લંડન ટ્યુબ ટ્રેનમાં થયેલો વિસ્ફોટ ત્રાસવાદી હુમલોઃ પોલીસ

Image copyright AFP
ફોટો લાઈન લંડન અંડરગ્રાઉન્ડની ડિસ્ટ્રિક્ટ લાઈન પર આવેલા પારસન્સ ગ્રીન સ્ટેશને સવારે ભારતીય સમય અનુસાર બપોરે 1:50 કલાકે વિસ્ફોટ થયો હતો

દક્ષિણ-પશ્ચિમ લંડનની ટ્યુબ ટ્રેનમાં શુક્રવાર સવારે ધસારાના સમયે “ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી)” વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું છે.

વિમ્બલડનથી પૂર્વ વિસ્તાર તરફ જતી ડિસ્ટ્રીક્ટ લાઈન પર આવેલા પારસન્સ ગ્રીન સ્ટેશને અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં થયેલા આ વિસ્ફોટની ઘટનાને ત્રાસવાદી કૃત્ય ગણવામાં આવી છે.

વિસ્ફોટમાં ઘવાયેલા 22 લોકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઘાયલો પૈકીના મોટાભાગના દાઝી ગયા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન આ હુમલામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું

ટ્રેનમાં આઈઈડી મૂકનાર વ્યક્તિની શોધ ચાલું છે. આ વિસ્ફોટની તપાસ સેંકડો ડિટેક્ટિવ્ઝ તથા એમઆઇફાઇવ કરી રહ્યાં છે.

આ ઘટના બાબતે કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ એ જણાવવાનો આસિસ્ટંટ કમિશનર માર્ક રોવલીએ અગાઉ ઈનકાર કર્યો હતો.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ આ ઘટનાને “કાયરતાભર્યું” કૃત્ય ગણાવી છે, જે તેમના કહ્યાં અનુસાર આ વિસ્ફોટથી “નોંધપાત્ર માત્રામાં હાની પહોંચાડવાના ઈરાદો” હતો.

વડાંપ્રધાન થેરેસા મેએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 'પાર્સન્સ ગ્રીનમાં ઘાયલ થયેલા લોકો અને આ ત્રાસવાદી ઘટનાનો બહાદુરીભર્યો પ્રતિભાવ આપી રહેલી ઈમર્ન્જસી સર્વિસ પ્રત્યે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું.'

તેમણે કહ્યું કે, યુકેની પર આંતકનાં ભયનું સ્તર “ગંભીર” છે, જે બીજા ક્રમમાં છે, પણ તેની સમીક્ષા થશે.

તેમણે આ નિવેદન કોબ્રા કમિટીની ઇમર્જન્સી મીટિંગ બાદ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, લંડનનાં ટ્રાન્સપોર્ટ માળખામાં સશસ્ત્ર પોલીસની હાજરીમાં વધારો કરવામાં આવશે.

Image copyright PA
ફોટો લાઈન આ તસવીર લંડન ટ્યૂબમાં દરરોજ પ્રવાસ કરનારા મૂસાફરે લીધી છે, જેમાં એક સફેદ ડબ્બામાંથી બહાર નીકળતા વાયર્સ જોવા મળે છે.

ટ્રેનના ફોટોગ્રાફ્સમાં સુપર માર્કેટની બેગમાં એક સફેદ ડોલ સળગતી જોવા મળી રહી છે અને કેટલાક વાયર બહાર લટકતા જોવા મળી રહ્યા છે.

એ ડિવાઈસમાં ટાઈમર હોવાનું બીબીસી માને છે.

બીબીસીના સુરક્ષા સંવાદદાતા ફ્રેન્ક ગાર્ડનરે જણાવ્યું હતું કે બોમ્બ આંશિક રીતે નિષ્ફળ ગયો હોય એવું લાગે છે. જો યોજના પ્રમાણે તેનો વિસ્ફોટ થયો હોત, તો તેની આસપાસ રહેલા તમામનાં મોત થયાં હોત અને ટ્રેનનાં એ ડબ્બામાં રહેલાં દરેકને આજીવન અપંગ બનાવી દિધા હોત.

તેમણે જણાવ્યું હતું કે નેશનલ ટેરરીઝમ લેવલને આકરા(સિવીઅર)થી વધારીને જોખમી (ક્રિટિકલ) કરવું કે કેમ તેની સમીક્ષા ગુપ્તચર એજન્સીઓ કરશે. ક્રિટિકલ લેવલનો અર્થ એ છે કે બીજો હુમલો તત્કાળ થઈ શકે છે.

માર્ક રોવલીએ કહ્યું, “પાર્સન્સ ગ્રીન ટ્યુબ સ્ટેશન ખાતે ટ્યુબ ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. આઈઈડી ડિવાઈસ વડે એ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળને હાલ ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે અને તપાસ ચાલુ છે.”

તેમણે લોકોને સાવધ રહેવા જણાવ્યું હતું અને કહ્યું કે લોકોએ ડરવાની જરૂર નથી.

ઘટનાસ્થળના ફોટોગ્રાફ્સ કે વીડિયોઝ જેમણે ઝડપ્યા હોય તેઓ એ સામગ્રીને ukpoliceimageappeal.co.uk. પર અપલોડ કરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ફોટો લાઈન લંડન ટ્યૂબના હુમલાને નજરે જોનારા વ્યક્તિઓના એકાઉન્ટ્સ પરથી મેળવેલા ફોટોગ્રાફ્સ પરથી તૈયાર કરેલું ગ્રાફિક્સ

શાંતિ જાળવી રાખવાની વિનતી કરતાં લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે આ શહેરને ત્રાસવાદ વડે ક્યારેય ડરાવી કે હરાવી શકાશે નહીં.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એવી ટ્વિટ કરી હતી કે આ હુમલા પાછળ “બીમાર માનસિક્તા ધરાવતા ભાન ભૂલેલા લોકો” છે, જેમના પર મેટ્રોપૉલિટન પોલીસની નજર હતી. આ ટ્વિટના જવાબમાં બ્રિટનનાં વડાં પ્રધાનને વળતાં જવાબમાં કહ્યું કે હાલમાં આ મામલે તપાસ ચાલું છે, ત્યારે આ પ્રકારે “અનુમાન” કરવાથી તેમાં કોઈ મદદ નહીં મળે.

એનએચએસ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે 22 લોકોને ઈમ્પીરિઅલ, ચેલ્સી એન્ડ વેસ્ટમિન્સ્ટર, ગાય્ઝ એન્ડ સેન્ટ થોમસ અને સેન્ટ્રલ લંડન કોમ્યુનિટી હેલ્થકેર અર્જન્ટ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.

18 ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે વધારે ચાર ઘાયલો જાતે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

કમસેકમ એક પ્રવાસીને ચહેરા પર ઈજા થઈ હોવાનું આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું. અન્યોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ ઉતાવળે ટ્રેન છોડી ગયા હતા તેથી ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Image copyright Reuters
ફોટો લાઈન ઘટનાને નજરે જોનારા સાક્ષીઓનું કહેવું છે કે, ઓછામાં ઓછી એક વ્યક્તિને ચહેરા પર ઈજા થઈ છે.

પીટર ક્રાઉલી નામના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ થયો ત્યારે તેઓ વિમ્બલ્ડનથી આવી રહ્યા હતા અને કેરેજમાં પ્રવાસ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે “ધમધગતી વસ્તુઓ મારા માથા પર પડવાથી હું દાઝી ગયો છું. બીજા કેટલાક લોકોની હાલત મારા કરતાં પણ ખરાબ હતી.”

ક્રિસ વિલ્ડિશ નામના એક પ્રવાસીએ બીબીસી રેડિયો ફાઈવને જણાવ્યું હતું કે કેરેજના પાછલા ભાગમાં સુપર માર્કેટ બેગમાં રાખવાં આવેલી એક ડોલમાંથી આગની જ્વાળાઓ નિકળતી મેં નિહાળી હતી.