ભારતીય સૈન્યના ડ્રાઇવરથી ભ્રષ્ટાચાર વિરોધી લડતના ચાલકબળ સુધીની સફર

અણ્ણા હઝારે Image copyright AFP
ફોટો લાઈન અણ્ણા હઝારે ગાંઘીચીંધ્યા માર્ગે લડત આપવામાં માને છે

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સામાન્ય લોકોને જોડી ચૂકેલા 79 વર્ષના સામાજિક કાર્યકર અણ્ણા હઝારેનું મૂળ નામ કિસન બાપટ બાબુરાવ હઝારે છે.

અણ્ણા હઝારે હંમેશા ખાદીના સફેદ વસ્ત્રો અને ગાંધી ટોપી પહેરતા દેશના જૂજ નેતાઓ પૈકીના એક છે.

તેમનો જન્મ 1938માં મહારાષ્ટ્રના ભિંગારી ગામના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બાબુરાવ અને માતાનું નામ લક્ષ્મીબાઈ છે. અણ્ણાના છ ભાઈ છે. તેમનું બાળપણ દારૂણ ગરીબીમાં વીત્યું હતું.

પરિવારની તંગ આર્થિક પરિસ્થિતિને કારણે અણ્ણા મુંબઇ આવ્યા. મુંબઇમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પરિવારનો આર્થિક બોજો હળવો કરવા માટે તેમણે ફૂલના વેપારીની દુકાનમાં મહિને 40 રૂપિયાના પગારની નોકરી કરી હતી.


સૈન્યમાં જોડાયા

Image copyright Getty Images
ફોટો લાઈન અણ્ણા હઝારેએ ભારતીય સૈન્યમાં ફરજ પણ બજાવી છે.

1962માં ભારત-ચીન યુદ્ધ બાદ સરકારે યુવાનોને સૈન્યમાં જોડાવાની અપીલ કરી હતી. તેના પગલે અણ્ણા 1963માં ભારતીય સૈન્યની મરાઠા રેજિમેન્ટમાં ડ્રાઈવર તરીકે જોડાયા હતા.

1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અણ્ણા હઝારેને ખેમકરણ સરહદે તહેનાત કરવામાં આવ્યા હતા. 1965ની 12 નવેમ્બરે પાકિસ્તાને વિમાન મારફત કરેલા બોમ્બમારામાં ચોકી પર તહેનાત કરવામાં આવેલા તમામ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. એ ઘટનાએ અણ્ણાની જિંદગીને હંમેશ માટે બદલી નાખી હતી.

એ ઘટનાના 13 વર્ષ બાદ અણ્ણા સૈન્યમાંથી નિવૃત્ત થયા હતા, પણ તેમના જન્મસ્થળ ભિંગારી ગામે ન ગયા. તેઓ નજીકના રાળેગાંવ સિદ્ધિમાં રહેવા વસી ગયા હતા.

1990 સુધીમાં અણ્ણા હઝારેની ઓળખ એક એવા સામાજિક કાર્યકર તરીકે સ્થાપિત થઈ હતી કે જેણે અહમદનગર જિલ્લાના રાળેગાંવ સિદ્ધિને પોતાની કર્મભૂમિ બનાવી અને ત્યાં વિકાસની નવી ગાથા આલેખી હતી.


આદર્શ ગામ

Image copyright PTI
ફોટો લાઈન ઓડિશાના પુરીના દરિયાકાંઠે કલાકાર સુદર્શન પટનાયકે અણ્ણા હઝારે અને મહાત્મા ગાંધીની આવી કૃતિ બનાવી હતી.

રાળેગાંવ સિદ્ધિમાં પાણી અને વીજળીની સખત અછત હતી. અણ્ણા હઝારેએ ગામના લોકોને નહેર બનાવવાની તથા ખાડા ખોદીને વરસાદનું પાણી એકઠું કરવાની પ્રેરણા આપી હતી. એ કામમાં જાતે યોગદાન પણ આપ્યું હતું.

અણ્ણાના કહેવાથી ગામમાં ઠેકઠેકાણે વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. ગામમાં સૌર ઊર્જા અને ગોબર ગેસ મારફત વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એ પછી અણ્ણાની લોકપ્રિયતા ઝડપભેર વધી હતી.

1990માં 'પદ્મશ્રી' અને 1992માં 'પદ્મભૂષણ' પુરસ્કારથી સન્માનિત અણ્ણા હઝારે રાળેગાંવ સિદ્ધિના વિકાસ અને ગામમાં પાણીની ઉપલબ્ધતા વધારવા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે.


Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રના બે પ્રધાનોને હટાવવાની માગ સાથે અણ્ણાએ એક સમયે ઉપવાસ આંદોલન કર્યું હતું.

'ભ્રષ્ટાચાર વિરોધી લોકઆંદોલન'

અણ્ણાએ 1991માં 'ભ્રષ્ટાચાર વિરોધી લોકઆંદોલન'ની શરૂઆત કરી ત્યારથી ભ્રષ્ટાચારનો જોરદાર વિરોધ કરતા સામાજિક કાર્યકર તરીકે તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી.

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની તત્કાલીન સરકારના કેટલાક 'ભ્રષ્ટ' પ્રધાનોને હટાવવાની માગણી સાથે તેમણે ઉપવાસ આંદોલન કર્યું હતું.

એ પ્રધાનોમાં શશિકાંત સુતાર, મહાદેવ શિવાંકર અને બબન ઘોલપનો સમાવેશ થતો હતો.

અણ્ણાએ એ પ્રધાનો આવકના પ્રમાણમાં વધારે સંપત્તિ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહારાષ્ટ્રની તત્કાલીન સરકારે અણ્ણાને મનાવવાનો પ્રયાસ કર્યા હતા, પણ આખરે હારીને બે પ્રધાનો શશિકાંત સુતાર તથા મહાદેવ શિવાંકરને હટાવવા પડ્યા હતા. બબન ઘોલપે અણ્ણા પર બદનક્ષીનો દાવો કર્યો હતો.

અણ્ણા એ કેસમાં કોઇ પુરાવો રજૂ કરી શક્યા ન હતા એટલે તેમને ત્રણ મહિનાની જેલસજા કરવામાં આવી હતી. જોકે, તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશીએ અણ્ણાને એક દિવસ કેદમાં રાખીને મુક્ત કર્યા હતા.

એક તપાસ પંચે શશિકાંત સુતાર અને મહાદેવ શિવાંકરને નિર્દોષ જાહેર કર્યા હતા, પણ અણ્ણા હઝારેએ શિવસેના તથા ભાજપના અનેક નેતાઓ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો.


સરકારવિરોધી ઝુંબેશ

Image copyright Getty Images
ફોટો લાઈન અણ્ણા હઝારેની બાયોપિક હાલ નિર્માણાધિન છે

2003માં અણ્ણા હઝારેએ કોંગ્રેસ અને એનસીપીની તત્કાલીન સરકારના ચાર ભ્રષ્ટ પ્રધાનો સુરેશદાદા જૈન, નવાબ મલિક, વિજયકુમાર ગાવિત અને પદ્મસિંહ પાટિલ સામે ઝુંબેશ શરૂ કરી હતી તથા ઉપવાસ આંદોલન છેડ્યું હતું.

અણ્ણાના આંદોલન સામે સરકાર ઝુકવું પડ્યું હતું. મહારાષ્ટ્રની તત્કાલીન સરકારે એક તપાસ પંચની રચના કરી હતી.

નવાબ મલિકે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તપાસ પંચે સુરેશદાદા જૈન સામે આરોપો ઘડ્યા ત્યારે તેમણે પણ રાજીનામું આપી દીધું હતું.

1997માં અણ્ણા હઝારેએ માહિતીના અધિકારના કાયદાના ટેકામાં ઝુંબેશ છેડી હતી. આખરે 2003માં મહારાષ્ટ્ર સરકારે એ કાયદાનો એક મજબૂત અને આકરો મુસદ્દો પસાર કરવો પડ્યો હતો.

Image copyright PTI
ફોટો લાઈન મુંબઇના આઝાદ મેદાનમાં અણ્ણાના ટેકેદાર

ત્યાર બાદ એ આંદોલને રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું હતું અને 2005માં સંસદે માહિતીના અધિકારના કાયદાને મંજુરી આપી હતી.

એ પછી 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેએ રાષ્ટ્રીય સ્તરે ભ્રષ્ટાચારવિરોધી આંદોલન કર્યું હતું.

કેટલાક રાજકીય નિષ્ણાતો અને વિશ્લેષકોની વાત માનીએ તો અણ્ણા હઝારે ઉપવાસના શસ્ત્રનો ખોટો ઉપયોગ કરીને રાજકીય બ્લેકમેઈલિંગ કરે છે અને ઘણા રાજકીય વિરોધીઓએ અણ્ણાનો ઉપયોગ કર્યો છે.

કેટલાક વિશ્લેષકો અણ્ણા હઝારેને નિરંકુશ ગણાવે છે અને કહે છે કે તેમના સંગઠનમાં લોકશાહીનો છાંટો પણ જોવા મળતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા