ચીનના OROBનો આ રીતે જવાબ આપશે ભારત અને જાપાન?

પીએમ મોદી અને એબેનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનના વડાપ્રધાન શિંજો એબે ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગૃહરાજ્ય ગુજરાતમાં ઉષ્માભેર એબેને આવકાર્યા.

એક ઓપન જીપમાં બન્ને નેતાઓએ આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો.

મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સિવાય વધુ એક યોજના ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ એટલે એશિયા-આફ્રિકા ગ્રોથ કૉરિડૉર.

શિંજો એબેના પ્રવાસ પર ચીનની નજર છે. ચીનના મીડિયામાં પણ આ મુલાકાતની ખાસી ચર્ચા છે.

ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સે' લખ્યું છે કે ભારતના વડાપ્રધાને જાપાન સામે એશિયા-આફ્રિકા ગ્રોથ કૉરિડૉરનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે બન્ને દેશો 'વન રોડ, વન બેલ્ટ'નો વિકલ્પ શોધી રહ્યા છે.

ભારતીય મીડિયામાં પણ ચર્ચા છે કે મોદી અને એબે આ કૉરિડૉર અંગે મહત્વની જાહેરાત કરી શકે છે.

આ વિશે બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલે આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર પ્રોફેસર હર્ષ પંત વાત કરી હતી. તેમના અનુસાર,"ભારત અને જાપાન વચ્ચે 40 અરબ અમેરિકી ડૉલરની આ પરિયોજનામાં ભાગીદાર બનવાની યોજના પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય આફ્રિકન દેશોમાં વિકાસ માટે ભાગીદારી કરવાનો છે. જેમાં જાપાન 30 અરબ ડૉલર અને ભારત 10 અરબ ડૉલરનું રોકાણ થશે."

આ રકમને આફ્રિકામાં સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ કરવામાં રોકાશે.

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા કેટલાક વર્ષોથી ચીન આફ્રિકામાં તેનું વર્ચસ્વ વધારી રહ્યું છે. એટલે ભારત અને જાપાન પણ વિકાસ માટે પ્રતિબદ્ધ રાષ્ટ્રો તરીકે વર્ચસ્વ સ્થાપવા માંગે છે.

ચીનનો 'વન રોડ, વન બેલ્ટ' પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરની યોજના છે, ત્યારે ભારત અને જાપાન વિકાસનું અલગ વૈકલ્પિક મોડલ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચાઇનો OROB પ્રોજેક્ટ ટોપ-ડાઉન મોડલ છે. જેમાં ચીને નક્કી કર્યું છે કે યુરોપથી લઇ મધ્ય-પૂર્વ અને આફ્રિકા સુધી કઇ રીતે રોકાણ કરશે તથા કેવા પ્રકારનું માળખું વિકસિત કરશે.

ઇમેજ સ્રોત, Reuters

પરંતુ ભારત અને જાપાનનો બોટમ-અપ મોડલ હશે. જેમાં આફ્રિકન દેશોને પૂછવામાં આવશે કે તેમની જરૂરિયાતો શું છે. આ યોજનાથી માત્ર પોતાનો ફાયદો નહીં જોવાય, પરંતુ આફ્રિકન દેશોની ક્ષમતામાં પણ વધારો કરાશે અને ત્યાં આર્થિક વિકાસને પ્રોત્સાહન અપાશે.

શા માટે આફ્રિકા પર ધ્યાન કેન્દ્રિત?

આફ્રિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઘણો જરૂરી છે.

આફ્રિકન ખંડમાં અનેક રાષ્ટ્રોનાં અર્થતંત્રો સારી રીતે કામ કરી રહ્યાં છે. બીજી બાજુ, વૈશ્વિક અર્થતંત્રની હાલત બહુ સારી નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ચીને આફ્રિકાના ઘણા દેશોમાં વ્યાપક રોકાણ કર્યું છે.

આફ્રિકામાં ઘણી ચીનની કંપનીઓ ચીનની સરકારની મદદથી રોકાણ તો કરે છે, પરંતુ ત્યાં સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવા માટે અસમર્થ છે. ચાઇનિઝ કંપનીઓ રોકાણની તક તરીકે જુએ છે. ત્યારે અમુક અંશે પુશ-બેકની સ્થિતિ બની રહી છે. એક વૈકલ્પિક મોડલની જરૂર હતી. જે ભારત અને જાપાન રજૂ કરી રહ્યાં છે.

ભારતના આફ્રિકા સાથે ઐતિહાસિક સંબંધો છે. ભારત લાંબાસમયથી આફ્રિકન દેશોમાં રોકાણ કરી રહ્યું છે.

ભારતનો છબી બદલવાનો પ્રયાસ

ભારતની અત્યાર સુધીની છબી વિકાસ માટે સહાયતા લેનાર દેશની રહી છે. પરંતુ હવે આ છાપને બદલવા ભારત કટિબદ્ધ બન્યું છે. ભારત ઇચ્છે છે કે ફક્ત અન્ય દેશોની સહાયતા જ નહીં પણ વિકાસશીલ દેશોને આ પ્રક્રિયામાં ભાગીદાર બનાવે.

જાપાન અને ભારત એશિયા પેસિફિકમાં લોકશાહી દેશો છે અને બન્ને વિકસિત દેશો તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

જાપાન ટેકનોલૉજીની રીતે ઘણું આગળ છે અને તેની પાસે પણ સંસાધન પણ છે. ભારતમાં નેતૃત્વ છે, જે જાપાન પાસે નથી. આવામાં બન્ને સાથે મળી એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે છે.

ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધોમાં નવા ભૌગોલિક રાજકીય સમીકરણો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

એશિયા પેસિફિકમાં બંનેને ચીનનો પ્રભાવ પરેશાન કરી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંઝો એબેના સંબંધો પણ ખૂબ નજીકના છે. તેથી બંને દેશોનું નજીક આવવું સ્વાભાવિક છે.