80ના દાયકામાં માતા-પિતા અમેરિકા આવી વસ્યાં હતાં, કચ્છ સાથે સંબંધ

રાજ શાહની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER@RAJSHAH45

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રાજ શાહને પોતાની કમ્યુનિકેશન ટીમમાં મહત્વના પદ પર નિમણૂક આપી છે.

વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર રાજ શાહ ટ્રમ્પના ડેપ્યુટી આસિસ્ટન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે કામ કરશે.

આ પૂર્વે શાહ રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કાર્ય કરતા હતા.

32 વર્ષીય શાહને ટ્રમ્પની નજીકની માનવામાં આવે છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધાના થોડાક જ કલાકમાં વ્હાઈટ હાઉસમાં નિમણૂક મેળવવારાઓમાં શાહ પણ સામેલ હતા.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જેમાં હિલેરી ક્લિન્ટન સામે ચાલતા વિરોધી પ્રચાર અભિયાનનું તેમણે નેતૃત્વ કર્યું હતુ.

શાહ સહિત અન્ય લોકોની નિમણૂક જાહેર કરતા અમેરિકાના ચીફ ઓફ સ્ટાફ રાઇન્સ પ્રીબસે કહ્યું કે, " આ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી સમયના એજન્ડા લાગુ કરવામાં અને વોશિંગ્ટનમાં ખરેખર બદલાવ લાવવામાં મદદ કરનારા પ્રમુખ લોકો હશે.

શાહનું ગુજરાત કનેક્શન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કનેક્ટિકટમાં જન્મેલા અને ઊછરેલા રાજ શાહના માતા-પિતા 1980માં અમેરિકા આવ્યાં હતાં. તેમના મૂળિયા ગુજરાત સાથે જોડાયેલા છે.

રાજના માતા-પિતા ગુજરાતના છે. તેમના પિતા એક એન્જિનિયર છે. જ્યારે માતા કચ્છના ભોજપુરની રહેવાસી છે.

રાજ શાહના પિતા 1970માં અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા હતા.

પછી તે ભારત પરત આવી ગયા હતા. લગ્ન બાદ તે ફરી અમેરિકા જતા રહ્યા હતા. અમેરિકામાં શરૂઆતમાં તે શિકાગોમાં રહ્યા પછી કનેક્ટિકટ જતા રહ્યા.

ક્લિન્ટન વિરુદ્ધ પ્રચાર અભિયાનમાં ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images

રાજ શાહની વ્હાઈટ હાઉસમાં નિમણૂક થઈ એ પુર્વે તે રિપબ્લિકન નેશનલ કમિટીમાં વિપક્ષ વિશે રિસર્ચ કરતી કમિટીના ડાયરેક્ટર હતા.

ચૂંટણી દરમિયાન તેમણે ડેમોક્રેટિક પાર્ટીની ઊમેદવાર હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ રિસર્ચ કરનારી ટીમનું નેતૃત્વ કર્યું હતું.

વળી, ક્લિન્ટનના રાજકીય પદોના વિરોધાભાસ અને પર્સનલ (ખાનગી) ઈમેલ સર્વર જેવા જેવા મુદ્દાઓને ઉઠાવવાના અભિયાનમાં પણ મદદ કરી હતી.

શાહને વિપક્ષના નેતાઓ વિશે રિસર્ચ કરવામાં નિષ્ણાત ગણવામાં આવે છે. જેમાં વિપક્ષી ઉમેદવાર વિશે નકારાત્મક માહિતીઓ ભેગી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય.

અત્રે એ પણ નોંધવું કે, રાજ શાહે જ્યોર્જ બુશ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ વ્હાઈટ હાઉસમાં કામ કર્યું હતું.

તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે જોન મક્કેનના 2008ના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનનો પણ ભાગ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો