ગાંધીજીએ 1926માં અમેરિકાના ધાર્મિક અગ્રણીને લખેલો પત્ર વેચાણમાં મૂકાયો

મહાત્મા ગાંધીની તસવીર Image copyright Getty Images

મહાત્મા ગાંધીએ ઈસુ ખ્રિસ્ત વિશે લખેલો એક પત્ર અમેરિકામાં વેચાણ માટે મૂકવામાં આવ્યો છે.

આ પત્ર 6 એપ્રિલ, 1926ના રોજ ગાંધીજીએ એ સમયે અમેરિકાના ધાર્મિક અગ્રણી મિલ્ટન ન્યુબેરી ફ્રેન્ટ્ઝને લખ્યો હતો. પત્રના અંતે મહાત્મા ગાંધીએ તેમના હસ્તાક્ષર પણ કર્યા છે.

ગાંધીજીએ આ પત્રમાં લખ્યું છે કે, ઈસુ "માનવજાતના સૌથી મહાન શિક્ષકોમાંથી એક હતા."

આ પત્ર દાયકાઓથી એક ખાનગી સંગ્રહમાં સચવાયેલો હતો. હવે તે પેન્સિલ્વેનિયા સ્થિત રાબ કલેક્શન દ્વારા 50 હજાર અમેરિકન ડૉલર્સની (ભારતીય ચલણ પ્રમાણે લગભગ 32.61 લાખ રૂપિયા) કિંમતે વેચાણ માટે મૂકવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. તે હિંદુ હતા અને તેમણે હિંદુ ધર્મના તત્વજ્ઞાન અને બોધ વિશે ખૂબ જ લખ્યું છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ગાંધીજીએ ફ્રેન્ટ્ઝ આ પત્ર તેમના સાબરમતી આશ્રમના નિવાસસ્થાનેથી લખ્યો હતો. ફ્રેન્ટ્ઝે લખેલા ખ્રિસ્તી ધર્મ વિશેના એક પ્રકાશનને વાંચવાની ભલામણ કરતા પત્રના જવાબમાં ગાંધીજીએ તેમને આ પત્ર લખ્યો હતો.

મહાત્મા ગાંધીએ લખ્યું હતું, "પ્રિય મિત્ર, મને તમારો પત્ર મળ્યો. મને લાગે છે કે તમે મને પત્રમાં જણાવેલા ખ્રિસ્તી ધર્મસિદ્ધાન્ત સાર સાથે સહમત થવું મારા માટે શક્ય નથી. તેની સાથે સંમત થનાર વ્યક્તિને એ વાત માની લેવા માટે પ્રેરવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત જ અદીઠ સત્યનાં સૌથી સ્પષ્ટ અને નિશ્ચિત સ્વરૂપ છે. મારા તમામ પ્રયાસો છતાં, હું આ નિવેદનના સત્યને અનુભવી નથી શક્યો."

Image copyright Raab Collection

તેમણે વધુમાં લખ્યું છે, "ઈસુ માનવજાતના સૌથી મહાન શિક્ષકોમાંથી એક હોવાની મારી માન્યતાથી હું આગળ નથી વધી શક્યો. તમને એવું નથી લાગતું કે કોઈ એક ધર્મસિદ્ધાન્તના સાર સાથે બધાને યાંત્રિક રીતે સહમત કરવાને બદલે, દરેક ધર્મસિદ્ધાન્તને જો તમામ લોકો સમ્માન આપશે ત્યારે ધાર્મિક એકતા સિદ્ધ કરી શકાશે?"

રાબ કલેક્શને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમનું "સંશોધન દર્શાવે છે કે હજી સુધી ક્યારેય ગાંધીએ ઈસુનો ઉલ્લેખ કર્યો હોય તેવો અન્ય કોઈ પત્ર જાહેર બજારમાં પહોંચ્યો નથી."


મહાત્મા ગાંધી સંબંધિત વસ્તુઓનું વેચાણ અને હરાજી

  • એપ્રિલ 2012: ગાંધીજીની હત્યા સ્થળની માટી અને ઘાસનું વેચાણ 8.80 લાખ રૂપિયામાં થયું હતું.
  • ફેબ્રુઆરી 2013: વર્ષ 1943માં બ્રિટિશ સરકારે જ્યારે ગાંધીજીની અટકાયત કરી હતી ત્યારે પોતાની મુક્તિ માટે તેમણે ટાઇપ કરેલા પત્રનું હરાજીમાં 95.91 લાખ રૂપિયામાં વેચાણ થયું હતું. આ પત્રની અંદાજિત કિંમત આશરે 12.36 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.
  • મે 2013: ગાંધીજીએ ગુજરાતીમાં લખેલું તેમનું છેલ્લું વસિયતનામું હરાજીમાં 46.18 લાખ રૂપિયામાં વેચાયું હતું.
  • મે 2013: પોતાના જેલવાસ દરમિયાન ગાંધીજીએ ઉપયોગમાં લીધેલા ચરખાનું હરાજી દરમિયાન 92.36 લાખ રૂપિયામાં વેચાણ થયું હતું.
  • માર્ચ 2009: ગાંધીજીની ઓળખનો ભાગ બની ચૂકેલા તેમના ગોળ કાચવાળા ચશ્મા, તેમની ખિસ્સા ઘડિયાળ, તેમના સેન્ડલ, થાળી અને વાટકીનું ન્યૂ યોર્કમાં થયેલી હરાજીમાં 5.51 કરોડ રૂપિયામાં વેચાણ થયું હતું.
  • જુલાઈ 2009: ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં તેમના કાર્યકાળ દરમિયાન જેમાં રહ્યા હતા તે મકાનને વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું.
  • જુલાઈ 2007: ગાંધીજીએ લખેલાં છેલ્લાં કેટલાંક પત્રોમાંથી એક પત્રને લંડનની હરાજીમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, જેથી ભારત સરકાર તે ખરીદી શકે.
  • જુલાઈ 1998: લંડનના ઑક્શન હાઉસ સધબીઝ દ્વારા ગાંધીજીએ લખેલા પત્રો અને કાર્ડ્સનું 17.25 લાખ રૂપિયામાં વેચાણ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા