અફઘાનિસ્તાનમાં શિયા અને સુન્ની મસ્જિદોમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ

પોલિસનો ફોટો Image copyright REUTERS

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક શિયા મસ્જિદો પર થયેલા બે અલગ અલગ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મૃત્યુ થયા હતા.

કાબુલમાં આવેલી ઇમાન ઝમાન મસ્જિદમાં થયેલા હુમલામાં હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઊડાવી દેતાં પહેલાં બેફામ ગોળીબાર કર્યો હતો.

જેમાં 39 લોકોનાં મૃત્યુ થયા હતા. બીજો હુમલો અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની સુન્ની મસ્જિદમાં કરવામાં આવ્યો હતો, જેમાં 20 લોકોના મૃત્યુ થયા હતા.

કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.

તમને આ વાંચવું પણ ગમશે :

જોકે, કથિત ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા ઇમાન ઝમાન મસ્જિદ પર હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. પરંતુ તેના માટેના કોઈ પુરાવા નથી.

જૂથ દ્વારા અગાઉ પણ સમગ્ર અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદોને નિશાન બનાવવામાં આવી હતી.


યુદ્ધ મેદાન જેવા દૃશ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન શિયાઓની ઇમામ ઝમાન મસ્જિદમાં નમાઝીઓ પર આત્મઘાતી હમલો થયો હતો

આ હુમલાને નજરે જોનારા સાક્ષીએ બીબીસીને જણાવ્યું કે, કાબુલની પશ્ચિમે આવેલી ઇમામ ઝમાન મસ્જિદમાં જોવા મળેલાં દૃશ્યો કોઈ "યુદ્ધનાં મેદાનમાં જોવા મળે તેવાં" હતાં.

શુક્રવારની નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં એકઠાં થયેલાં લોકો પર હુમલાખોરે બેફામ ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાની જાતને બોમ્બથી ઊડાવી દીધી હતી.

કાબુલ પોલીસના પ્રવક્તા બસિર મોજાહિદે આ ઘટનાની પુષ્ટિ કરી, પરંતુ હુમલાની વધુ વિગતો આપી ન હતી.

ઓગસ્ટ

Image copyright Getty Images
ફોટો લાઈન ઑગસ્ટ 2017માં પણ કાબુલની શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો હતો તે સમયની તસવીર

એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનનાં ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કેવા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો છે, તેની તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત અહેવાલો અનુસાર અફઘાનિસ્તાનનાં ઘોર પ્રાંતમાં આવેલી શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં સરકાર તરફી ઉગ્રવાદી જૂથના કમાન્ડરનું મોત થયું હતું.

આ હુમલાની વિગતો હજી સુધી સ્પષ્ટ થઈ નથી અને હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાની શક્યતા છે.

આ હુમલાઓમાં ડઝનબંધ નમાઝીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું અફઘાનિસ્તાનનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન આ વર્ષે 26 ઑગસ્ટે કાબુલની શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો તેના પછીના દિવસની તસવીર

આ અગાઉ કાબુલની પોલીસે એક સંભવિત આત્મઘાતી ટ્રક બોમ્બરની ધરપકડ કરીને મોટો હુમલો ખાળ્યો હોવાનું નિવેદન આપ્યું હતું, જેના ગણતરીનાં દિવસો બાદ આ શુક્રવાર હુમલો થયો છે.

ઑગસ્ટમાં કાબુલમાં નમાઝીઓ પર થયેલા હુમલામાં 20 લોકો માર્યા ગયા હતા. સુન્ની ઇસ્લામી આતંકવાદી જૂથે તેની જવાબદારી સ્વીકારી હતી.

મે મહિનામાં ટ્રક બોમ્બથી કાબુલમાં થયેલા હુમલામાં 150 લોકોના મોત થયા હતા અને 400થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગનાં સામાન્ય નાગરિકો હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા