બ્લોગઃ મહેમૂદ ફારૂકી બળાત્કાર મામલો અને ‘સંમતિ’નો સવાલ

મહેમૂદ ફારુકી Image copyright Getty Images
ફોટો લાઈન મહેમૂદ ફારુકી

કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બનાવતા પહેલા શું પુરૂષો ખરેખર તેમને પૂછે છે, 'શું તમે મારી સાથે સેક્સ કરવા ઇચ્છો છો?'

શું મહિલાઓ એકદમ સ્પષ્ટ જવાબ આપે છે, 'હા, હું ઇચ્છું છું' અથવા 'ના, હું નથી ઇચ્છતી?’

મારા હિસાબે મોટા ભાગના મામલે તો આવું કંઈ થતું નથી.

ન તો પુરૂષો આટલી સ્પષ્ટ રીતે પૂછે છે અને ન તો મહિલાઓ સ્પષ્ટ જવાબ આપે છે. પણ આપણે અંદાજો લગાવી જ લઈએ છીએ ને?

અંદાજો લગાવી લઈએ એ જ સારૂ છે. કેમ કે કાયદાના પ્રમાણે સેક્સ જો સંમતિથી ન થાય તો તે બળાત્કાર છે.

Image copyright PTI
ફોટો લાઈન ફારૂકી વિરૂદ્ધ એક અમેરિકી સંશોધકે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

એટલે કે આપણે જો મિત્રો છીએ પણ હું તમને સ્પષ્ટપણે કહું કે મારે તમારી સાથે સેક્સ નથી કરવું અને તમે તે છતાં મારી સાથે જબરદસ્તી કરો તો તે બળાત્કાર છે.


'હા'નો અંદાજ કેવી રીતે લગાવવો?

મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આ વાત સ્પષ્ટ નથી થતી. જેવું કથિત રૂપે ફિલ્મકાર મહેમૂદ ફારૂકીના કિસ્સામાં થયું છે.

ફારૂકી વિરૂદ્ધ એક અમેરિકી સંશોધકે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે જ્યારે ફારૂકીએ સંશોધક સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયાસ કર્યો, ત્યારે એ વાત સ્પષ્ટ ન થઈ કે સંશોધકે 'ના' કહ્યું કે તો એ વાત પણ જાણવા નથી મળી કે ફારૂકીને તે સંશોધકની અસંમતિ હોવાની વાતની સમજણ પડી.

આ જ કારણે ફારૂકીને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ગયા વર્ષે નિચલી કોર્ટે ફારૂકીને દોષિત જાહેર કર્યા હતા અને સાત વર્ષની સજા સંભળાવી હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન સેક્સને બધા લોકો પસંદ કરે છે, પણ સમાજમાં લોકો હજુ ખુલ્લા મનથી તેના અંગે વાત નથી કરતા

એટલે સવાલ એ છે કે, શારીરિક સંબંધ બનાવતી વખતે 'હા'નો અંદાજ કેવી રીતે લગાવવો?

બંધ રૂમમાં ચાદરોની વચ્ચે જ્યારે એ બારીક 'હા' ખોવાઈ જાય છે, તેને ચોક્કસ રીતે પાક્કી કેવી રીતે કરવી?


જબરદસ્તી કોને કહેવાય?

હવે સેક્સ તો આપણે સૌને ગમે છે, પણ તેના વિશે વાત કરતા આપણે ખૂબ શરમ અનુભવીએ છીએ.

એક વીડિયોએ આ જ શરમને દૂર કરવા માટે સેક્સની બદલે ‘ચા’નો ઉપયોગ કર્યો અને સવાલ પૂછ્યો કે 'શું તમે ચા પીવા માગો છો?'

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે કોઈને ચા પીવડાવવા માગો છો, અને તે ‘ના’ પાડી દે, તો તેમને જબરદસ્તી ચા ન પીવડાવવી જોઈએ.

જો તે ‘હા’ કહે અને પછી તેનું મન બદલાઈ જાય , તો પણ તેમને જબરદસ્તી ચા ન પીવડાવવી જોઈએ.

જો તે બેભાન હોય અથવા ચા પીવા માટે ‘હા’ કહીને બેભાન થઈ જાય, તો પણ તેમને જબરદસ્તી ચા ન પીવડાવવી જોઈએ.

Image copyright Getty Images
ફોટો લાઈન જ્યારે વાત શારીરિક સંબંધ બનાવવાની આવે, ત્યારે સંમતિ જ બધુ છે

અને જો ગયા અઠવાડીયે અથવા તો ગઈકાલ રાતે તેમણે ચા પીવા માટે સંમતિ વ્યક્ત કરી હતી, પણ આજે નથી પીવા માગતા, તો પણ તેમને જબરદસ્તી ચા ન પીવડાવવી જોઈએ.

સો વાતની એક વાત એ જ છે કે, સંમતિ જ બધું છે.


શું ઈશારો સમજી શકો છો?

હવે તમે એ ચર્ચા કરી શકો છો કે બેડરૂમમાં સેક્સ માટે સંમતિ લેવા કરતા ચા પીવા માટે ‘હા’ કે ‘ના’ પૂછવું ઘણું સહેલુ છે.

પણ રજૂઆત ચા માટે હોય કે સેક્સ માટે, કાયદો એ જ છે કે જવાબ માગવા, સાંભળવા અને માનવાનો સ્પષ્ટ ઇરાદો જરૂરી છે.

તમે કોઈની નજીક જવા માગો છો પણ તે મહિલાની આંખોમાં 'ના'નો અનુરોધ છે, તે તમારા હાથ પાછળ કરી રહી છે, તમારા શરીરને દૂર કરી રહી છે અથવા તો સરળતાથી અટકી જવાનો અનુરોધ કરી રહી છે?

શું તે કોઈ ઈશારો કરી રહી છે? શું તમે સાંભળી રહ્યા છો? શું તમે જોઈ શકો છો? અને સૌથી મહત્વની વાત, તમારો ઇરાદો શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન છેલ્લાં 20 વર્ષમાં બળાત્કારનાં જેટલા પોલીસ કેસ દાખલ થયા છે, તેમાં 97% બળાત્કાર મહિલાના ઓળખીતા વ્યક્તિએ ગુજાર્યા હોવાની માહિતી છે

આપણી ફિલ્મો, સીરિયલ અને મુખ્યધારાનાં મીડિયામાં આપણે અજાણ્યા શખ્સોને જ બળાત્કાર કરતા જોયા છે.

પુરૂષ પોતાની શક્તિથી મહિલાને દબાવી દે છે. અને તે મહિલા રોઈને, ચીસો પાડીને પોકારે છે કે તેને એવું વર્તન નથી જોઈતું. એટલે કે તેની સંમતિ નથી અને બળાત્કાર થઈ રહ્યો છે.

પણ જો તે પુરૂષ કોઈ જાણીતો શખ્સ હોય તો, મિત્ર હોય તો, પ્રેમી હોય તો, કે પછી પતિ હોય તો ?


શું તમે પણ આવા છો?

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ગત બે દાયકાના આંકડા જણાવે છે કે પોલીસ પાસે બળાત્કારનાં જે કેસ નોંધાયા છે, તેમાં 97 ટકા કેસમાં બળાત્કાર કરનારો પુરૂષ, મહિલાને ઓળખતો હતો.

મહેમૂદ ફારૂકીના કેસના ચૂકાદામાં કોર્ટે કહ્યું કે મહિલા નબળી રીતે કે અસ્પષ્ટ રીતે 'ના' પાડે તો તેનો અર્થ 'હા' પણ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે પુરૂષ અને મહિલા એકબીજાને ઓળખતા હોય. શિક્ષિત હોય અને પહેલા પણ એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવી ચૂક્યા હોય.

શું તમને આ વાત જાણીતી લાગે છે? શું એ તમારા જાણીતા લોકોના આવા જ છે? શું તમે પણ આવા છો?

શિક્ષિત લોકો કે જે પોતાની જાણીતી વ્યક્તિ સાથે સારા શારીરિક સંબંધ બનાવવા ઇચ્છે છે.

કેટલું અઘરૂ છે એ સમજવું કે, સામેની વ્યક્તિ શું ઇચ્છે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન જ્યારે 'ના' કમજોર રીતે પાડવામાં આવી હોય, ત્યારે મહિલાનું મન વાંચવાની જરૂર છે

એ અમેરિકી સંશોધકે પોતાની એક મિત્રને કહ્યું, "હું હંમેશા એક એવી મહિલા હતી જે પોતાના શરીર અને સેક્સ્યુઆલિટીની માલિક છે. એ રાત્રે જે થયું તેણે મારી પાસેથી મારો હક છીનવી લીધો."

કેટલું મુશ્કેલ છે, તે મહિલા દ્વારા થયેલા ઇશારાને સાંભળવો, જોવો અને માનવો?

અને જો 'ના' નબળી કે અસ્પષ્ટ રીતે પાડવામાં આવી હોય તો પછી શું તે સંમતિ છે?

શું તેવામાં મહિલાનું મન વાંચવાની જરૂર નથી?

એકબીજા માટે આપણે આટલું તો કરવું જોઈએ ને?

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)