સુપ્રીમ કોર્ટે મુંબઈમાં રહેનારી બત્રીસ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી છોકરીને ગર્ભપાત કરવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે મુંબઈની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 32 સપ્તાહની ગર્ભાવસ્થાનો અંત લાવવા ગર્ભપાતની મંજૂરી આપી છે.

ભારતીય કાયદા મુજબ 20 સપ્તાહથી વધુ સમય બાદ ગર્ભપાતની મંજૂરી ત્યારે જ આપવામાં આવે છે, જ્યારે માતાનો જીવ જોખમમાં હોય. 20 સપ્તાહ કરતાં વધુ સમય વિત્યો હોય તેવા સંજોગોમાં ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી લેવી ફરજીયાત છે.

Image copyright Getty Images

પીડિતાનાં વકિલે બીબીસીને જણાવ્યું કે, આ શુક્રવારે ગર્ભપાત કરવામાં આવશે.

પીડિતાનાં માતા-પિતા જ્યારે તેની સ્થૂળતાની સારવાર માટે ડૉક્ટર પાસે ગયાં, ત્યારે તેની ગર્ભાવસ્થા વિશે તેમને જાણ થઈ હતી.

પીડિતાનો આરોપ હતો કે તેના પિતાના મિત્રએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ધરપકડ થઈ ગઈ છે.

ગર્ભપાત કરવાની મંજૂરીનો નિર્ણય ત્રણ જજની બેન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બેન્ચના વડાં મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા હતાં. નિર્ણય લેતી વખતે મુંબઈની જેજે હોસ્પિટલનાં ડૉક્ટર્સની એક પેનલ દ્વારા તૈયાર કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગર્ભપાત જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીડિતા પર જીવનું જોખમ સમાન જ રહેશે.

ડૉક્ટર્સનું સૂચન હતું કે, ગર્ભને વધુ વિકસવા માટે વધુ બે સપ્તાહ માટે રાહ જોવી જોઈએ. જો કે, કોર્ટે પીડિતાને વધુ માનસિક આઘાતથી બચાવવા માટે તાત્કાલિક ગર્ભપાત કરવાનો આદેશ આપ્યો.

પીડિતા ગર્ભવતી હોવાનું નિદાન કરનાર ડૉ. નિખિલ દાતારે સુપ્રિમ કોર્ટનાં આ ચૂકાદાને સિમાચિહ્ન સમાન ગણાવ્યો છે.

સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ ચંદીગઢની દસ વર્ષીય દુષ્કર્મ પીડિત બાળકીને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. તેના મેડિકલ રિપોર્ટમાં ડૉક્ટર્સે તેના ગર્ભપાતને અત્યંત જોખમી ગણાવ્યું હતું. એ બાળકીને પણ 32 સપ્તાહનો ગર્ભ હતો. તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો.