UPSCમાં અનુ કુમારી માટે ટૉપ કરવું કેટલું અઘરું હતું?

અનુ કુમારી

હરિયાણાના સોનીપતમાં રહેનારાં અનુ કુમારી ચાર વર્ષના દીકરાનાં માતા છે. તેમણે દેશની ટોચની સનદી સેવા માટેની UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષામાં બીજો ક્રમ મેળવ્યો છે.

અનુ કુમારીએ બે વર્ષ પહેલાં વાર્ષિક 20 લાખ રૂપિયાના પેકેજની ખાનગી નોકરી છોડીને સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી હતી.

એક સમયે તેમના માટે મુશ્કેલ રહેલો એ નિર્ણય હવે તેમના જીવનનો એમના જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય પણ સાબિત થયો છે.

શુક્રવારે UPSC ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. તેમાં અનુ કુમારી દેશમાં બીજા ક્રમે અને મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે છે.

બીબીસીએ અનુ કુમારી સાથે વાત કરી અને સફળતાની આ સફર વિશે તેમની પાસે જ જાણકારી મેળવી.

અનુએ કહ્યું, "મને પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા નવ વર્ષ થઈ ગયાં હતાં. મને ધીમે ધીમે એમ લાગવા માંડ્યું હતું કે આ કામ હું આજીવન નહીં કરી શકું અને જો હું એ જ કરતી રહી તો પોતાનું જીવન પૂર્ણ રીતે નહીં જીવી શકું. મેં ઘણી વખત આ મુદ્દે વિચાર કર્યો અને આખરે નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો."

તો શું એ નોકરી છોડી દેવાનો નિર્ણય ખૂબ જ મોટો નિર્ણય નહોતો?

અનુએ તેનો જવાબ આપતાં કહ્યું, "મેં નક્કી કર્યું હતું કે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરીશ. જો હું સફળ નહીં થાઉં તો શિક્ષિકા બની જઇશ. હું ફરીથી પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી માટે જવા નહોતી ઇચ્છતી."

સિવિલ સેવાની તૈયારી કરવા માટે અનુને તેમના નાના ભાઈએ તૈયાર કર્યાં હતાં.

ફોટો લાઈન ભાઈ સાથે અનુ કુમારી

અનુએ કહ્યું, "મારા મામા અને મારા ભાઈએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી કે હું નોકરી છોડી દઉં. જ્યારે ટીના ડાબીએ સિવિલ સેવામાં ટૉપ કર્યું હતું ત્યારે મારા મામાએ મને મેસેજ મોકલીને કહ્યું કે, બેટા તું જો નોકરી છોડીને સિવિલ સેવાની તૈયારી કરવા ઇચ્છે તો તારો દોઢ વર્ષનો ખર્ચ હું આપીશ."

અનુએ વધુમાં જણાવ્યું, "એ સમયે મને લાગ્યું કે, લોકોને મારામાં વિશ્વાસ છે. એ જ સમયે મારા ભાઈએ મને જાણ કર્યા વિના જ UPSCની પ્રિલિમ્સ પરીક્ષાનું ફોર્મ ભરી દીધું. તેને વિશ્વાસ હતો કે એ મને નોકરી છોડી દેવા માટે મનાવી લેશે."

શું તમે આ વાંચ્યું?

અનુએ તેમના પ્રથમ પ્રયત્નમાં દોઢ મહિનો તૈયારી કર્યાં બાદ સિવિલ સર્વિસની પ્રિલિમ્સની પરીક્ષા આપી અને તેમાં નિષ્ફળ રહ્યાં. પરંતુ તેમણે આગામી વર્ષની તૈયારી શરૂ કરી દીધી.

તેમણે કહ્યું, "હું દર મહિને એક લાખ સાઠ હજાર રૂપિયા કમાતી હતી. એટલે સમય સાથે મને આર્થિક સ્થિરતા મળી ગઈ હતી. મારા માટે પૈસા કમાવવાની ચિંતા એ તૈયારીમાં અડચણરૂપ નહોતી. મને એ વિશ્વાસ હતો કે જો હું UPSCની પરીક્ષામાં પાસ નહીં થાઉં તો પણ મારા દીકરાને ઉછેરી શકીશ."

ખાનગી ક્ષેત્રમાં નોકરી દરમિયાન અનુએ પોતાનો ઘણો સમય ઓફિસમાં આપવો પડતો હતો.

તેમણે કહ્યું કે, એક સમયે તો એમના સાસરિયાને એવું લાગવા લાગ્યું હતું કે, જો નવથી પાંચની નોકરી હોત તો સારું.

અનુનાં સસરાએ તેમને સીજીએલ (કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટલ લેવલ - સ્ટાફ સિલેક્શન કમિશન) પરીક્ષાની તૈયારી કરવા કહ્યું, પરંતુ તેમના ભાઈએ તેમને સમજાવ્યું કે તે વધુ સારું કરવાની ક્ષમતા ધરાવે છે.

જ્યારે આવ્યાં અનુની આંખોમાં આંસુ

અનુ એક ચાર વર્ષના દીકરાનાં માતા છે. જ્યારે તેમણે તૈયારી શરૂ કરી હતી, ત્યારે એ લગભગ ત્રણ વર્ષનો હતો. પોતાના દીકરા વિશે વાત કરતી વખતે અનુ ભાવુક થઈ ગયાં.

તેમણે કહ્યું, "મારો દીકરો મારા વિના નહોતો રહી શકતો. તેનાથી દૂર રહેવું એ મારા માટે સૌથી મુશ્કેલ હતું. હું મારી માસીના ઘરના ધાબે જઈને તેને યાદ કરીને રડી પડતી હતી."

અનુના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમનાં માતા કહે છે, "બાળપણમાં અમે ભેંસ પાળી હતી. આખા ધાબા પર છાણા થાપીને મૂકતાં હતાં. અનુ ખૂણામાં ખુરશી નાખીને ભણતી રહેતી હતી. નાનપણથી જ એ ભણવામાં હોંશિયાર હતી.

નોકરીના પડકાર કેવી રીતે ઝીલશે અનુ?

ફોટો લાઈન માતા સાથે અનુ કુમારી

એક ઉચ્ચ સરકારી અધિકારી તરીકે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે અનુ કેટલાં તૈયાર છે?

તેમણે કહ્યું, "હું જાણું છું કે આપણી વ્યવસ્થામાં કેટલીક ખામીઓ છે. આપણે તેની સામે આંખ આડા કાન ન કરી શકીએ. પરંતુ મેં ખાનગી નોકરી સાથે મારા પરિવારને પણ સંભાળ્યો છે, એટલે મને ભરોસો હતો કે હું આગળ જે પણ મુશ્કેલીઓ આવશે તેનો સામનો કરી લઇશ."

તેમણે કહ્યું, "હું ખૂબ ઈમાનદાર છું અને મને મારી ઈમાનદારીમાં પૂરો ભરોસો છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે તમારામાં ભલે કેટલાક ગુણો ન હોય, પરંતુ જો ખંત હોય તો તમારામાં એ ગુણો પણ આવી જ જાય છે. એવું બને કે મારામાં કેટલાક ગુણો ન પણ હોય, પરંતુ મને વિશ્વાસ છે કે સમય સાથે મારામાં એ ગુણો પણ આવી જ જશે."

અનુ કહે છે, "હું પહેલાથી જ મારી જાતને સશક્ત અનુભવું છું. એક વખત ઇન્ટર્વ્યૂમાં મને પૂછવામાં આવ્યું હતું કે તમે પોતાને સશક્ત અનુભવી શકો છો, ત્યારે પણ મેં કહ્યું હતું કે હા હું સશક્ત છું. કારણ કે સશક્ત હોવા માટે આત્મનિર્ભરતા અને શિક્ષણની જરૂરિયાત હોય છે, સારું આરોગ્ય જોઈએ અને ભગવાનના આશીર્વાદથી મારી પાસે એ બધું જ હતું. હું એ સમયે પણ સશક્ત હતી, પરંતુ આજનો જે અનુભવ છે, એ અલગ છે. આજે હરિયાણાની છોકરીઓ મને પ્રેરણાસ્રોત તરીકે જુએ છે. તેમને મારી વાત ગમે છે."

એમણે કહ્યું, "જ્યારે એક મહિલા અંદરથી જ પોતાને મજબૂત અનુભવે, તેની અંદર ડર ન હોય, એ આર્થિક રીતે સ્વતંત્ર હોય, પોતાના બાળકો માટે નિર્ણયો કરી શકે, ત્યારે તે ખરા અર્થમાં સશક્ત હોય છે."

અનુ પોતાની સફળતાનો શ્રેય તેમનાં માતા અને માસીને આપે છે. તેમણે કહ્યું, "મારી માએ મારા દીકરાને ઉછેર્યો છે. તે જ મારી સફળતાનો આધારસ્તંભ છે. મારી તૈયારીઓ દરમિયાન માસી મને બેઠાં-બેઠાં જમવાનું આપતાં હતાં."

ઇન્ટર્વ્યૂમાં શું પડકાર હતો?

પોતાના ઇન્ટર્વ્યૂ વિશે અનુ કહે છે, "ઇન્ટર્વ્યૂમાં માત્ર વ્યક્તિત્વ જ જોવામાં આવે છે. એ જ્ઞાન કરતાં વધારે તમારું ચરિત્ર જ ચકાસે છે. એ જોવાય છે કે, તમે કેટલા ઠંડા મગજનાં છો, કેટલા ધૈર્યવાન છો. એ પણ ચકાસવામાં આવે છે કે ઉમેદવારો તણાવનો સામનો કરી શકશે કે નહીં, મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહી શકશે કે નહીં."

હું જ્યારે ઇન્ટર્વ્યૂ માટે જઈ રહી હતી, ત્યારે મેં વિચાર્યું કે હું મારાં જ પરિવારના વડીલો સાથે વાત કરવા જઈ રહી છું. એવા વડીલો જે ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેમને ઘણી બધી ખબર છે, તેમની સાથે હું મુક્તમને વાત કરી શકું છું. હું ઇન્ટર્વ્યૂમાં જતી વખતે ખૂબ જ ખૂશ હતી. બૉર્ડનાં સભ્યોનાં ચહેરાં પર મને જોઈને સ્મિત આવી ગયું અને મેં પણ તેમને જોઈને સ્મિત આપ્યું. બૉર્ડનાં સભ્ય સ્મિતા નાગરાજ ખૂબ જ શાંત અને સ્થિર બેઠાં હતાં."

ઇન્ટર્વ્યૂ દરમિયાન કોઈ સ્ટ્રેસ હતો?

અનુ કહે છે, "કેટલાક ઉમેદવારો કહે છે કે તેમના જવાબો સામે તેમને પ્રતિ-પ્રશ્ન કરવામાં આવ્યાં, તેમણે મને પણ સવાલો પૂછ્યા હતા. પરંતુ મને લાગે છે કે એ પ્રશ્નો ડરાવવા માટે નહીં, પરંતુ તર્કશક્તિ સમજવા માટે પૂછવામાં આવ્યા હતા. ઇન્ટર્વ્યૂમાં એક સાહેબ બેઠા હતા, જેમણે પોતાનો ચહેરો ખૂબ જ કડક અને સ્થિર બનાવી રાખ્યો હતો. બૉર્ડના અન્ય સભ્યો હસી રહ્યા હતા, પરંતુ એ માત્ર જોઈ રહ્યા હતા. જ્યારે તેમનો સવાલ પૂછવાનો સમય આવ્યો ત્યારે હું તેમને જોઈને હસી પડી અને એ પણ મને જોઈને હસી પડ્યા. મારો ઇન્ટર્વ્યૂ ખૂબ સારો રહ્યો."

અનુના પિતાની એક અનોખી વાત

અનુ માને છે કે હરિયાણાને એક પિતૃસત્તાત્મક સમાજ કહેવાય તો એ ખોટું નહીં હોય, પરંતુ એ એમ પણ માને છે કે સ્થિતિ બદલાઈ રહી છે.

અનુએ તેમના પિતા વિશે કહ્યું, "મારા પિતાએ મારા ભાઈઓ કરતાં મારા અભ્યાસ પાછળ વધુ ખર્ચ કર્યો. શહેરી ક્ષેત્રોમાં છોકરીઓને તકો મળી રહી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓ માટે સ્થિતિ થોડી મુશ્કેલ છે. હું તમામ છોકરીઓને કહેવા માગું છું કે એ તૈયારીઓ શરૂ કરે અને વધુને વધુ સંખ્યામાં સિવિલ સર્વિસમાં આવે. સપનાં જુઓ અને પોતાના સપનાં પૂરાં કરો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ