પ્રેસ રિવ્યૂ જાન્યુઆરીમાં સૂરજને શોધે છે યુરોપનાં શહેરો

પેરિસના શિયાળાની તસવીર Image copyright Getty Images

રેકોર્ડ બ્રેક ઠંડીને કારણે યુરોપના દેશો જાન્યુઆરીમાં સૂર્યપ્રકાશ માટે તરસી ગયા છે.

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર વર્ષ 2018ના પ્રથમ મહિનામાં હજી સુધી પેરિસમાં 10 કલાક, બ્રસેલ્સમાં 10.31 કલાક, લંડનમાં 30 કલાક, ફ્રાન્સના લિલી શહેરમાં 3 કલાક અને રશિયાના મોસ્કોમાં માત્ર 40 મિનિટ માટે જ સૂર્ય દેખાયો છે.

આ શહેરોમાં સૂર્યપ્રકાશનાં પણ ફાંફા પડી રહ્યા હોવાનું સમાચારમાં જણાવવામાં આવ્યું છે. મોસ્કોમાં જાન્યુઆરીમાં 20 કલાક, પેરિસમાં 63 કલાક, લિલીમાં 61.4 કલાક બ્રસેલ્સમાં 60 કલાક અને લંડનમાં 62 કલાક જેટલો જ સૂર્યપ્રકાશ મળ્યો છે.

પેરિસમાં આ પહેલાં જાન્યુઆરી 1948માં આવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે 20 દિવસમાં માત્ર 13 કલાક જ સૂર્યપ્રકાશ મળ્યો હતો. આ વખતે 70 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

અખબારે સમાચાર એજન્સીના હવાલાથી જણાવ્યું હતું કે અનેક દિવસો સુધી ઓછો સૂર્યપ્રકાશ મળવાથી લોકો થાક, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. સૂર્યપ્રકાશના ન મળે તો શરીરમાં મેલોટોનિન અંતઃસ્ત્રાવને અસર થાય છે. આ અંતઃસ્ત્રાવ શરીરની બૉડીક્લોકને જાળવી રાખે છે.

અંતઃસ્ત્રાવમાંથી ઘટાડાની અવસ્થાથી બચવા માટે લોકો આર્ટિફિશિયલ લાઇટ થેરપી લઈ રહ્યા છે.


વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જેટલી નહીં જાય, મોદી જશે

Image copyright Getty Images

કેંદ્રીય નાણામંત્રી અરુણ જેટલી આગામી સપ્તાહે યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે ડેવોસ નહીં જાય. તે ભારતમાં રહીને પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારાં દેશના બજેટને તૈયાર કરવા પર ધ્યાન કેંદ્રીત કરશે.

મનીકંટ્રોલ ડોટ કોમ વેબસાઇટમાં પ્રકાશિત સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી આ મિટિંગમાં ભાગ લેશે.

સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી બજેટ ડિમોનિટાઇઝેશન અને જીએસટી જેવા બે મોટાં નિર્ણયોની અસરો જોવા મળ્યા બાદ રજૂ થવાનું છે. આથી સરકાર નોકરીઓના નિર્માણ, ગ્રામીણ ક્ષેત્રમાં નિરાશા જેવા મુદ્દાને પહોંચી વળવાના પગલાં ભરે તેવી શક્યતા છે.

આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ હોવાનું સમાચારમાં જણાવાયું છે.

ડેવોસમાં મળનારી WEFની મિટિંગમાં ભારતીય પ્રતિનિધિ મંડળમાં કેંદ્રીય મંત્રીઓ સુરેશ પ્રભુ, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જિતેન્દ્ર સિંઘ અને એમ જે અકબર ઉપરાંત ઉદ્યોગ જગતના અગ્રણીઓ મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજી, ચંદા કોચર, ગૌતમ અદાણી, રાહુલ બજાજ, સુનિલ ભારતી મિત્તલ, પવન મુંજાલ, નરેશ ગોયલ, સજ્જન જિંદાલ જોડાશે.


દિલ્હીમાં લાગેલી આગમાં 17ના મૃત્યુ

Image copyright Reuters

દિલ્હીના ઔદ્યોગિક વિસ્તાર બવાનામાં આવેલી એક ફેક્ટરીમાં શનિવારે લાગેલી આગમાં 10 મહિલા સહિત 17 લોકોના મૃત્યુ થયા હોવાનું દિલ્હી ફાયસ સર્વિસિસના અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર આ આગની શરૂઆત ફટાકડાની એક ફેક્ટરીમાં થઈ હતી. ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ સમયે ફેક્ટરીમાં અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

ચાર માળની આ ઇમારતમાં ભોંયતળિયે ફટાકડાની ફેક્ટરી હતી. જ્યારે ઉપરના માળે રબરની ફેક્ટરી હતી. એક મહિનામાં મોટી આગની આ ત્રીજી ઘટના દેશમાં બની છે. અગાઉ 29 ડિસેમ્બરે મુંબઈમાં અને 7 જાન્યુઆરીએ બેંગલુરુના એક પબમાં આગ લાગી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો