45 મિનિટની લડત પછી પોલીસને જાણવા મળ્યું કે, એ વાઘ નહીં...

વાઘના બચ્ચાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝડે વેબસાઇટે એસોસિયેટેડ પ્રેસ સમાચાર સંસ્થાના હવાલાથી જણાવ્યું છે કે, એક ખેડૂતે તેમની ગાયોની ગમાણમાં ઘૂસી ગયેલા વાઘને કાઢવા માટે સ્કૉટલેન્ડની પોલીસ બોલાવી હતી.

જોકે, 45 મિનિટ સુધી ખડે પગે રહેલી પોલીસને જાણવા મળ્યું કે, એ વાઘ નહીં પરંતુ વાઘનું મોટું સોફ્ટ ટોય હતું.

સમાચારમાં જણાવ્યા અનુસાર એબરડીનશાયર વિસ્તારના પીટરહેડ ગામના એક ખેતરમાં જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમને વાઘની પૂંછ જોવા મળી હતી. આથી તેમણે વધારાની પોલીસ ટીમ પણ બોલાવી લીધી હતી, જેમાં સશસ્ત્ર પોલીસ પણ હતી. આખરે તેમને જાણવા મળ્યું કે તે માત્ર એક રમકડું જ હતું.

પીટરહેડના ઇન્સ્પેક્ટર જ્યોર્જ કોર્ડિનરને સમાચારમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે જ્યાં સુધી એ વાતની ચોક્સાઈ ન થઈ જાય કે તમારે કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો છે, ત્યાં સુધી દરેક શક્યતા વિચારવી પડે છે.

પોલીસે આ ઘટનાને 'એક સારા આશય સાથે કરવામાં આવેલા ખોટા કોલ' તરીકે વર્ણવી હતી.

આ કોલ કરનારા ખેડૂત બ્રુસ ગ્રબ તેમના ગૃહપ્રવેશની પાર્ટી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે સંપૂર્ણપણે ભાનમાં હતા અને તેમને એ ખરેખર સાચો વાઘ હોવાનું જણાયું હતું.

રામ જન્મભૂમિ મુદ્દો એ માત્ર જમીનની માલિકીનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ કેસને માત્ર જમીનની માલિકીને એક કેસ તરીકે જ ધ્યાનમાં લે છે.

એનડીટીવી ડોટ કોમ વેબસાઇટ પર પ્રકાશિત આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દરરોજ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

આ કેસની આગામી સુનાવણી જ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે 14મી માર્ચ પર મુલતવી રાખી હતી.

ભારતમાં ગૂગલને 136 કરોડ રૂપિયાનો દંડ

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાની (સીસીઆઈ) જાણમાં આવ્યું છે કે, ગૂગલે ઓનલાઇન સામાન્ય વેબ સર્ચ જાહેરાત બજારમાં તેના આધિપત્યનો દુરુપયોગ કર્યો છે.

આ માટે સીસીઆઈએ ગૂગલને 136 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ આદેશ મેટ્રિમોની ડોટ કોમ અને કન્ઝ્યૂમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીએ સંયુક્ત રીતે કરેલી અરજીના અનુસંધાને આપવામાં આવ્યો છે.

કમિશને ગૂગલને દંડની આ રકમ આદેશ મળ્યા બાદ 60 દિવસમાં ભરી દેવા જણાવ્યું છે.

ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપની કમિશને ઉઠાવેલા બારીક મુદ્દાને રિવ્યૂ કરીને આગળના પગલાં ભરવા વિશે વિચારશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો