દૃષ્ટિકોણ : પ્રધાનમંત્રી મોદીની હિંદુત્વવાદી રાજનીતિ નબળી પડી રહી છે ?

નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી રાજનીતિ

ઇમેજ સ્રોત, AFP

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી છે કે કેન્દ્ર સરકારના પ્રદર્શન બાબતે લોકોનો અભિપ્રાય ઝડપથી બદલાઈ રહ્યો છે.

આરએસએસએ તાજેતરમાં ત્રિદિવસીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સંઘ અને તેની સાથે જોડાયેલાં સંગઠનોનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ સંગઠનોનાં પ્રતિનિધિઓનાં અહેવાલોની ગહન સમીક્ષા કરી હતી.

જાણકારો પાસેથી મળેલી વિગતો અનુસાર આરએસએસએ પાર્ટીને કહ્યું છે કે, આર્થિક મંદી, બેરોજગારી, મોટી ચલણી નોટો પર પ્રતિબંઘ વગેરેના નકારાત્મક પરિણામો આવ્યા છે અને ખેડૂતોની સમસ્યાઓ પણ મોટા મુદ્દા તરીકે આકાર લઈ રહી છે.

મોદી સરકારને સવાલ

જે લોકો વર્તમાન સરકારના સમર્થક છે તેઓ પણ સરકારના પ્રદર્શન વિશે હવે સવાલો પૂછી રહ્યા છે. નોટબંધીનો પ્રચાર એ રીતે કરાયો હતો કે આ નિર્ણય કરોડો રૂપિયાનું કાળું નાણું જપ્ત કરશે અને દેશ માટે લાભદાયી નીવડશે. આ પગલાંની નિષ્ફળતા પછી લોકોને છેતરાયા હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

મોદી સરકારને સત્તા સંભાળ્યાના ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે અને તે સમયગાળામાં દેશનું અર્થતંત્ર સુસ્ત અવસ્થામાં જતું રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલાં ત્રણ મહિનામાં દેશનો આર્થિક વિકાસ ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તર પહોંચી ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images

નવાં-નવાં અનેક નારા

આવનારા ત્રણ મહિનામાં પણ આ પ્રકારની મંદીના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. દેશની નિકાસ ઓછી થઈ રહી છે. સરકાર રોજગારીની તકોનું નિર્માણ નથી કરી શકી તો બીજી તરફ કૃષિથી લઈ ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્ર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

બેંકમાં જમા કરેલી રકમ પર મળનારું વ્યાજ સરકારે ઓછું કરી નાંખ્યું છે પરંતુ બેંક તરફથી મળનારી લોનના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરાયો. લાખો મકાન તૈયાર છે પરંતુ તેને ખરીદનાર કોઈ નથી. દેશની ઘણી મોટી કંપનીઓ દેવાદાર બની ગઈ છે. મોદી સરકારે ગત ત્રણ વર્ષમાં સંખ્યાબંધ નારાં આપ્યાં છે. પરંતુ વાસ્તવિક પરિવર્તન માટે હજુ સુધી કોઈ મક્કમ પગલાં લેવાયા હોય તેવું લાગતું નથી.

રાજકીય ચમત્કાર

મોદી અને તેમની પાર્ટીએ ગત વર્ષોમાં વિરોધીઓને પરાસ્ત કર્યા છે. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે તેવી આશાનાં કિરણ તરીકે તેઓ લોકો સમક્ષ રજૂ થયા. તેઓ લોકોની આશાઓ વધારી રહ્યા છે જેથી લોકો તેમના તરફથી કોઈ રાજકીય ચમત્કારની આશા રાખે. આગામી લોકસભા ચૂંટણીઓ આડે હવે બે વર્ષનો સમય છે. મોદી અને તેમના સાથી અમિત શાહ અગાઉથી જ આ ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છે.

ભારતીય રાજનીતિમાં અત્યારે હિંદુત્વ તેની ચરમસીમા પર છે અને સરકારે ગત ત્રણ વર્ષમાં આરએસએસના હિંદુત્વના એજન્ડાને આગળ વધાર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુત્વનું રાજકારણ

આ જ એજન્ડાના કારણે તેમને દેશના ઘણાં વિસ્તારોમાંથી સમર્થન મળ્યું પરંતુ કેટલાંક વિશ્લેષકોનું માનવું છે કે હિંદુત્વવાદી રાજકારણના કારણે કેટલીક હદે નુકસાન પણ છે. મોદી રાજકારણના અનુભવી ખેલાડી છે. તેમને પ્રતીતિ છે કે હકીકતમાં શું ચાલી રહ્યું છે અને તેમના વર્તનમાં પણ આ વાતની અસર દેખાય છે.

થોડાં દિવસો પહેલાં મ્યાનમારના પ્રવાસ દરમિયાન મોદીએ રંગૂનમાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના મકબરાની મુલાકાત લીધી છે. વધુ જૂની વાત નથી પરંતુ ભારતમાં મુઘલ બાદશાહોને અપરાધી તરીકે દર્શાવાતા રહ્યા છે.

સરકારનો વિરોધ

જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અમદાવાદ આવ્યા ત્યારે મોદી તેમને 16મી સદીની સીદી સૈયદની મસ્જિદની મુલાકાતે લઈ ગયા તો બીજી તરફ કાશ્મીરમાં અચાનક વાતચીતની પહેલ કરવામાં આવી છે. નવા મંત્રીઓને કેબિનેટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને ઘણાં મંત્રીઓના વિભાગ બદલી દેવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાન અને અન્ય રાજ્યોના ખેડૂતોએ પ્રદર્શન શરૂ કરી દીધા છે. આવનારાં કેટલાંક દિવસોમાં સંઘના સ્વયંસેવકો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ઔદ્યોગિક જગત સાથે સંબંધો ધરાવતું ભારતીય મીડિયા હજુ પણ વિપક્ષ વિરોધી અને મોદી સમર્થક છે, પરંતુ લાંબા સમય સુધી આ ચલણ પ્રધાનમંત્રીની લોકપ્રિયતા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

મોદીની લોકપ્રિયતા આજે પણ ઘણી મજબૂત છે, પરંતુ આગામી લોકસભા ચૂંટણી માત્ર આ આધાર પર જ જીતી શકાય તેમ નથી. એક સમયના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સર્વાધિક લોકપ્રિયતા છતાં વર્ષ 2004માં ભાજપને પરાજય મળ્યો હતો.