થીએટરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન ઊભા ન થઈ શકેલા દિવ્યાંગ સાથે દુર્વ્યવહાર

હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ગવાય ત્યારે દેશપ્રેમ સાબિત કરવા ઊભા થવું જરૂરી નથી Image copyright Getty Images
ફોટો લાઈન હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ગવાય ત્યારે દેશપ્રેમ સાબિત કરવા ઊભા થવું જરૂરી નથી

વાત વ્હીલચેરમાં બેઠેલા અને દિવ્યાંગોના અધિકારો માટે કામ કરતા અરમાન અલીએ કરી છે.

તાજેતરમાં જ ગુવાહાટીના એક મલ્ટીપ્લેક્સમાં અરમાન અલી તેમના ભત્રીજા અને ભત્રીજીઓ સાથે ફિલ્મ જોવા ગયા હતા.

ફિલ્મ પહેલાં રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે અરમાન ઊઠી ન શક્યા એટલે કેટલાક લોકોએ તેમને કથિતરૂપે પાકિસ્તાની કહ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

પહેલાં અરમાન એલ્બો ક્રન્ચના ટેકાથી ચાલી શકતા હતા પણ 2010થી તે વ્હીલચેર વગર નથી ચાલી શકતા.


"એક પાકિસ્તાની બેઠેલો છે"

Image copyright DILIP KUMAR SHARMA
ફોટો લાઈન અરમાન 2010થી વ્હીલચેર વગર નથી ચાલી શકતા

થિયેટરમાં બનેલી આ ઘટના અંગે અરમાને બીબીસીને કહ્યું,"28 તારીખે હું મારા ભત્રીજા અને ભત્રીજીઓ સાથે મલ્ટીપ્લેક્સમાં ફરહાન અખ્તરની ફિલ્મ 'લખનૌ સેન્ટ્રલ' જોવા ગયા હતો.

તેમણે કહ્યું, "અમે લોકો ખુશ હતા. ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું. સરકારના જે નિયમો છે હું તે અનુસાર જ મારી ખુરશી પર બેઠા બેઠા બાળકો સાથે રાષ્ટ્રગીત ગાવા લાગ્યો.”

તેમણે વધુમાં કહ્યું, “પણ રાષ્ટ્રગીત પૂર્ણ થતા જ પાછળથી કોઈએ બૂમ પાડી કે એક પાકિસ્તાની બેઠેલો છે. જો કે મેં વાતને ગણકારી નહીં. કેમકે મને લાગ્યું કે જો હું કંઈક બોલીશ તો એક અસહજ તર્ક સર્જાઈ શકે છે અને મારી સાથે બાળકો પણ હતા.”

અરમાને કહ્યું, “હું નહોતો ઈચ્છતો કે માહોલ ખરાબ થાય અને બાળકો પર તેની ખરાબ અસર પડે. પરંતુ આ બાબત ઘણી દુઃખદ હતી. મને ખબર ન હતી કે આ લોકો કોણ હતા અને ક્યાથી આવ્યા હતા તથા તેમના દિમાગમાં આ વાત ક્યાંથી આવી હતી.”


પાકિસ્તાની જ કેમ કહ્યો?

Image copyright DILIP KUMAR SHARMA
ફોટો લાઈન અરમાન બાળકો સાથે ફિલ્મ જોવા ગયા હતા

અરમાને જણાવ્યું, "હું માત્ર વિચારતો રહ્યો કે આ લોકોએ મને અમેરિકન અથવા બર્મીઝ કેમ ન કહ્યો. કેમ મને ચાઈનીઝ ન કહ્યો. મને પાકિસ્તાની જ કેમ કહ્યો? "

તેમણે ઉમેર્યું, "હું મુસ્લિમ છું એ વાતથી મને ક્યારેય કોઈ પરેશાની નથી થઈ. પણ હાલ દેશમાં જેવો માહોલ છે, જેમકે હિંસાખોરીનું જ ઉદાહરણ લઈ લઈએ."

તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, "ગર્ભિત રાષ્ટ્રવાદનું એક ચલણ ચાલી રહ્યું છે. તેના વિશે વિચારીને મને લાગ્યું કે તે સમયે તેમને જો માલૂમ પડતું કે હું એક મુસલમાન છું તો એ લોકો વાતને એક અલગ રંગ આપી શક્યા હોત."

તેમણે વધુમાં કહ્યું, "એટલા માટે હું ચૂપ જ રહ્યો. જ્યારે મેં પાછુ વળીને જોયું તો જે લોકોએ 'પાકિસ્તાની' કહ્યું હતું તેમના ચહેરા પર હાસ્ય હતું. જાણે મને 'પાકિસ્તાની' કહીને તેમણે તેમનું રાષ્ટ્રીય કર્તવ્ય પૂરું કર્યું હોય."


દિવ્યાંગો પ્રત્યે સમાજનું વલણ

Image copyright DILIP KUMAR SHARMA
ફોટો લાઈન થીએટરમાં ફિલ્મ પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે

અરમાને આગળ જણાવ્યું, "ફિલ્મ જોવી અથવા સામાન્ય લોકોની જેમ ગાડી ચલાવી ફરવા જવું તે બધું મારા માટે સરળ નથી.”

તેમણે ઉમેર્યું, “હું એક વિકલાંગ છું. તે દિવસે પણ ચાર લોકો મને ઉંચકીને લઈ ગયા ત્યારે હું ફિલ્મ જોવા સીટ પર બેસી શક્યો હતો. હું સામાન્ય લોકોની જેમ મન ફાવે ત્યારે ફિલ્મ જોવાની યોજના ન બનાવી શકું.”

તેમણે કહ્યું, “લોકોએ કોઈ પણ વાતો કરતા પહેલા જોવું જોઈએ કે મને શું તકલીફો છે. જો કોઈ બેઠેલું હોય તો તેનું કારણ બીમારી હોઈ શકે છે. વિકલાંગતા પણ હોઈ શકે છે.”

તેમણે વધુમાં કહ્યું, “તમે જોયા વગર કોઈને પાકિસ્તાની કઈ રીતે કહી શકો. આ કેવો માહોલ બની રહ્યો છે?"


અરમાનને મળ્યું હતું અટલ બિહારી વાજપાયીના હાથે સન્માન

Image copyright DILIP KUMAR SHARMA

આ ઘટનાની પોલીસ ફરિયાદ કેમ નહીં કરી તેના સવાલના જવાબમાં અરમાને કહ્યું, " આ કોઈ અપરાધને રોકવાની લડાઈ નથી. આ બાબત વિકલાંગો પ્રત્યે સમાજના એક વર્ગનો દૃષ્ટિકોણ છે. લોકોમાં જાગૃતિનો અભાવ છે અને કેટલાકમાં સંવેદના ઓછી છે."

તેમણે કહ્યું,“સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીત મામલે જે આદેશ આપ્યો છે તેની પાછળનો વિચાર ઘણો સારો છે. તે રાષ્ટ્ર પ્રેમ, એકતાનો વિચાર છે. પરંતુ અદાલતે કદાચ આદેશ આપતી વખતે વિકલાંગો સાથે જે ઘટનાઓ બની રહી છે, તેની કલ્પના પણ નહીં કરી હોય.”

અરમાન 1998થી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં વિકલાંગો માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા ‘શિશુ સારથી’ સાથે જોડાયેલા છે.

Image copyright DILIP KUMAR SHARMA
ફોટો લાઈન અરમાનને અટલ બિહારી વાજપાયીના હાથે 'સર્વશ્રેષ્ઠ વિકલાંગ કર્મચારી'નો અવોર્ડ મળ્યો હતો

હાલ તે શિશુ સારથી સંસ્થાના કાર્યકારી ડિરેક્ટર છે. મગજના લકવા સાથે જન્મેલા 36 વર્ષીય અરમાન રાષ્ટ્રીય સ્તર પર થનારી પેરા-શૂટિંગ સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

વળી, 1998માં અરમાનને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના હાથે 'સર્વશ્રેષ્ઠ વિકલાંગ કર્મચારી'નો અવોર્ડ મળ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે નવેમ્બરમાં તમામ થિયેટર્સમાં ફિલ્મ શરૂ થતાં પહેલા રાષ્ટ્રગીત ચલાવવાનો આદેશ આપ્યો હતો.

તથા 52 સેકન્ડ સુધી ચાલતા આ ગીત દરમિયામ તમામને ઊભા રહેવાનો પણ આદેશ આપ્યો હતો.

જો કે બાદમાં અદાલતે તેના નિર્ણયમાં ફેરફાર કરીને શારીરિક રીતે વિકલાંગ અને બીમાર લોકોને ઊભા રહેવામાંથી છૂટ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો