‘જીવન પોતાની શરતો મુજબ જીવવા ઈચ્છતી હતી...તેનાથી વધુ મેળવી લીધું’ : કંગના રણૌત

કંગના રનોતનો ફોટો Image copyright Getty Images

વારંવાર વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રનોતનું કહેવું છે કે તેની ફિલ્મ કારકિર્દી ચાલે કે ના ચાલે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. કંગનાનું કહેવું છે કે, તેનું જીવન એક સફળ વાર્તા છે.

કંગના એક વર્ષમાં બે મોટા વિવાદોમાં જોવા મળી. સૌ પહેલા એનો કરણ જોહર સાથે વિવાદ થયો. જ્યારે બીજા વિવાદમાં હૃતિક રોશન સાથે કથિત પ્રેમ પ્રસંગનો બનાવ પોલિસ સ્ટેશને પહોંચ્યો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં કંગનાએ જણાવ્યું, “હું નાના શહેરથી ફક્ત પગભર થવા માટે આવી હતી. હું જીવન મારી શરતો મુજબ જીવવા ઈચ્છતી હતી. મેં તેનાથી વધુ મેળવી લીધું છે. હવે હું ડરીને શા માટે રહું? મારી આઝાદીનો શું ફાયદો હશે?”


પોતાની શરતે જીવન જીવવાનું

તેણે જણાવ્યું, ''સિમરન ફિલ્મ ચાલે કે ના ચાલે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મારું કંઈ આગળ થાય કે ના થાય, હું એક સફળ વાર્તા છું. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે હું મારું જીવન મારી શરતે જીવું અને મોજ કરૂં.”

Image copyright Getty Images

હાલમાં જ કંગનાએ એક ચેનલને આપેલાં ઈન્ટરવ્યુમાં હૃતિક સાથેના વિવાદો પર તેનો અભિપ્રાય રજુ કર્યો હતો. વધારે પડતા લોકોએ આ મુદ્દા પર શાંતિ જાળવવાનું યોગ્ય માન્યું, જ્યારે કેટલાક લોકોએ આ બનાવને પબ્લિસિટી સ્ટન્ટ માન્યો અને તેને ખોટી વાત ગણાવી.


ફિલ્મોતો આવતી જતી રહે છે

તે કહે છે, “ઘણી ફિલ્મો આવી, જેણે ઘણાં રેકોર્ડ તોડ્યાં, ઈતિહાસ રચ્યો અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો. ફિલ્મો તો આવતી જતી રહે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની માન-મર્યાદા, કારકિર્દી અને કામથી વધારે મહત્વ ધરાવે છે.”

વધુમાં કંગનાએ કહ્યું, “જો સમાજમાં કોઈ તમારા પર આંગણી ચીંધે, કે તમને ગાંડા, બેજવાબદાર કે ગુનેગાર જાહેર કરે તો શરમ રાખ્યા વિના પોતાની રક્ષા કરવી જોઈએ. પછી ભલે કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય. તમારી ફિલ્મ રિલીઝ થતી હોય કે ન થતી હોય.”

Image copyright Getty Images

કંગના માને છે, “મહિલાઓ જ મહિલાઓની વિરુદ્ધ હોય છે. તે છોકરીઓના મનમાં શરમ ઉપજાવે છે. સામાન્ય રીતે છોકરીઓના અસફળ લગ્નને અસફળ જીવન તરીકે જોવામાં આવે છે.” કંગના દિલગીર છે કેમ કે પહેલાં તેના પણ વિચાર આવા જ હતા.


રાજકારણમાં આવવાનો કોઈ ઇરાદો નથી

તેણે જણાવ્યું, “મારી ફોઈ એક સફળ પ્રોફેસર રહ્યાં છે, તેમનાં છુટાછેડા થયા હતા. મને દુઃખ છે કે પહેલાં મેં પણ તેમને અસફળ માન્યાં હતા. તેમને તેમનાં શૈક્ષણિક કાર્ય માટે અનેક પુરસ્કારો મળ્યાં હતા. આપણે ભણેલા-ગણેલા લોકો છીએ. આવાં જુનવાણી ઘરેડમાંથી બહાર આવવું જોઈએ, જેમાં દરેક મુદ્દે છોકરીઓને ગુનેગાર માને છે.”

આ વર્ષની શરૂઆતમાં કંગનાની ફિલ્મ ‘રંગૂન’ ફ્લોપ રહી હતી. કંગના ફિલ્મ દરમિયાન ખૂબ જ ડરેલી હતી. તેણે ફિલ્મ હિટ થવા માટે માનતા પણ માની હતી. કેમ કે તેને અંદાજ હતો કે જો ફિલ્મ ફ્લોપ થશે તો તેના પર ચોતરફથી દબાણ આવશે.

Image copyright Getty Images

તેણે માન્યું કે, આ તેનો ડર હતો અને ફિલ્મ ફ્લોપ રહી. તેના પર કોર્ટની નોટિસ પણ આવી હતી. તેની મજાક ઉડાવવામાં આવી. કંગનાનું કહેવું છે કે હવે તે ફક્ત માત્ર સાપથી જ ડરે છે.

કંગનાનો રાજકારણમાં ઝંપલાવાનો હાલ કોઈ વિચાર નથી. તેના મત પ્રમાણે રાજકારણમાં બધાં જ કંટાળાજનક કપડા પહેરે છે.

તેણે કહ્યું, “ઘણી વખત વિચારું છું કે રાજનેતા બની જાઉં, પરંતુ તેના કપડા અને સરકારી ઓફિસ જોઉં છું, તો તે કંટાળાજનક લાગે છે. મને ફેશનનો ખૂબ જ શોખ છે. રાજકારણમાં લોકો ઘણા ઢોંગી બનીને ફરે છે, કોટનનાં કપડાં પહેરે છે. તેઓ કંઈક અલગ જ લાગે છે.”

કંગનાએ હંસલ મહેતાની ફિલ્મ ‘સિમરન’માં મુખ્ય ભૂમિકા ભજવી છે, જે 15 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો