વિદેશી કલાકારો જે બોલીવુડમાં આવ્યા અને છવાઈ ગયા

ટોમ ઓલ્ટર Image copyright Getty Images

ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર જગતના દિગ્ગજ અભિનેતા ટૉમ ઑલ્ટરનું કેન્સરની બિમારી બાદ મૃત્યુ થયું છે. આ ખબર જ્યારે લોકોની સામે આવી, મનોરંજન જગતમાં તેમની ભૂમિકા અને યોગદાનનો ઉલ્લેખ થવા લાગ્યો.

તેઓ એ કલાકારોમાં સામેલ હતા કે જેમનો દેખાવ તો અંગ્રેજો જેવો હતો છતાં તેઓ ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.

'વિદેશી' લુક અને ધારદાર હિન્દી બોલવાવાળા આ એક્ટર ફિલ્મોમાં જ્યાં ગંભીર રોલ કરતા નજરે પડ્યા તો 'જબાન સંભાલ કે' જેવી ટીવી સિરીયલમાં તેમણે હલકી ફૂલકી કોમેડી પણ કરી.


વિદેશીમાંથી દેશી કેવી રીતે બન્યા ટૉમ ?

Image copyright Getty Images

વર્ષ 1950માં મસૂરીમાં જન્મેલા ટૉમ ઑલ્ટરના માતા પિતા મૂળ અમેરિકી છે. તેમનું સાચુ નામ થૉમસ બીટ ઑલ્ટર છે. તેમના દાદા દાદી 1916માં અમેરિકાથી ભારત આવ્યા હતા.

ટૉમનો પરિવાર દરિયાઈ માર્ગે ચેન્નઈ આવ્યો હતો અને ત્યાંથી લાહોર ગયો. તેમના પિતાનો જન્મ સિયાલકોટમાં થયો હતો જે હવે પાકિસ્તાનનું એક શહેર છે.

વિભાજન બાદ તેમના પરિવારના બે ભાગ થઈ ગયા. દાદા-દાદી પાકિસ્તાનમાં રહ્યા જ્યારે તેમના માતા પિતા ભારત આવી પહોંચ્યા.

હિન્દી અને ઉર્દુમાં નિષ્ણાત ઑલ્ટરે 'ચરસ' ફિલ્મથી પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી અને 'શતરંજ કે ખેલાડી', 'ક્રાંતિ' જેવી ફિલ્મોથી દર્શકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.

બૉલિવુડમાં બીજા કેટલા છે વિદેશી એક્ટર?

ટૉમ ઑલ્ટર સિવાય પણ કેટલાક એવા ચહેરા છે કે જે જોવામાં જરા પણ ભારતીય નથી લાગતા. પરંતુ તેમ છતાં તેઓ ભારતીય ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે.

હિન્દી ફિલ્મોમાં વિદેશી પાત્ર નિભાવનારા કલાકારોનો જ્યારે ઉલ્લેખ થાય છે તો ઘણા વિદેશી ચહેરા આંખો સામે ઉતરી આવે છે. તેમાંના કેટલાક મુખ્ય કલાકારો છે.


બૉબ ક્રિસ્ટો

Image copyright YOUTUBE/VIDEOGRAB
ફોટો લાઈન બોબ ક્રિસ્ટો (ડાબી બાજુ)

મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં ભગવાન હનુમાનની મૂર્તિ જ્યારે ગુંડાઓને પાઠ ભણાવી રહી હતી ત્યારે અંગ્રેજ દેખાતો એક વ્યક્તિ 'બજરંગ બલી કી જય' બોલી રહ્યો હતો. તેની કૉમેડી અત્યાર સુધી ઘણા લોકો નથી ભૂલી શક્યા.

તે એક્ટર બૉબ ક્રિસ્ટો હતા. વર્ષ 1938માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં જન્મેલા ક્રિસ્ટોનું સાચુ નામ રૉબર્ટ જૉન ક્રિસ્ટો હતું.

વ્યવસાયે સિવિલ એન્જીનીયર બોબ બાંધકામ ક્ષેત્રે કામ કરવા ભારત આવ્યા હતા. પરંતુ પરવીન બાબી સાથે મુલાકાત થયા બાદ તેમણે બૉલિવુડની દુનિયામાં પગ મુકવાનું મન બનાવી લીધું હતું.

ક્રિસ્ટોએ અમિતાભ બચ્ચનથી માંડીને અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ હતું. મિસ્ટર ઈન્ડિયામાં મિસ્ટર વૉલકૉટની ભૂમિકા હોય કે પછી કાલિયા, નાસ્તિક, અગ્નિપથ જેવી ફિલ્મોમાં ભજવેલા રોલ- તેમના માધ્યમથી ક્રિસ્ટો પોતાનો સિક્કો જમાવવામાં સફળ રહ્યા હતા.

વર્ષ 1980માં પોતાની પહેલી હિન્દી ફિલ્મ 'અબ્દુલ્લા'માં તેઓ એક જાદુગરના રોલમાં જોવા મળ્યા હતા. અને પછી લગભગ 200 કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2011માં હૃદયની ગંભીર બિમારીને કારણે બેંગલુરૂમાં તેમનું નિધન થઈ ગયું હતું.


બેન કિંગ્સલે

Image copyright Getty Images

જો તમે કહેવામાં આવે કે ફિલ્મ 'ગાંધી'માં મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવનાર વ્યક્તિ ભારતીય નહીં પણ અંગ્રેજ છે તો તમે શું કહેશો?

વર્ષ 1943માં ઈંગ્લેન્ડના ઉત્તરી યૉર્કશાયરમાં બેન કિંગ્સલેનો જન્મ થયો હતો અને તેમનું અસલી નામ કૃષ્ણ પંડિત ભાણજી છે.

બેન કિંગ્સલેના પિતા મૂળે એક ગુજરાતી હતા અને તેમની માતા ઈંગ્લેન્ડના. બન્ને ઈંગ્લેન્ડમાં જ રહેતા હતા.

બેન કિંગ્સલેએ 1982માં આવેલી ફિલ્મ 'ગાંધી'માં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી અને તેની સાથે જ તેઓ ભારતમાં પ્રખ્યાત થઈ ગયા હતા.

આ ફિલ્મ માટે તેમને બાફ્ટા, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને ઑસ્કર એવોર્ડનું સન્માન મળ્યું હતું. વર્ષ 1984માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

બેન કિંગ્સલેએ અંગ્રેજી ફિલ્મ 'ધ જંગલ બુક' માં બગીરાની ભૂમિકા માટે પોતાનો અવાજ આપ્યો હતો.


પૉલ બ્લેકથૉર્ન

Image copyright Getty Images

જો તમને આમિર ખાનની ફિલ્મ લગાન પસંદ આવી હતી તો કેપ્ટન રસેલ પણ યાદ હશે. આ ભૂમિકા ભજવવા વાળા અભિનેતાનું નામ છે પૉલ બ્લેકથૉર્ન.

વર્ષ 1989માં ઈંગ્લેન્ડમાં જન્મેલા પૉલ બ્લેકથૉર્નની આ પહેલી હિન્દી ફિલ્મ હતી અને આ ભૂમિકા માટે તેમણે લગભગ 6 મહિના સુધી હિન્દી ભાષાની તાલિમ લીધી હતી.

જો કે ત્યારબાદ તેમણે અમેરિકી ફિલ્મો અને ટીવી શોમાં કારકિર્દી આગળ વધારવાનું નક્કી કર્યું હતું. પૉલનું બાળપણ ઇંગ્લેન્ડ અને જર્મનીની સૈનિક છાવણીઓમાં વિત્યું હતું.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા