જ્યારે અશિક્ષિત મહિલાઓએ MNC ને હંફાવી

ચાના બગીચામાં કામ કરતી મહિલાઓ Image copyright Getty Images
ફોટો લાઈન મહિલાઓએ કંપની જ નહીં ટ્રેડ યુનિયન સામે પણ બાંયો ચઢાવી હતી.

વર્ષ 2015માં એક એવી ઘટના બની જેની અપેક્ષા પણ નહોતી. આ વાત છે મલ્ટીનેશનલ કંપનીની મહિલા કર્મચારીઓનાં અદભુત ઉદયની.

લગભગ અશિક્ષિત કહી શકાય તેવી 6000 જેટલી મહિલાઓએ દુનિયાની શક્તિશાળી ગણાતી કંપની સામે બંડ પોકાર્યું.

પુરુષોના આધિપત્ય ધરાવતા ટ્રેડ યુનિયન અને રાજકારણમાં તેમણે પુરુષોને પડકાર્યા અને તેમની આ ચળવળમાં નેતાગીરી કરવા આવતા પુરુષોને ફાવવા ન દીધા.

સૌથી મહત્વની વાત એ છે કે આ લડતમાં તેમની જીત થઈ. આ મહિલાઓની મહેનતનો સ્વાદ તમે તમારાં ઘરમાં બેસીને પણ રોજ માણો છો.

આ વાત છે, કેરળના ચાના બગીચામાં ચાની પત્તીઓ ચૂંટવાનું કામ કરતી મહિલાઓની.

તમને આ પણ વાંચવું ગમશે

તે કનન દેવન હિલ્સ પ્લાન્ટેશન્સ નામની કંપની માટે કામ કરે છે. આ કંપનીનો એક ભાગ ભારતની બહુરાષ્ટ્રીય કંપની ટાટાનો અંકુશ હિસ્સેદારી છે.

ટાટા કંપની ટેટલી ટી કંપનીની પણ માલિકી ધરાવે છે.

આ લડત શરૂઆત એ સમયે થઈ જ્યારે આ મહિલાઓનું બોનસ કાપી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.


એકલા ચાલો રે...

Image copyright AFP
ફોટો લાઈન "અમે હવે કોઈને અમારું શોષણ કરવા નહીં દઇએ. બસ બહુ થયું હવે."

ચાના ઉદ્યોગમાં કામ કરતાં કામદારો સાથે સારી રીતે વર્તન નથી થતું. મેં આસામના ચાના બગીચાઓમાં આ કામદારોના સ્થિતિની તપાસ કરી હતી.

એ સમયે મેં જોયું હતું કે, તેમનું જીવન અને કામની સ્થિતિ ખરાબ હોય છે અને તેમને મળતું વેતન પણ ખૂબ જ ઓછાં હોય છે. આ પરિસ્થિતિને કારણે તેમનું કુટુંબ પણ કુપોષણ અને બીમારીઓનો શિકાર બને છે.

કેરળમાં પણ ચાના કામદારોની પરિસ્થિતિ પણ કંઈ ખાસ અલગ નથી.

મહિલાઓએ કહ્યું કે, તેમણે કોઈ પણ બાથરૂમ કે અન્ય કોઈ પણ સુવિધા વિનાની એક ગંદી ઝુંપડીમાં રહેવું પડે છે.

તેમને આસામની ચા ચૂંટનારી મહિલાઓ કરતાં વધુ વેતન મળે છે, છતાં તેમને આખો દિવસ કામ કર્યા પછી પણ કેરલમાં રોજેરોજ મજૂરીએ જતાં મજૂરને મળતાં વેતન કરતાં અડધું વેતન જ મળે છે.

આ મહિલાઓએ માગણી કરી કે તેમના બોનસમાં કરવામાં આવેલી કપાત રદ કરવામાં આવે. તેમને કામ કરવા માટે સારી સુવિધાઓ આપવામાં આવે અને તેમનાં દૈનિક વેતનમાં વધારો કરવામાં આવે.

મહિલાઓનો આ બળવો માત્ર કંપની જ નહીં પણ તેમનું એ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા ટ્રેડ યુનિયન માટે પણ પડકાર હતો.

મહિલાઓનું કહેવું હતું કે ટ્રેડ યુનિયનના પુરુષ નેતાઓ કંપની મેનેજમેન્ટ સાથે ભળેલા છે. તેઓ પોતાને મનગમતું અનુકૂળ કામ મેળવી લે છે અને સ્ત્રીઓને તેમના અધિકારો નથી અપાવતાં.

થોડાં વર્ષો પહેલાં જ્યારે ચાના ભાવ ગગડ્યાં ત્યારે કેટલાંક માલિકોએ એમના ચાના બગીચા છોડી દીધા હતાં. મહિલાઓ એ કહ્યું કે, એવા સમયે પણ યુનિયનના નેતાઓએ પોતાની નોકરીઓ બચાવી લીધી હતી.

આ મહિલાઓએ એમ પણ કહ્યું કે ટ્રેડ યુનિયનોએ તેમના પતિઓની દારુ પિવાની આદત છોડાવવા માટે પણ કંઈ ખાસ નહોતું કર્યું. આ લોકો આ મહિલાઓની કમાણી બાળકોના શિક્ષણ, આરોગ્ય કે પરિવારની જરૂરિયાતો માટે ખર્ચવાને બદલે દારુમાં ઉડાવી દેતા હતા.

તેમણે એ સાબિત કર્યું કે, યુનિયન્સની મદદ વિના પણ તે અસરકારક લડત ચલાવી શકે છે.


'પેમ્પિલાઈ ઓરુમા' (મહિલા એક્તા)

Image copyright AFP
ફોટો લાઈન "અમે ચા પત્તીને અમારા ખભે ઉપાડીએ છીએ, તમે તમારો પૈસાનો ભાર ઓછો કરો"

આંદોલનના કોઇપણ અનુભવ વગર કંપની તરફ જતા મુખ્ય રસ્તો એ 6000 મહિલાઓએ ચક્કાજામ કરી દીધો ત્યારે એ દ્રશ્ય અદભુત હતું. તેમણે તેને 'પેમ્પિલાઈ ઓરુમા' અથવા મહિલા એક્તા તરીકે ઓળખાવી.

કેરળના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ મુન્નારને મહિલાઓએ અસરકારક રીતે ઘેરો ઘાલ્યો હતો. આથી વેપાર અને પ્રવાસનને ધક્કો પહોંચ્યો હતો. સંગઠનના નેતાઓને ઉદ્દેશીને ચોક્કસ સૂત્રો પણ હતા. જેમાંનું એક હતું કે, "અમે પતરાનાં ઘરમાં રહીએ છીએ, જ્યારે તમે બંગલામાં મોજ કરો છો."

જ્યારે મહિલાઓ સાથે વેપારી સંગઠનની પુરુષ નેતાગીરીએ જોડાવાનો પ્રયાસ કર્યો તો તેમને ભગાડી દેવાયા. એક પૂર્વનેતાને તો મહિલાઓએ ચપ્પલથી મેથીપાક પણ ચખાડ્યો જેને પોલીસે બચાવવા પડ્યા.

યુનિયનની ઑફિસની બહાર ધ્વજના થાંભલા તોડી નાંખવામાં આવ્યા. સ્થાનિક રાજકીય નેતાઓને પણ પાણીચું પકડાવી દીધું. તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રાખવાનું મહિલાઓએ મન બનાવી લીધું હતું.


'અમારી પાસે કંઇ ગુમાવવા જેવું નથી'

Image copyright AFP
ફોટો લાઈન અર્ધ-શિક્ષિત મહિલાઓનું આંદોલન ઘણું જ શક્તિશાળી રહ્યું હતું.

એમની લડત એમ પૂરી થાય એમ નહોતી.

કંપની પણ માથાભારે હતી. પણ જ્યારે નવ દિવસ સુધી મહિલાઓ ન થાકી ત્યારે રાજ્યના મુખ્યમંત્રીની દેખરેખમાં મેરેથોન વાટાઘાટો કરવા કંપનીએ ઝૂકવું પડ્યું.

તે એક અદભૂત વિજય હતો: અર્ધ-શિક્ષિત મહિલાઓનું એક જૂથ રાજ્યમાં સૌથી શક્તિશાળી સ્થાપિત પર જીત્યું હતું. કેટલાય પડકારો અને કઠણાઇઓ સામે આ જીત મળી હતી.

ભારતીય ન્યૂઝ વેબસાઇટ CATCHને વાત કરતા 'પેમ્પિલાઈ ઓરુમા'ની એક નેતા લિસી સનીએ કહ્યું હતું, "ભૂખમરો અને દુઃખ અમારા જીવનનો ભાગ છે. જો અમે ભૂખથી મરી જશું તો પણ અમને ચિંતા નથી. પરંતુ અમે હવે કોઈને અમારું શોષણ કરવા નહીં દઇએ. બસ બહુ થયું હવે."

મહિલાઓએ વાટાઘાટોમાં કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 20% બોનસ પાછા લાવવાની માંગ સ્વીકારવા મેનેજમેન્ટને દબાણ કર્યું હતું. જ્યારે યુનિયનના પુરુષ નેતાઓએ તેમનો ગર્વ ગળીને અને મહિલાઓએ કરેલા કરાર પર સહી કરી દીધી.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ