વિવિધ દેશોની નાગરિકતા ખરીદવાનો નવો શોખ વિકસ્યો છે

સર્ફિંગ કરતો યુવાન Image copyright Getty Images

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં તમે જાસૂસને પાઉન્ડ ભરેલી બેગ્સ અને જુદા જુદા દેશોના પાસપોર્ટ્સ લઇને ફરતો જોયો હશે.

પણ હવે જેમને એક કરતા વધુ દેશોના પાસપોર્ટ લેવામાં રસ છે, તે જાસૂસો નહીં, પણ "આર્થિક નાગરિકો" છે.

આ વિશિષ્ટ નાગરિકો પાસે એક નહીં, બે નહીં પણ ત્રણ ત્રણ દેશોની નાગરિક્તા હોવાનું ચલણ વધી રહ્યું છે.

નાગરિક્તા નિષ્ણાત ક્રિશ્ચયન કેલિનના અંદાજ પ્રમાણે દર વર્ષે હજારો લોકો બીજો અથવા ત્રીજો પાસપોર્ટ મેળવવા માટે લગભગ બે અબજ અમેરિકન ડોલર્સ જેટલો ખર્ચ કરે છે.

તમને આ વાંચવું પણ ગમશેઃ

કેલિને કહ્યું, "જે રીતે લોકો તેમનાં નાણાકીય રોકાણોનો પૉર્ટફોલિયો વૈવિધ્યપૂર્ણ બનાવે છે, તે જ રીતે હવે તેઓ જુદા જુદા દેશોની નાગરિક્તા મેળવીને પાસપોર્ટનો પૉર્ટફોલિયો બનાવે છે."

ચીન અને રશિયાના નાગરિકો ઉપરાંત મિડલ ઇસ્ટ (મધ્ય-પૂર્વ)ના દેશોના નાગરિકોમાં આ પદ્ધતિ લોકપ્રિય થઈ રહી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન યુરોપિયન યુનિયનના દબાણને લીધે માલ્ટાએ 'સિટિઝનશીપ- બાય- ઇન્વેસ્ટમેન્ટ (CIP)' કાર્યક્રમાં બદલાવ કરવો પડ્યો હતો

નાણાંભીડથી ઘેરાયેલા દેશોએ આ બાબતની નોંધ લીધી છે.

છેલ્લાં એક વર્ષમાં જ એન્ટિગુઆ અને બર્બુડા, ગ્રેનાડા, માલ્ટા, નેધરલેન્ડ્સ અને સ્પેન જેવા દેશોએ ધનિક રોકાણકારો માટે મોટાં રોકાણની સામે સીધી જ નાગરિકતા આપવાના કાર્યક્રમો શરૂ કર્યા છે.

આ દેશો તેમને નાગરિક્તા મેળવવા માટેના અન્ય માર્ગ ખુલ્લા કરી આપે છે. જો કે, આ મામલે પારદર્શિતા અને જવાબદારી વિષેની ચિંતા દર્શાવવામાં આવી રહી છે.

યુરોપિયન કમિશનનાં વાઇસ પ્રેસિડેન્ટ વિવિયન રેડિંગે એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "નાગરિક્તા વેચાણ માટે ન હોવી જોઇએ." પરંતુ હાલના તબક્કે તો એમ લાગે છે કે જેમની પાસે વિપુલ સંપત્તિ છે, તે ભાગ્યશાળી છે.

કારણ કે 6 દેશો તો ફરજિયાતપણે તેમના દેશમાં રહેવાની કોઈ શરત વિના રોકાણ મારફતે જ સીધુ નાગરિકત્વ આપી દે છે. એટલે કે એવું નાગરિકત્વ જે વેચાણ માટે જ છે.

ડોમિનિકા

Image copyright Getty Images
ફોટો લાઈન ડોમિનિકામાં 71,000ની વસતી છે. અહીં 3,000 જેટલા ઈન્વેસ્ટર સીટીઝન રહેતા હોવાનો અંદાજો છે.

અત્યાર સુધી નાગરિકતાનો સૌથી સસ્તો સોદો કેરેબિયન ટાપુઓના ડોમિનિકામાં થાય છે. આ ટાપુ પર નાગરિકતા મેળવવા તમારે એક લાખ ડોલર્સ અને વિવિધ ફી ચૂકવીને, ટાપુ પર જઈને એક રૂબરૂ ઇન્ટરવ્યુ આપવો પડશે.

જો કે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઇન્ટરવ્યુ કમિટી એક મહિનામાં માત્ર એક વખત જ મળતી હોવાથી ડોમિનિકન પાસપોર્ટ મેળવવામાં 5 થી 14 મહિના લાગી શકે છે.

આ પાસપોર્ટ મેળવવાનો ફાયદો એ છે કે, ડોમિનિકા એક કોમનવેલ્થ દેશ છે. તેના નાગરિકોને યુકેમાં ખાસ સગવડો મળે છે.

ઉપરાંત ડોમિનિકાના નાગરિકો સ્વિટ્ઝરલેન્ડ સહિત વિશ્વના 50 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

સાયપ્રસ

Image copyright Getty Images
ફોટો લાઈન સાયપ્રસે 'સિટિઝનશીપ- બાય- ઇન્વેસ્ટમેન્ટ ' કાર્યક્રમ હેઠળ રોકાણની મર્યાદા ઘટાડી 2 મિલિયન યુરો કરી દીધી હતી

સાયપ્રસ રોકાણ દ્વારા સીધુ નાગરિકત્વ આપતું માલ્ટા પછીનું બીજું યુરોપિયન સંઘનું રાષ્ટ્ર છે.

ગત માર્ચમાં જ્યારે સાયપ્રસને યુરોપિયન યુનિયનને નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર લાવવાની પ્રક્રિયામાં ફરજિયાત જોડવામાં આવ્યું હતું.

એ સમયે પોતાના નાણાં ગુમાવી દેવાને કારણે ગુસ્સે થયેલા રશિયાના રોકાણકારોને શાંત કરવાના પ્રયાસરૂપે સાયપ્રસે નાગરિકત્વ મેળવવાની આ યોજનાની કિંમત 20 લાખ યુરો કરી દીધી હતી.

આ માટે શરત એ હતી કે તમે એક કરોડ 25 લાખ યુરોનું રોકાણ કરનારાં એક મોટા જુથનાં એક સભ્ય હોવ તો જ તમે 20 લાખ યુરોમાં નાગરિકત્વ મેળવી શકો.

Image copyright Getty Images
ફોટો લાઈન એન્ટીગુઆ અને બાર્બુડાએ 2013માં CIP કાર્યક્રમ શરુ કર્યો હતો

વ્યક્તિગત રીતે નાગરિકત્વ મેળવવા માટે તમારે 50 લાખ યુરોનું રોકાણ સ્થાવર મિલકતો અથવા બેંકમાં હોવું જરૂરી છે.

પરંતુ કેલિન સાયપ્રસમાં રોકાણ માટે ચેતવણી આપતાં કહે છે, શરૂઆતમાં નાગરિકત્વ આપવાની આ યોજનાની કિંમત બે કરોડ 80 લાખ યુરો હતી, જે ઘટીને એક કરોડ યુરો થઈ અને છેવટે 50 લાખ યુરો થઈ ગઈ.

તેમણે કહ્યું,"આ એક પ્રકારે 'શું ન કરવું' તેનું સરસ ઉદાહરણ છે. તમે બજારમાં ખોટી કિંમતે કોઈ ઉત્પાદન મૂકો છો અને દર છ મહિને તેની કિંમત ઘટતી રહે છે. આ એક હાસ્યાસ્પદ વાત છે."

આ ઉપરાંત યુરોપના માલ્ટા અને કેરેબિયન ટાપુઓનાં એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ કિટ્સ અને નેવિસ જેવા દેશોમાં પણ જુદા જુદા પ્રકારના રોકાણ મારફતે પાસપોર્ટ મેળવી શકાય છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા