ભારતમાં શા માટે વપરાયેલાં સૅનિટરી પૅડ એકઠાં કરાય છે?

માસિક સ્ત્રાવના કપડાંઓ Image copyright DR ATUL BUDUKH/TMC HOSPITAL
ફોટો લાઈન માસિક સ્ત્રાવમાં ઉપયોગમાં લેવાયેલા કપડાંઓ હેલ્થ વર્કરોએ એકત્રિત કર્યા

મહારાષ્ટ્રના ગામડાંઓમાં થોડાં સમય પહેલાં કેટલાંક હેલ્થ વર્કર્સે મહિલાઓ પાસેથી વપરાયેલાં સેનેટરી પેડ એકત્રિત કર્યાં હતાં. ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો પારખવા માટે આ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી.

વિશ્વમાં ગર્ભાશયનાં મુખનાં કેન્સરનાં કુલ દર્દીઓનાં 25 ટકાથી પણ વધુ દર્દીઓ ભારતમાં છે, છતાં પણ સુવિધાઓના અભાવ અને વધુ ખર્ચના કારણે ઘણી સ્ત્રીઓ આ કેન્સરનું 'સ્ક્રીનિંગ' એટલે કે તપાસ નથી કરાવતી.

'યુરોપીયન જર્નલ ઑફ કેન્સર પ્રિવેન્શન'માં કેટલાંક સંશોધકોએ લખ્યું છે, ગ્રામીણ મહિલાઓમાં આ તપાસ પ્રત્યે શરમ અને ડર છે, ઉપરાંત તેને બિનજરૂરી પણ માનવામાં આવે છે. ગ્રામીણ ભારતની 90 ટકાથી પણ વધુ મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન ઘરે બનાવેલા સેનેટરી પેડનો ઉપયોગ કરે છે.

ટાટા મેમોરિયલ સેન્ટર અને નેશનલ ઈન્સિટિટ્યુટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થ દ્વારા એકત્રિત કરાયેલા પેડમાં હ્યુમન પેપિલોમા વાઈરસ (એચપીવી) છે કે નહીં તેની તપાસ કરશે, આ વાઈરસના કારણે કેન્સર થાય છે.

આ સંશોધન કેન્દ્રના મુખ્ય સંશોધક ડૉ. અતુલ બુદુખનું કહેલું છે કે, "આ સૌથી સરળ અને સગવડભર્યો રસ્તો છે. આ કેન્સર થવાની સંભાવના જે સ્ત્રીઓમાં છે તેઓ આ તપાસમાં ભાગ ન લેતી હોવાથી ગર્ભાશયના મુખનાં કેન્સરની મોટાપાયે તપાસ થઈ શકતી નથી." જેના કારણે ગર્ભાશયના મુખનું કેન્સર ધરાવતી સ્ત્રીઓને કેન્સર છે કે નહીં તેની જાણ બીજા સ્ટેજમાં થવા અન્ય કોઈ મેડિકલ ચેક-અપ દરમિયાન થાય છે.

Image copyright DR ATUL BUDUKH/TMC HOSPITAL
ફોટો લાઈન સેમ્પલમાં લેવાયેલા પેડ્સની લેબોરેટરીમાં તપાસ કરાઈ

ડીએનએને ડીપ ફ્રિઝમાં મૂકવામાં આવ્યા

આ સંશોધન માટે 30 થી 50 વર્ષની ઉંમરની 500થી પણ વધુ સ્ત્રીઓના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી તમામ સ્ત્રીઓ શારીરિક-માનસિક સ્વસ્થ, કેન્સરના કોઈ ઈતિહાસ વગરની અને નિયમિત માસિક સ્ત્રાવ થતો હોય તેવી હતી. આ સ્ત્રીઓએ ઉપયોગ કરેલા સેનેટરી પેડ બે વર્ષ માટે એકત્રિત કરવામાં આવ્યાં. માસિક સ્ત્રાવના પ્રથમ દિવસના પેડ કે કપડાંને સાદી બેગમાં રાખી હેલ્થ વર્કરને સોંપવાનું આ સ્ત્રીઓને કહેવામાં આવ્યું હતું.

આ પેડનાં એચપીવી સ્ક્રીનિંગ માટે તેને નિદાન કેન્દ્રમાં સૂકા બરફમાં -20 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવ્યાં હતાં. સૂકાયેલા લોહીમાંથી જીનોમિક ડીએનએ છૂટાં પાડી તેનો અભ્યાસ પોલિમરાઈઝ ચેઈન રિએક્શન દ્વારા કરવામાં આવ્યો. ડૉ. બુદુકનું કહેવું છે, "24 મહિલાઓનો એચપીવી ટેસ્ટ પોઝિટીવ આવ્યો અને તેમને વધુ સારવાર માટે મોકલામાં આવી." આ સારવારમાં કોલ્પોસ્કોપીની મદદ લેવામાં આવી હતી. જેમાં ગર્ભાશયનાં મુખનાં કોષોનું નિરીક્ષણ કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે જે-તે કોષ અસાધારણ છે કે પછી તેને સારવારની જરૂર છે. આ સ્ત્રીઓની સામાજિક, વસતી વિષયક, પ્રજનનને લગતી વિગતોનું પણ સંશોધકોએ દસ્તાવેજીકરણ કર્યું છે. તેમની મળતી ટોઇલેટ-બાથરૂમની સુવિધા તેમજ માસિક સ્ત્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતાં પેડ અને કપડાંની વિગતો પણ નોંધવામાં આવી.

જાતીય અંગોની સ્વચ્છતા

એક અભ્યાસ અનુસાર દેશમાં પ્રજનન અંગોની સ્વચ્છતા બાબતે સઘન શિક્ષણની તાતી જરૂરિયાત છે. વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે દેશનાં 41 ઘરમાં બાથરૂમની સુવિધા નથી અને જે ઘરોમાં છે તેવા 16 ટકા ઘરોનાં બાથરૂમમાં છતનો અભાવ છે.

વધુ માહિતી આપતા ડૉ. બુદુખ કહે છે, ''ટોઇલેટનાં અભાવ અને અગવડભર્યા બાથરૂમનાં કારણે ગ્રામીણ વિસ્તારની ઘણી સ્ત્રીઓ તેમના જાતીય અંગો સાફ કરી શકતી નથી.''

જાતીય અંગોની અસ્વચ્છતાના જ મોટાભાગે ગર્ભાશયનાં મુખનાં કેન્સર કે કેન્સરનાં કોષના વિકાસની શરૂઆત માટે જવાબદાર હોય છે, ઉપયોગમાં લેવાયેલા કપડાંઓમાંથી બનાવેલા પેડનાં કારણે પણ આ જોખમ વધતું હોવાનું એક અભ્યાસનું તારણ છે.

સંશોધકોનું કહેવું છે કે, "માસિક સ્ત્રાવ દરમિયાનના કપડાં એકત્ર કરવા મુશ્કેલ કામ હતું કારણ કે હજુ પણ ગ્રામીણ ભારતમાં માસિક સ્ત્રાવ બાબતે ઘણી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે."

Image copyright Getty Images
ફોટો લાઈન ગ્રામીણ ભારતની બહુ ઓછઈ મહિલાઓ બજારમાં વેચાતા સેનેટરી પેડનો ઉપયોગ કરે છે

અંધશ્રદ્ધા અને માન્યતાઓ

સાંજના સમયે પેડ અને કપડાં એકત્ર કરવાનું કામ હેલ્થ વર્કરો માટે મુશ્કેલ રહ્યું કારણ કે માસિક ધર્મ પાળતી સ્ત્રીઓ માટે સૂર્યાસ્ત બાદ ઘરની બહાર નીકળવું એ અશુભ સંકેત છે. ગર્ભાશયનાં મુખનાં કેન્સર વિશે વિવિધ સમજૂતી આપતો એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામીણ વિસ્તારના નેતાઓ, સામાજિક કાર્યકરો અને જે સ્ત્રીઓના સેમ્પલ લેવાયાં હતાં તેમના પરિવારજનોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમને માસિક સ્ત્રાવ વિશે પ્રવર્તતી કેટલીક માન્યતાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા.

સેમ્પલ રૂપે લેવાયેલાં પેડનું ટ્રાન્સપોર્ટેશન થોડું ખર્ચાળ હોવાનો સંશોધકોનો મત છે ઉપરાંત માસિક સ્ત્રાવ થતો હોય તે સ્ત્રીઓને જ આ સ્ક્રીનિંગનો લાભ મળી શકે છે. ડૉ. બુદુખ અને તેમની ટીમનું કહેવું છે કે, પેડ એકત્ર કરવાની તપાસ માટે મોકલવાની થોડી વધુ અસરકારક વ્યવસ્થાથી તપાસની આ પદ્ધતિ વધુ અસરકાર બની શકે છે.

સંબંધિત મુદ્દા