમલો કરી દે છે. આથી એ અને બાળકો માટે જોખમી બની જાય છે.

સુનૈના કહે છે, "પહેલા મને લાગ્યું કે, બાળકો વાઘ-વાઘણ રમી રહ્યા છે. પરંતુ, જ્યારે માત્ર એક જ વાર અવાજ આવ્યો અને ફરીથી તેનો અવાજ ન આવ્યો, તો મને શંકા ગઈ અને એ સાચી પણ નીકળી."

દીપડાને જોઈને શું ડર ન લાગ્યો એ પૂછતાં સુનૈના કહે છે,"ડર તો લાગ્યો પણ, તેના મોઢામાં મારી બાળકીને જોઈને ડર ભાગી ગયો અને હિંમત આવી ગઇ. મોકો જોઇને મેં તેના પગ પકડી લીધા."


બાળકીની હાલત સુધારા પર

ફોટો લાઈન સારવાર બાદ બાળકીની હાલત હાલ સુધારા પર છે

જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ પી. કે. ટંડને કહ્યું, "બાળકીના માથામાં ગંભીર ઇજાઓ છે. તેનો એક કાન સંપૂર્ણપણે દીપડાએ ફાડી ખાધો છે. પરંતુ ડોક્ટરોએ તે બરાબર કરી દીધો છે.

તેના માથે ટાંકા લેવામાં આવ્યા છે. હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે." ઘાયલ બાળકીને પહેલા પ્રાથમિક કેંદ્ર લઈ જવાઈ ત્યારબાદ નાજૂક હાલત જોઈ તેને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો