અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ વિજેતા પ્રો. રિચર્ડ થૅલરનું પ્રદાન શું છે?

લોકો કેવી રીતે ખોટી અને અતાર્કિક નિર્ણયો લે છે, તેની 'નજ થીયરી' પ્રો રિચર્ડ થૅલરનું મૌલિક પ્રદાન છે Image copyright Reuters
ફોટો લાઈન લોકો કેવી રીતે ખોટી અને અતાર્કિક નિર્ણયો લે છે, તેની ‘નજ થીયરી’ પ્રો રિચર્ડ થૅલરનું બિહેવિયરલ ઇકોનોમિક્સમાં મૌલિક પ્રદાન છે

બિહેવિયરલ ઈકોનોમિક્સમાં સંશોધન કરી રહેલા અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ થૅલરને આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે.

શિકાગો બૂથ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર થૅલર ''નજ'' નામના વિશ્વમાં સૌથી મોટા પ્રમાણમાં વેચાયેલા પુસ્તકના સહ-લેખક પણ છે.

લોકો ખોટી કે અતાર્કિક પસંદગી કઈ રીતે કરે છે, તેનો ખ્યાલ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તેમણે ''Nudging'' (નજિંગ) શબ્દ આપ્યો છે. પોતાની જાત પર સારી રીતે અંકુશ રાખવામાં ‘નજિંગ’ કઈ રીતે મદદરૂપ થઇ શકે એ પ્રોફેસર થૅલરે સમજાવ્યું છે.

તેમના આ પ્રદાન માટે તેમની પસંદગી નોબેલ પુરસ્કાર માટે થઈ હોવાનું પસંદગી સમિતીએ જણાવ્યું હતું.

નોબેલ પુરસ્કાર પેટે તેમને 90 લાખ સ્વીડિશ ક્રોના એટલે કે સાડા આઠ લાખ પાઉન્ડ (લગભગ 7 કરોડ 30 લાખ રૂપિયા) આપવામાં આવશે.

72 વર્ષના પ્રોફેસર થેલરે કહ્યું, “પુરસ્કાર પેટે મળનારાં નાણાંને શક્ય તેટલી વધારે અતાર્કિક રીતે વાપરવાનો પ્રયાસ હું કરીશ.”


નજિંગ થીઅરી

Image copyright PARAMOUNT
ફોટો લાઈન ફિલ્મ ‘ધ બિગ શોર્ટ’માં પ્રો. થૅલરે પણ અભિનય કર્યો હતો

પ્રોફેસર થૅલરે રજૂ કરેલી થીઅરીને પગલે બ્રિટનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરોનના વડપણ હેઠળ એક નજ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી.

લોકોના બદલાતા વર્તનનો તાગ મેળવવાના કલ્પનાશીલ વિકલ્પો શોધી કાઢવાના હેતુસર 2010માં એ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું.

એ યુનિટની ઓફિસ બ્રિટન, ન્યૂ યોર્ક, સિંગાપોર અને સીડનીમાં છે.

પસંદગી સમિતિના સભ્ય પેર સ્ટ્રોમબર્ગે જણાવ્યું હતું કે આર્થિક નિર્ણયોને મનોવિજ્ઞાન કઈ રીતે આકાર આપે છે, તેનું સંશોધન પ્રોફેસર થૅલરે કર્યું હતું.

સ્ટ્રોમબર્ગે કહ્યું, “પ્રોફેસર થૅલરના અભ્યાસનાં તારણોએ અન્ય અનેક સંશોધકોને પ્રોત્સાહિત કર્યા છે અને બીહેવિયરલ ઈકોનોમિક્સ તરીકે ઓળખાતી અર્થશાસ્ત્રની નવી શાખાના સર્જનનો માર્ગ મોકળો કર્યો છે.''

પસંદગી સમિતિએ જણાવ્યું હતું કે પ્રોફેસર થૅલરના તારણોને કારણે લોકોને માર્કેટિંગ ટ્રિક્સને પારખવામાં અને ખોટા આર્થિક નિર્ણયો નહીં લેવામાં મદદ કરી છે.

પ્રોફેસર થૅલરે હોલિવૂડની ફિલ્મ ''ધ બિગ શોર્ટ''માં નાનકડી ભૂમિકા ભજવી હતી અને 2007 તથા 2008ની નાણાંકીય કટોકટી સર્જાવાનું કારણ બનેલાં જટિલ ફાઈનાન્સિઅલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની સમજ આપી હતી.


અમેરિકનોનું વર્ચસ્વ

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન પ્રૉ. થૅલરને વર્ષ 2014માં ગ્લોબલ ઇકોનૉમી પ્રાઇઝ મળ્યું હતું

મેડિસિન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત ગયા સપ્તાહે કરવામાં આવી હતી.

અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝની જાહેરાત આ વર્ષના છેલ્લા પુરસ્કારની જાહેરાત છે.

અર્થશાસ્ત્રનો પુરસ્કાર જ એક એવું ઈનામ છે જેનું સર્જન આલ્ફ્રેડ નોબેલે કર્યું ન હતું.

આલ્ફ્રેડ નોબેલના મૃત્યુના વર્ષો બાદ 1968માં અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પ્રાઈઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આજની તારીખે આ પુરસ્કારમાં અમેરિકનો છવાયેલા રહ્યા છે. આ પ્રાઈઝ આપવાનું શરૂ થયું ત્યાર પછીને લગભગ અરધોઅરધ પુરસ્કાર અમેરિકનોને આપવામાં આવ્યા છે.

2003 અને 2013 દરમ્યાન દરેક વર્ષે આ પુરસ્કાર એક કે તેથી વધુ અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓને આપવામાં આવ્યો હતો.

ગયા વર્ષે આ પુરસ્કાર બ્રિટનમાં જન્મેલા ઓલિવર હર્ટ અને ફિનલેન્ડના બેન્ટ હોલ્મસ્ટ્રોમને કોન્ટ્રાક્ટ થિઅરી વિશેના તેમના કામ બદલ આપવામાં આવ્યો હતો.


અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના અગાઉના વિજેતાઓ

-2016 - ઓલિવર હર્ટ (બ્રિટન) અને બેન્ટ હોલ્મસ્ટ્રોમ (ફિનલેન્ડ)

-2015 - એન્ગસ ડીટન (બ્રિટન-અમેરિકા)

-2014 - જીન તિરોલે (ફ્રાન્સ)

-2013 - યુજીન ફામા, લાર્સ પીટર હાન્સેન અને રોબર્ટ શિલર (અમેરિકા)

-2012 - એલ્વિન રોથ અને લોયડ શેપ્લે (અમેરિકા)

-2011 - થોમસ સાર્જન્ટ અને ક્રિસ્ટોફર સિમ્સ (અમેરિકા)

-2010 - પીટર ડાયમંડ અને ડેલ મોર્ટેન્સેન (અમેરિકા) તથા ક્રિસ્ટોફર પિસ્સારાઇડ્ઝ (સાયપ્રસ-બ્રિટન)

-2009 - એલિનોર ઓસ્ટ્રોમ અને ઓલિવર વિલિયમસન (અમેરિકા)

-2008 - પોલ ક્રુગમેન (અમેરિકા)

-2007 - લીઓનીડ હર્વિક્ઝ, એરિક માસ્કિન અને રોજર માયરસન (અમેરિકા)

-2006 - એડમંડ ફેલ્પ્સ (અમેરિકા)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ