તમે ક્યારેય ભારતને બચાવતા પાકિસ્તાન વિશે સાંભળ્યું છે?

  • દલીપ સિંહ
  • બીબીસી સંવાદદાતા
ભારતસિંહ અને પાકિસ્તાનસિંહ બંને એક સાથે

ઇમેજ સ્રોત, Sham juneja

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન સિંહ(ડાબે) અને ભારત સિંહ

70 વર્ષ પહેલાં અડધી રાતે હિન્દુસ્તાન અંગ્રેજોના તાબામાંથી આઝાદ થયું પરંતુ ભાગલાની એક કલમે તેના બે ભાગ કરી દીધા. બીજી સવારે સૂર્ય બન્ને દેશમાં ઊગ્યો-ભારત અને પાકિસ્તાન.

આજે બંને દેશોના સંબંધ કેવા છે તે દુનિયા જાણે છે. પરંતુ અમે તમને એવા ભારત-પાકિસ્તાનનો મેળાપ કરાવવા લઈ જઈ રહ્યા છીએ જેઓ એક બીજા પર જિંદગી ન્યોછાવર કરે છે.

સ્થિતિ ખરાબ હોય તો પાકિસ્તાન આગળ આવી ભારતની રક્ષા પણ કરે છે.

ભારત અને પાકિસ્તાન નામના બે ભાઈ પંજાબના મુક્તસર જિલ્લાના મલોટમાં રહે છે. ભારતસિંહની ઉંમર 12 વર્ષ છે અને પાકિસ્તાનસિંહની ઉંમર અગિયાર વર્ષની છે. બંને બાળકોના આ નામ તેના પિતા ગુરમીતસિંહે રાખ્યા છે.

ઇમેજ સ્રોત, Sham juneja

ઇમેજ કૅપ્શન,

પોતાના પુત્ર સાથે ગુરમીત સિંહ

ભારતસિંહ ઉંમરમાં મોટો છે અને તેના નામને લઈને ક્યારેય કોઈને વાંધો આવ્યો નહીં. પરંતુ જ્યારે વર્ષ 2007માં ગુરમીતના ઘરે બીજા પુત્રનો જન્મ થયો ત્યારે તેણે તેનું નામ પાકિસ્તાન રાખ્યું.

નવા મહેમાનના આવવાની ખુશી તો પરિવારમાં હતી જ પરંતુ પાકિસ્તાન નામ રાખવાથી પરિવાર નિરાશ પણ હતો.

ગુરમીતસિંહે જણાવ્યું હતું કે નાના પુત્રના નામને લઈને સંબંધીઓ અને પાડોશીઓએ વાંધો ઉઠાવ્યો હતો તો પણ તે તો તેના નિર્ણયમાં અડગ રહ્યો હતો.

ગુરમીત શાળામાં પણ નાના પુત્રનું નામ પાકિસ્તાનસિંહ રાખવા ઈચ્છતા હતા. પરંતુ શાળાના અધિકારીઓએ નામ બદલવાની શરતે એડમિશન આપ્યું હતું. દસ્તાવેજોમાં પાકિસ્તાન સિંહનું નામ કરનદીપસિંહ લખવામાં આવ્યું છે.

દુકાનનું નામ પણ 'ભારત-પાકિસ્તાન' પર

ઇમેજ સ્રોત, Sham juneja

ઇમેજ કૅપ્શન,

દુકાનની ઉપર પંજાબીમાં 'ભારત-પાકિસ્તાન વુડ વર્ક્સ' લખ્યું છે

કેટલાંક વર્ષો પહેલાં જ 10 નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુરમીત સિંહે દુકાન ખોલી હતી. દુકાનનું નામ પણ પુત્રના નામ પર રાખ્યું - 'ભારત-પાકિસ્તાન વુડ વર્ક્સ'.

ગુરમીતના કહેવા પ્રમાણે આવું નામ વાંચીને લોકો તેની મજાક ઉડાવે છે અને ડરાવે પણ છે. ક્યારેક નામ બદલવા માટે જણાવાય છે પરંતુ તેઓ માનતા નથી.

ગુરમીત કહે છે કે કેટલાક સ્થાનિક નેતાઓએ તેની દુકાનનું સાઇન-બોર્ડ ઉતારી લેવા દબાણ કર્યું હતું. તેને કહેવામાં આવ્યું કે ભારત તો બરાબર છે પરંતુ પાકિસ્તાનનું નામ બદલો.

જોકે, તેના આ કામના વખાણ કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી. ગુરમીતનું કહેવું છે કે હાઈ-વે પર દુકાન હોવાથી કેટલાક લોકો ઉત્સુકતાથી ગાડી રોકી દુકાનનું નામ આવું રાખવા પાછળનું કારણ જાણવા પણ તેમની પાસે આવે છે.

ભારતને પાકિસ્તાન બચાવે છે

ઇમેજ સ્રોત, Sham juneja

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન સિંહનું કહેવું છે કે તેને પોતાનું નામ ખરાબ લાગતું નથી.

બીબીસીએ બંને ભાઈઓ સાથે વાત પણ કરી હતી. પાકિસ્તાનસિંહે જણાવ્યું હતું કે શાળામાં તો મારું નામ કરનદીપ સિંહ છે પરંતુ મારી સાથે ભણતા કેટલાક વિદ્યાર્થીઓ મને પાકિસ્તાનસિંહ કહીને બોલાવે છે.

તેણે વધુમાં કહ્યું કે કોઈ પાકિસ્તાનસિંહ કહીને તેને બોલાવે તો પણ તેને ખરાબ લાગતું નથી. આ નામ કોણે રાખ્યું એવું પૂછતા પાકિસ્તાનસિંહે જણાવ્યું કે મારા પિતાએ.

વાતચીતમાં પાકિસ્તાને જણાવ્યું કે જ્યારે માતા કે બહારના કોઈ વ્યક્તિ ભારતસિંહને મારે તો હું જ તેને બચાવું છું.

ભારતસિંહ અને પાકિસ્તાનસિંહ મળીને ખૂબ જ તોફાન કરે છે. બંને ક્યારેક ઝઘડો પણ કરે છે પરંતુ જલ્દી જ બધું ભૂલીને સાથે રમવા લાગે છે. બંનેને અંગ્રેજી ભણવાનો શોખ છે.

'અમારા ભટકવાના 70 વર્ષ થયાં'

ગુરમીતસિંહ જણાવે છે કે તેના પરદાદાઓ દેશના ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા.

પરિવારના કેટલાક લોકો હરિયાણાના કરનાલમાં રહ્યા બાદ હરિયાણાના જ બીજા એક શહેર હાંસીમાં વસી ગયા. પરંતુ તેના પરિવારે તો હાંસીને પણ છોડી દેવું પડ્યું.

વર્ષ 1984માં શીખ વિરોધી રમખાણો બાદ રાતોરાત પરિવાર પંજાબના મલોટ ગામે ભાગી આવ્યો હતો. ત્યારે ગુરમીતની ઉંમર આશરે 11-12 વર્ષની હતી.

ગુરમીતે યાદ કરતા જણાવ્યું, "1984માં જ્યારે હું બાળક હતો ત્યારે મને શીખ આતંકવાદી તરીકે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે તો મને તેનો મતલબ પણ ખબર નહોતો."

ગુરમીતનો પરિવાર પાકિસ્તાનના શેખુપુરામાં રત્તી ટિબ્બી ગામમાં રહેતો હતો. પાકિસ્તાનથી પલાયન કરી ભારત આવેલા લોકોને પંજાબમાં હજુ પણ શરણાર્થી તરીકે જ ઓળખવામાં છે.

ગુરમીત કહે છે "સાચું કહું તો લોકોએ હજુ અમને પૂર્ણ રીતે અપનાવ્યા નથી. અમારા પૂર્વજો પાકિસ્તાનમાં જ બધું છોડીને ભારત આવી ગયા હતા. પછી અમે હરિયાણામાં જ બધું છોડીને પંજાબ આવી ગયા. આવી રીતે દર-દર ભટકતાં અમારા સિત્તેર વર્ષ પૂરા થઈ ગયા."

વતન જોવાની ઈચ્છા હૃદયમાં રાખીને જ પૂર્વજો મૃત્યુ પામ્યા

ઇમેજ સ્રોત, Sham juneja

ઇમેજ કૅપ્શન,

ગુરમીત સિંહનો પરિવાર

ગુરમીતે ગયા વર્ષે પોતાના મિત્રો સાથે પાકિસ્તાન જવાની ઇચ્છા કરી હતી. તે ઐતિહાસિક ગુરુદ્વારાઓને જોવા માંગતા હતાં પરંતુ નોટબંધીના અમલને કારણે તેમણે પ્રવાસ કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો.

ભાગલાની વાર્તાઓ સાંભળીને ગુરમીત વિચલિત થઈ જતો હતો. તેનું કહેવું છે કે અમારા પૂર્વજો પાકિસ્તાનમાં પોતાનું ગામ જોવા માટે તરસતા-વલવલતા હતા.

બંને દેશોમાં ચાલી રહેલા તણાવ પર સવાલ પૂછતા તેમણે કહ્યું કે નેતાઓને તો યુદ્ધનો નિર્ણય ઠીક જ લાગે. આખરે મરે છે તો બંને દેશના સામાન્ય નાગરિક જ. સરહદ પર રહેલા સૈનિકો પણ ગરીબ પરિવારમાંથી જ આવે છે.

ગુરમીત કહે છે કે બંને દેશ પ્રેમથી રહે. શાંતિનો સંદેશ આપવા માટે જ તેમણે એક પુત્રનું નામ ભારતસિંહ તો બીજાનું નામ પાકિસ્તાનસિંહ રાખ્યું છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)