ઝવેરચંદ મેઘાણીએ જ્યારે અદાલતમાં કહ્યું કે 'હું રાષ્ટ્રવાદી છું...'

ઝવેરચંદ મેઘાણીની એક તસવીર

ઇમેજ સ્રોત, jhawerchandmeghani.com

'કસુંબીનો રંગ' અને 'કોઈનો લાડકવાયો'ની જેમણે રચના કરી છે એ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય માટે વધારે પ્રચલિત છે, પણ મેઘાણીની બીજી બાજુ પણ છે.

1941માં જ્યારે અમદાવાદમાં હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે તંત્ર પર કટાક્ષ કરતું કાર્ટૂન 'મુખડા ક્યા દેખો દર્પન મેં!' ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબ અખબારમાં છાપ્યું હતું.

જે બદલ તેમના પર કેસ ચાલ્યો હતો. કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતા મેઘાણીએ નિવેદન આપ્યું હતું.

મેઘાણીના 123મા જન્મદિવસે તેમનું આ નિવેદન બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા એ જ સ્વરૂપમાં અહીં રજૂ કરાઈ રહ્યું છે.

"હું ઝવેરચંદ મેઘાણી તોહમતદાર નં.1 મારો લેખિત જવાબ રજૂ કરું છું. મેં કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું નથી.

"હું 'ફૂલછાબ'નો તંત્રી છું. પત્રકારત્વ મારો ધંધો છે. મારી ફરજો હું સારી પેઠે સમજું છું અને તેનું યથાર્થ પાલન છેલ્લા વીસ વર્ષથી કર્યે જાઉં છું.

"યુનિવર્સિટી છોડ્યા બાદ મારો મુખ્ય વ્યવસાય સૌરાષ્ટ્રના કંઠસ્થ સાહિત્યોમાં સંશોધન કરવાનો હતો અને છે.

"ઉપરાંત નવલકથાઓ, ઐતિહાસિક અને સામાજિક વાર્તાઓ, જીવનકથાઓ અને કાવ્યો પણ લખ્યા છે. હું રાષ્ટ્રવાદી છું અને કોમવાદનો કટ્ટર વિરોધી છું.

"કોમીવાદ મિટાવવામાં મેં બનતું કર્યું છે અને કરું છું. ઇસ્લામના યશોગાન મેં મારી કૃતિઓમાં કરેલાં છે.

"મુસ્લિમ પાત્રોને મેં ઊંચી કક્ષા પર મૂકી દોરેલાં છે. ફૂલછાબના અંકોમાં કોમીવાદ વિરૂદ્ધ પ્રચાર કરેલો છે.

"ફરિયાદવાળા ઠઠ્ઠાચિત્રોનો ખરો અર્થ તેના શીર્ષકમાં બતાવ્યા મુજબ છે.

"અમદાવાદ શહેરમાં બેફામ ગુંડાગીરી પ્રવર્તી રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ કર્તવ્ય ભૂલ્યા છે તે અર્થ છે."

ઇમેજ સ્રોત, jhawerchandmeghani.com

ઇમેજ કૅપ્શન,

'ફૂલછાબ'માં અમદાવાદના કોમી હુલ્લડ પર કટાક્ષ કરતું કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ ઝવેરચંદ મેઘાણી પર કેસ કરાયો હતો.

"આ ગુંડાગીરીને સલ્તનતના સાધનો આંખના એક પલકારામાં અટકાવી શક્યા હોત અને નાબૂદ કરી શક્યા હોત.

"ખુદ તેઓ ગુંડાગીરીના પ્રેક્ષકો હતા અને તેમની સ્થિતિ 'મુખડા ક્યા દેખો દર્પન'મેં વાળા પ્રખ્યાત ભજનમાં જણાવ્યા જેવી જ થઈ ગયેલી અને પરિણામે શાંતિપ્રિય પ્રજાને અસહ્ય શોષવું પડ્યું છે.

"ગવર્નરને ઉડીને અહીં આવવું પડેલું ત્યારબાદ વસ્તુ સ્થિતિ કાબૂમાં આવવા લાગેલી એ વાત મારા મંતવ્યને ટેકો આપે છે.

"ગુંડો ન તો સાચો મુસ્લિમ હોય શકે ન તો સાચો હિંદુ. કોઈ પણ મઝહબમાં ગુંડાગીરીને સ્થાન જ નથી. ગુંડો તો ગુંડાગીરીને જ પોતાનો મઝહબ માને છે.

"ધર્મની ઓથે ખૂનામરક, લૂંટ આવા દુષ્કૃત્યો કરનારાઓ ધર્મ અને ધર્મસ્થાનને અપયશ અપાવનારા છે એવી મારી માન્યતાને આધારે ઠઠ્ઠાચિત્રમાં મેં નિર્દોષ શહેરીઓ ઉપર ગુંડાગીરીનું આક્રમણ બતાવ્યું છે.

"આરસીમાં જોઈ રહેલો પોલીસવાળો જ એ ઠઠ્ઠાચિત્રનું મુખ્ય એક જ લક્ષ્યબિંદુ છે. અધિકારીઓની એ નિષ્ક્રિયતા સૂચવે છે."

"હું કોમવાદનો કટ્ટરવિરોધી છું. ઇસ્લામ માટે મને માન છે. મારો એ જીવન સિદ્ધાંત છે. એને અનુરૂપ મારું વર્તન છે. છેલ્લા ઘણા વરસથી એ સૂત્રને મારી સાહિત્યકૃતિઓમાં મેં ઉતાર્યું છે.'

જયંત મેઘાણીના શબ્દો

ઇમેજ સ્રોત, jhawerchandmeghani.com

"જીવનની એક કપરી પળે એમણે કરેલું આ નિવેદન એક પત્રકારનું કથન જ નથી, પણ સ્વાધીન માનવના આત્મસન્માનને પણ વાચા આપતી યાદગાર શબ્દાવલી છે, મેઘાણીનો જીવન-મિજાજ પ્રગટાવે છે.

"એને આઠ દાયકા થવા આવ્યા. એ સમયે ઝવેરચંદ મેઘાણીના પત્રકાર-જીવનનો મધ્યાહ્ન હતો. એમના તંત્રીપદે પ્રકાશિત થતા 'ફૂલછાબ' અઠવાડિકે કાઠિયાવાડની પ્રજાને ઘેલી બનાવેલી.

'ફૂલછાબ'નાં પાર્સલ જે ટ્રેનમાંથી ઊતરવાનાં હોય એ જ સમયે પોતાની નકલ હાથ કરવા વાચકો સ્ટેશને પહોંચી જતા.

"એવે સમયે 1941નો ઉનાળો બેસી રહ્યો હતો ત્યારે અમદાવાદ નગરીમાં કોમી દાવાનળ સળગી ઊઠેલો. કોમ-કોમ વચ્ચેના વિખવાદની ઓથે છૂપાયેલી ગુંડાગીરીએ પ્રજાજીવન પર કેર વર્તાવ્યો હતો.

'ફૂલછાબ'ના 25 એપ્રિલ 1941ના અંકના પહેલા જ પાને તેમણે કાર્ટૂન ('મુખડા ક્યા દેખો દર્પન મેં?') પ્રસિદ્ધ કર્યું હતું.

"જેનો મર્મ હતો કે જનજીવનને રોળી નાખનાર ગુંડાગીરીને દાબી દેવાને બદલે (બ્રિટિશ) સરકારી તંત્ર એ પરત્વે ઉદાસીન રહ્યું ને દૈત્યલીલા જોતું રહ્યું.

ઇમેજ સ્રોત, jhawerchanmeghani.com

"સરકારે કાર્ટૂનને પોતાનાં ચશ્માંમાંથી જોયું ને એને કારણે કોમી વૈમનસ્ય વકર્યું એમ ઘટાવ્યું, તંત્રી ઝવેરચંદ મેઘાણી પર એવું તહોમત મૂક્યું.

'ફૂલછાબ કાર્ટૂન કેસ' તરીકે એ મુકદ્દમો જાણીતો છે. સરકારના આરોપને લૂલો બનાવવા મેઘાણીના પક્ષે એ કાળના અમદાવાદના બાહોશ ધારાવિદ્‌ મથ્યા.

"ઝવેરચંદ મેઘાણીએ બચાવમાં જે નિવેદન અદાલતમાં કર્યું એ એક સત્યનિષ્ઠ બચાવનામાના બુલંદ નમૂના તરીકે યાદગાર છે.

"પાંચેક મહિને આવેલો અદાલતી ચુકાદો ઝવેરચંદ મેઘાણીની વાતને સમર્થન આપતો હતો : એ નિર્દોષ છૂટ્યા હતા.

"આ કેસ બાદ તેમણે અદાલતમાં આપેલા બચાવ નિવેદનને પુસ્તક 'લિ. હું આવું છું'માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો