મારિયા વાવાઝોડાએ ડોમિનિકાનો વિનાશ : રૂઝવેલ્ટ સ્કેરીત

Image copyright NASA
ફોટો લાઈન મારિયા મહદ્અંશે ઇરમા વાવાઝોડાના માર્ગે જ આગળ વધી રહ્યું છે

ડોમિનિકાએ મારિયા વાવાઝોડાથી વ્યાપક નુકસાન ભોગવ્યું છે, તેમ વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે તેમની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે લખ્યું, "જે પૈસાથી ખરીદી શકાય, એ બધું અમે ખોઈ બેઠા છીએ."

કેરેબિયન ટાપુઓને ઝપટમાં લઈ ચૂકેલા મારિયા વાવાઝોડાને અમેરિકાના હવામાનની આગાહી કરતાં નિષ્ણાંતોએ સંભવિત વિનાશકારી શ્રેણી પાંચમાં મૂક્યું છે.

અગાઉ મિસ્ટર સ્કેરિટે તેમની ફેસબુક પોસ્ટ પર લાઈવ અપડેટ્સ કરતા જણાવ્યું હતું કે તેમના ઘરની છત વાવાઝોડાએ તોડી નાખી હતી અને તે સંપૂર્ણપણે, "વાવાઝોડાને આધિન હતા."

સ્કેરીટે આબાદ રીતે આ કુદરતી આપદામાંથી બચાવી લેવામાં આવ્યા હતા. તેમના બચાવ બાદ ફેસબુક પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, " મને સૌથી મોટો ડર છે કે, આપણને આ કુદરતી સંકટના ગંભીર પરિણામ સ્વરૂપે ભયંકર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગંભીર શારીરિક ઈજાઓ અને મૃત્યુના સમાચાર મળશે."

મારિયા હરિકેન એજ ક્ષેત્ર પર સફર કરી રહ્યું છે જે ક્ષેત્રમાં ગત મહિને ઇરમાં વાવાઝોડાએ પસાર થતા બરબાદી નોતરી હતી અને મારિયા વાવાઝોડું પણ લગભગ ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાક (160 માઇલ્સ પ્રતિ કલાક)ની ગતિએ સતત આગળ વધી રહ્યું છે.

મારિયા વાવાઝોડાને ધ્યાનમાં લઇને માર્ટિનીક નજીકના ટાપુએ મહત્તમ-સ્તરની ચેતવણી જાહેર કરી છે જ્યારે અન્ય ફ્રેન્ચ ટાપુ, ગ્વાડેલોપના સરકારી તંત્રએ સ્થળાંતરનો આદેશ આપ્યો છે.

કેરેબિયન ટાપુઓની નીચે તૈયાર થયેલું મારિયા વાવાઝોડાને અમેરિકાના હવામાનની આગાહી કરતાં નિષ્ણાંતોએ ‘સંભવિત વિનાશકારી’ શ્રેણી પાંચમાં મૂક્યું છે.

ડૉમિનિકા ટાપુ તેના માર્ગમાં સૌથી પહેલા આવે તેમ છે. ત્યાં 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી સંભાવના છે.

મારિયા મહદ્અંશે ઇરમા વાવાઝોડાના માર્ગે જ આગળ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં જ ઇરમાએ આ વિસ્તારમાં ભારે તબાહી ફેલાવી છે.

ફ્રેન્ચ ટાપુ માર્ટિનિકમાં ઉચ્ચતમ શ્રેણીની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અન્ય એક ફ્રેન્ચ ટાપુ ગ્વાડેલોપમાં લોકોને સ્થળાંતર કરાવવાના આદેશ અપાયા છે.

આ વિસ્તારોમાં પણ વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.

  • ડૉમિનિકા : બ્રિટનના તાબા હેઠળ રહી ચૂકેલા આ ટાપુની વસ્તી 72 હજાર છે. તે ગ્વાડેલોપ અને માર્ટિનિક ટાપુઓની મધ્યમાં આવેલો છે. આ વાવાઝોડાનું કેન્દ્રબિંદુ આ ટાપુથી સાત કલાક પહેલાં પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 25 કિલોમીટરના અંતરે હતું.
  • પ્યુઅર્ટો રિકો : અમેરિકાના તાબા હેઠળના આ ક્ષેત્રમાં ત્રીજી શ્રેણીના જોખમી વાવાઝોડા તરીકે મારિયા ત્રાટકશે. આ વિસ્તાર ઇરમાની ઝપટમાં આવતાં બચી ગયો હતો. ઇરમાના અસરગ્રસ્ત ટાપુઓના લોકો માટે આ વિસ્તાર એક મહત્વનું આશ્રયસ્થાન હતો. ગવર્નર રિકાર્ડો રોસેલોએ ટાપુ પર વસતા લોકોને યોગ્ય સ્થળે આશ્રય લેવા જણાવ્યું છે.
  • યુએસ વર્જિન આયલેન્ડ્સ અને બ્રિટિશ વર્જિન આયલેન્ડ્સ : ટાપુઓની આ બન્ને શૃંખલાઓને ઇરમા વાવાઝોડાને કારણે ખૂબ જ નુકસાન થયું છે. યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના વહિવટ હેઠળના વિસ્તારોમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી હતી. બ્રિટિશ સત્તાવાળાઓને ભય છે કે, ઇરમાને કારણે ધરાશાઈ થયેલી ઇમારતોનો કાટમાળ આ વાવાઝોડામાં હવામાં ફંગોળાવાને કારણે જોખમ વધ્યું છે.

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, મોંટસેરાટ અને સેન્ટ લ્યુસિયા ટાપુઓ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે સેન્ટ માર્ટિન, સાબા, સેન્ટ ઇસ્ટાટીયસ અને એંગ્યુલા ટાપુઓ પર વાવાઝોડાથી સાવધ રહેવાની સૂચનાઓ અપાઈ છે.

ઉપરોક્ત ટાપુઓમાંથી હજી તો કેટલાંકને તો ઇરમા વાવાઝોડાની હજી કળ વળી નથી. ઇરમાએ અબજો રૂપિયાના નુકસાન કરવાની સાથે 37 લોકોનો ભોગ પણ લીધો હતો.

Image copyright Reuters
ફોટો લાઈન રવિવારે અમેરિકાના સૈન્ય દળોને યુએસ વર્જિન આયલેન્ડ પરથી સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા

પહેલા જ ઇરમાથી અસરગ્રસ્ત થયેલા એંટિગુઆ અને બર્બુડા ટાપુઓ ઉપરાંત લીવાર્ડ ટાપુઓનો એક ભાગ મારિયાની ઝપટમાં આવી શકે છે.

ધી યુએસ નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ સોમવારે માત્ર થોડા કલાકોના અંતરે જ મારિયાની ક્ષમતામાં વધારો થવાને કારણે તેને બીજી શ્રેણીના વાવાઝોડાંથી ચોથી શ્રેણીના અને છેવટે અત્યંત જોખમી મનાતી સૌથી ઊંચી પાંચમી શ્રેણીમાં મૂકી દીધું છે.

આગાહી કરનારા હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપતાં કહ્યું છે કે, વાવાઝોડાને કારણે થનારો ભારે વરસાદ “જીવલેણ પૂર લાવી શકે” તેમ છે.

બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે, બ્રિટિશ વર્જિન આયલેન્ડ્સ પર 1300થી વધુ બચાવ ટુકડીઓને વિસ્તારમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવી છે અને વધારાની લશ્કરી ટુકડીઓને પણ બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે.

એએફપીના અહેવાલ અનુસાર ફ્રાન્સના તાબા હેઠળના ગ્વાડેલોપ વિસ્તારમાં સ્કૂલ્સ, વ્યાપારી અને સરકારી સંકુલો બંધ રાખવામાં આવ્યાં છે. અહીં ભારે પૂરની આગાહી છે. ફ્રાન્સની સરકારે ટાપુઓ પર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાના આદેશો આપ્યા છે.

Image copyright AFP / Getty
ફોટો લાઈન ફ્રેન્ચ કેરેબિયન સેન્ટ માર્ટિન ટાપુના ઓરિએન્ટ બે પર ઇરમાએ કરેલી તબાહીનો ફોટોગ્રાફ

એટલાન્ટિક મહાસાગરમાં બીજું એક વાવાઝોડું જોસ સક્રિય થઈ રહ્યું છે, જેમાં મહત્તમ 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે.

એનએચસીએ જાહેર કરેલી તેની સૂચનામાં સોમવારે જોસનું કેન્દ્રબિંદુ નોર્થ કેરોલિનાનાં કેપ હેટરસથી 426 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં સ્થિર થયું હોવાનું જણાવ્યું હતું.