સોનિયા બાદ રાહુલ માટે પણ અહેમદ પટેલ જરૂરી?

 • વિજયસિંહ પરમાર
 • બીબીસી ગુજરાતી

રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત રહશે અને બુધવારે પહેલા દિવસે તે ભરૂચ જિલ્લામાં જશે. ભરૂચનું સ્થાન ભારતીય રાજકારણ અને કોંગ્રેસના પક્ષીય રાજકારણમાં ક્યારેય ભૂલી કે અવગણી નહીં શકાય.

આ એ જ ગામ છે, જ્યાં રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીનું બાળપણ વિત્યું હતું. ઇંદિરા ગાંધી સાથે લગ્ન કર્યાં બાદ તેઓ અહીં એક મુલાકાત માટે આવ્યાં હતાં.

હજી પણ ભરૂચ એટલા માટે અગત્યનું છે કારણ કે, કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલ પણ અહીંના જ વતની છે.

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી શું હવે રાહુલ ગાંધી માટે પણ અનિવાર્ય બન્યા છે?

તમને આ વાંચવું પણ ગમશે:

એ તો સમય જ કહી શકે પણ હાલ ભાજપ દ્વારા અહેમદ પટેલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે અહેમદ પટેલ પર સીધું નિશાન સાધ્યું કે અહેમદ પટેલ આંતકવાદીઓને છાવરે છે એવો આરોપ મૂકી અહેમદ પટેલ રાજયસભાના સાંસદ તરીકે રાજીનામું આપે એવી માંગણી કરી.

કોણ છે અહેમદ પટેલ?

ઇમેજ કૅપ્શન,

અહેમદ પટેલને ભરૂચમાં તેમના ટેકેદારોમાં ‘બાબુભાઈ’ તરીકે ઓળખાય છે

 • અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દી કટોકટીના દિવસોમાં શરૂ થઈ હતી.
 • એ દિવસોમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશના વિવિધ ભાગોમાં ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવી રહી હતી, ત્યારે 28 વર્ષના પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી.
 • રાજીવ ગાંધીએ પક્ષ અને સરકારનું સુકાન હાથમાં લીધું, ત્યારબાદ કોંગ્રેસમાં અહેમદ પટેલનો ઉદય ઝડપી બન્યો.
 • રાજીવે પક્ષનાં ઘરડાં અનુભવી સભ્યોને બદલે યુવાનોને તક આપી. એ સમયે શરમાળ પ્રકૃતિના પટેલને પક્ષના મહામંત્રી બનાવ્યા હતા.
 • રાજીવ ગાંધીની હત્યા બાદ, પટેલ રાજકીય રીતે પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. પી વી નરસિંહ્મા રાવના સમય દરમિયાન તેમનું કદ માત્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીનાં સભ્ય તરીકે મર્યાદિત બની ગયું હતું.
 • આ સમયગાળામાં તેમણે જવાહર ભવન ટ્રસ્ટનાં કામકાજને વધુ સઘન બનાવવામાં તેમનું આપ્યું હતું.
 • આ કામ સાથે રાજીવ ગાંધી ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. આ કામને લીધે તેમને સીધા જ સોનિયા ગાંધી સાથે ઘનિષ્ઠતા કેળવવાની તક મળી, જે ત્યાં સુધી જાહેર જીવનમાં નહોતાં આવ્યાં.
 • નેવુંનાં દાયકામાં જ્યારે સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે ત્યાં સુધી તેમનાં વિશ્વાસુ બની ચૂકેલા અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા.
 • પટેલ તેમનાં પતિના માત્ર વિશ્વાસુ જ નહીં, પણ પક્ષમાં બે દાયકાથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા હતા. એટલું જ નહીં, તેમની રાજકીય મહત્વાકાંક્ષા પણ ખૂબ જ મર્યાદિત હતી.

અહેમદ પટેલ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પિરામણ ગામના વતની છે અને ૧૯૭૦ના દાયકાથી કોંગ્રેસમાં સક્રિય છે.

હાલ તેઓ રાજયસભાના સાંસદ છે અને કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે. ભરૂચના લોકો તેમને 'બાબુભાઈ' તરીકે ઓળખે છે.

રાજકીય વિશ્લેષક અજય ઉમટે બીબીસી ગુજરાતીને જણાવ્યુ કે, "આઝાદી પછીના ગુજરાતના રાજકારણમાં એક મુસ્લિમ નેતા તરીકે જો કોઈનું નામ લેવું હોય તો તે અહેમદ પટેલ છે.

અહેમદ પટેલ ત્રણ વખત ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી સંસદસભ્ય બન્યા.

પણ ગુજરાતના રાજકારણમાં કોમવાદી ધ્રુવીકરણની શરૂઆત પછી એટલે કે ૧૯૯૩ પછી તેમણે ચૂંટણી લડવાનું બંધ કર્યુ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અહેમદ પટેલ પર આક્ષેપ કરી કોંગ્રસ પર નિશાન તાકે છે. આ એક રાજકીય કાવા-દાવાનો ભાગ છે''

‘મુસ્લિમોએ તેમને પોતાના પ્રતિનિધિ નથી ગણ્યા’

ઇમેજ કૅપ્શન,

અહેમદ પટેલ એક રાજકારણીથી વિશેષ કંઇ નથી. પણ ફક્ત તેમનુ નામ 'એહમદ' છે એમ સામાજિક કાર્યકર હનિફ લાકડાવાલા કહે છે

એહમદ પટેલ એક રાજકારણીથી વિશેષ કંઇ નથી, પણ ફક્ત તેમનુ નામ 'એહમદ' છે એમ સામાજિક કાર્યકર હનિફ લાકડાવાલા કહે છે

સામાજીક કાર્યકર હનિફ લાકડાવાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અહેમદ પટેલને ગુજરાતના મુસ્લિમોએ ક્યારે 'મુસ્લિમોના પ્રતિનિધિ' તરીકે જોયા નથી.

બીજુ કે, ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની ફરિયાદ રહી છે કે, અહેમદ પટેલ તેમને મદદ કરતા નથી. તેમને થતા અન્યાય વિશે ખુલીને બોલતા નથી."

તેમણે વધુમાં કહ્યું કે, "ગુજરાતના મુસ્લિમો માટે અહેમદ પટેલ એક રાજકારણીથી વિશેષ કંઈ નથી. પણ ફક્ત તેમનું નામ 'અહેમદ' છે એટલા માટે ભાજપ તેમને મુસ્લિમ ચહેરા તરીકે પ્રસ્થાપિત કરી મતોનું ધૃવિકરણ કરવા માંગે છે."

તેમણે ઉમેર્યુ, "એહસાન ઝાફરી પછી અહેમદ પટેલ એક માત્ર મુસ્લિમ ચહેરો છે જે ગુજરાતમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાય છે. અહેમદ પટેલ રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાય છે. અલબત્ત, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દ્વારા સંસદમાં મુસ્લિમોનુ પ્રતિનિધિત્વ પુરુ થઈ ચૂક્યુ છે."

મુસ્લિમોના નહીં કોંગ્રેસના નેતા

ઇમેજ કૅપ્શન,

કોંગ્રેસના નેતાઓ સાથે અહેમદ પટેલ વર્ષ 2004માં

પિરામણ ગામના વતની કાસીમ ઉનિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ભરૂચના લોકો માટે અહેમદ પટેલ એટલે 'બાબુભાઈ'. લોકો એમને બાબુભાઈ જ કહે છે. એવી જ રીતે, એમના પિતાને લોકો 'કાંતિભાઈ પટેલ' તરીકે ઓળખતા.

અહેમદ પટેલને મુસ્લિમોના ચહેરા તરીકે દેખાડવાના પ્રયાસો ઘણા સમયથી થઇ રહ્યા છે પણ લોકોએ તેમને કોંગ્રેસના નેતા તરીકે જોયા છે."

રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકે બીબીસી ગુજરાતીને જણાવ્યુ કે, "અહેમદ પટેલ છેલ્લાં ઘણા વર્ષોથી કેન્દ્રીય કક્ષાએ જોડાયેલા છે. એક સમયે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા."

તેમણે ઉમેર્યુ કે, "ગુજરાતના લોકો માટે અત્યારે અહેમદ પટેલ એટલે કોંગ્રેસના નેતા. ગુજરાતમાં જ્યારથી હિન્દૂત્વની પ્રયોગશાળા શરૂ થઇ ત્યારથી તેઓ રાજકીય રીતે મતના રાજકારણમામ હાંસિયામાં ધકેલાતા ગયા અને માત્ર એક મુસ્લિમ નેતા તરીકેની તેમની છાપ રહી."

તેમણે વધુમાં કહ્યું, "હાલની સ્થિતિએ ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ તેમનું કોઈ વર્ચસ્વ નહીં પણ કોંગ્રેસ પાર્ટીમાં તે મહત્વના નેતા ગણાય. કેમ કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્ય નેતાઓની નજીક છે."

અહેમદ પટેલને પછાડવા એ સોનિયા ગાંધીને પછાડવા બરાબર?

ઇમેજ કૅપ્શન,

રાજકારણમાં જો અહેમદ પટેલને નુકસાન જાય તો તેની સીધી અસર સોનિયા ગાંધીને થાય તેમ મનાય છે

સીએનએન ન્યૂઝ 18નાં સિનિયર એડિટર ઑફ પોલિટિક્સ પલ્લવી ઘોષ કહે છે, "જો તમે અહેમદ પટેલને રાજકીય રીતે પછાડો, તો તમે સોનિયા ગાંધીને આઘાત આપી શકો.

અહેમદ પટેલ કોંગ્રેસમાં પહેલા એવા 'અ-ગાંધી' છે, જેને પક્ષમાં અભૂતપૂર્વ ટેકો મળેલો છે. તેમને સત્તાનાં ગલિયારામાં રમાયેલી ગંદી રાજરમતનાં રહસ્યો ખબર છે.

તેને પક્ષની પ્રવૃત્તિઓની ઝીણામાં ઝીણી બાબતની ઊંડી સમજ છે. સોનિયા ગાંધી જ્યારે રાજકારણમાં નવાં હતાં ત્યારે તેમણે કરેલી ભૂલોની જાણ અહેમદ પટેલને છે. એમને બધી જ ખબર છે.

એટલે જ ભાજપ સોનિયાને નિશાન બનાવવા અને કોંગ્રેસ પાર્ટીને અસ્થિર કરવા માટે અહેમદ પટેલને નિશાન બનાવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો