70 વર્ષથી ભારત-પાક વચ્ચે ઝીણાના ઘરની માલિકી અંગે વિવાદ છે

ઝીણા આ કોઠી, દક્ષિણ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં આવેલી છે.
ફોટો લાઈન ઝીણાની આ કોઠી, દક્ષિણ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં આવેલી છે.

મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનમાં કાયદે-આઝમ અને બાબા-એ-કૌમ તરીકે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

પરંતુ ભારતમાં લોકો ઝીણાને ધિક્કારે છે. આજે પણ તેમનું નામ ઘૃણા સાથે લેવાય છે. ઝીણાને દેશના ભાગલા માટે જવાબદાર માનવામાં આવે છે.

દેશનું વિભાજન ભારત અને પાકિસ્તાનમાં ખાનાખરાબી કરનારું હતું. ભાગલા વખતે ફાટી નીકળેલી હિંસામાં લાખો લોકો માર્યાં ગયાં. એક કરોડથી વધુ લોકો બેઘર બન્યાં.

ભાગલાના ઘા હજુ પણ ભરાયા નથી. ૧૯૪૭માં વિભાજન પછી ઝીણા દેશ છોડી ગયા અને પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.

પરંતુ ઝીણાની એક વિશેષ મિલકત ભારતમાં જ રહી ગઈ. આ સંપત્તિ એટલે મુંબઈ ખાતે 'સાઉથ કોર્ટ' નામનો બંગલો.


ઝીણાનો બંગલો

Image copyright Getty Images
ફોટો લાઈન જવાહરલાલ નહેરુ, લૉર્ડ માઉન્ટબેટન અને મોહમ્મદ અલી ઝીણા

છેલ્લાં સિત્તેર વર્ષથી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આ બંગલાની માલિકી અંગે પણ લડાઈ ચાલી રહી છે.

પાકિસ્તાન ઝીણાના બંગલા પર હકદાવો કરી રહ્યું છે. સામાન્ય પાકિસ્તાની માટે તે તીર્થસ્થળ સમાન છે.

ઝીણા આ બંગલામાં રહેતા હતા ત્યારે જ નવા રાષ્ટ્રની સ્થાપનાનો પાયો નખાયો. અહીંથી જ તેમણે અલગ રાષ્ટ્ર માટે વૈચારિક લડત શરૂ કરી. આથી પાકિસ્તાન તેની ઉપર દાવો કરે છે.

પરંતુ આ બંગલો ભારતીયોને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ભારતીયો આ બંગલાને જ્યાં દેશના વિભાજનનું ષડયંત્ર રચાયું તે અડ્ડો માને છે.

મુંબઈ સ્થિત ઝીણાના બંગલાને ભારત સરકારે 'ઍનિમી પ્રૉપર્ટી' જાહેર કરી છે. હાલમાં આ બંગલો વેરાન પડ્યો છે.


ઝીણાનો મુંબઈ પ્રેમ

Image copyright Getty Images
ફોટો લાઈન ઝીણાને મુંબઇ શહેર પ્રત્યે બહુ પ્રેમ હતો, તેઓ ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા બાદ અહીં સ્થાયી થયા હતા.

ઝીણાને મુંબઇ શહેર પ્રત્યે બહુ પ્રેમ હતો, તેઓ ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા બાદ અહીં સ્થાયી થયા હતા. તેમણે રહેવા માટે ભવ્ય બંગલાનું નિર્માણ કરાવ્યું હતું.

આ બંગલાની નિર્માણશૈલી યુરોપીયન છે. ઝીણાએ આ બંગલાનું નામ 'સાઉથ કોર્ટ' રાખ્યું હતું.

ઝીણાનો આ બંગલો દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આવેલો છે. બંગલામાંથી દરિયો પણ દેખાય છે. ૧૯૩૦ના દશકમાં ઝીણાએ આ બંગલોના નિર્માણ પાછળ અંદાજે રૂ. બે લાખનો ખર્ચ કર્યો હતો.

રિઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા મુંબઈના સ્થાનિક નેતાએ ઝીણાનો બંગલો તોડી પાડવા અભિયાન હાથ ધર્યું છે.

તેમનું માનવું છે, "આ સંપત્તિ દુશ્મનની છે. દેશના ભાગલા માટે જવાબદાર મોહમ્મદ અલી ઝીણા દ્વારા બાંધવામાં આવી હતી.

આ ઇમારત વિભાજન દરમિયાન થયેલી હિંસાની યાદ અપાવે છે. આથી ઇમારતને ધ્વસ્ત કરી ત્યાં સાંસ્કૃતિક કેન્દ્ર બાંધવું જોઈએ."

સ્વપ્નની ઇમારત

વિખ્યાત આર્કિટેક્ટ ક્લૉડ બૈટલૅ દ્વારા આ ડિઝાઇન કરવામાં આવી હતી. આ ઇમારતમાં ઇટાલિયન આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બંગલો બૅરિસ્ટર ઝીણા માટે 'ડ્રીમ હાઉસ' જેવો હતો. તેમણે ચીવટપૂર્વક નિર્માણ કરાવ્યું હતું. બંગલાના નિર્માણ માટે ઝીણાએ ઇટાલીથી કારીગરો બોલાવ્યા હતા. બંગલા પરથી મુંબઈ ખાતે સ્થાયી થવાનો ઝીણાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો.

પછીના વર્ષોમાં ઝીણા વકીલાતને બદલે રાજકારણમાં વધુ સક્રિય થઇ ગયા હતા. ત્યારબાદ મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનું નિર્માણ કરાવ્યું. વિભાજન બાદ ઝીણા પાકિસ્તાનમાં જ રહેવા ચાલ્યા ગયા.

કદાચ ઝીણાને એવું લાગતું હતું કે ભાગલા પછી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સામાન્ય સંબંધો રહેશે. જ્યારે ઈચ્છા થશે ત્યારે થોડા દિવસો માટે મુંબઈ આવીને રહી શકશે.


નહેરુની પરવાનગી

Image copyright Getty Images
ફોટો લાઈન જવાહરલાલ નહેરુ સાથે મોહમ્મદ અલી ઝીણાની લાક્ષણિક તસવીર.

વિભાજન બાદ બંને દેશોના નાગરિકો વચ્ચેના માનવીય સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ.

બંગલામાં પરત ફરવાનું ઝીણાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.

વિભાજન બાદ ઝીણા ઇચ્છતા હતા કે તેમનો બંગલો કોઈ યુરોપિયનને ભાડે આપી દેવો. આ પ્રસ્તાવ માટે નહેરુ પણ સંમત હતા.

પરંતુ આ કરાર પર હસ્તાક્ષર થાય એ પહેલા ઝીણાનું નિધન થયું. ત્યારથી જ આ બંગલાની માલિકી અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

ભૂતકાળમાં ઝીણાની પુત્રી દીના વાડિયાએ પણ આ બંગલા પર હકદાવો કર્યો હતો. હાલમાં આ બંગલો ભારત સરકારના કબજામાં છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના બંગલાની બરોબર સામે આ ઇમારત આવેલી છે. આ બંગલો ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે વણઉકેલા રહેલા પ્રશ્નોમાંનો એક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા