જગદીશ ત્રિવેદી : બે વખત નાપાસ થયા બાદ ત્રણ વખત પીએચ.ડી કર્યું

હાસ્યકાર જગદીશ ત્રિવેદીની તસવીર Image copyright HIREN SHAH

હાસ્યકારો કોઈ વાતને ગંભીરતાથી નથી લેતા તે વાત ગુજરાતી હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ ખોટી પુરવાર કરી છે.

જગદીશ ત્રિવેદી અગિયારમા અને બારમા ધોરણમાં નાપાસ થયા ત્યારે તેમણે આ નિષ્ફળતાને ઘણી ગંભીરતાથી લીધી અને ત્રણ-ત્રણ વખત પીએચ.ડીની ડિગ્રી મેળવી.

નાપાસ થયા બાદ તેમણે નક્કી કર્યું હતું કે હું સાબિત કરીશ કે ભલે હું નાપાસ થયો પણ હું ઠોઠ નિશાળીયો નથી.

જગદીશ ત્રિવેદી મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના વતની છે.

તેમણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે તેઓ બે વખત પીએચ.ડીની ડિગ્રી મેળવીને સાબિત કરશે કે તેમને જે કોઈપણ વિષયમાં રસ છે તેમાં તેઓ પારંગત બનીને રહેશે.

તમને આ પણ વાંચવું ગમશે

રસપ્રદ વાત એ છે કે જગદીશ ત્રિવેદીએ બે વખત નહીં પણ ત્રણ-ત્રણ વખત પીએચડીની ડિગ્રી મેળવીને તેમનો નિશ્ચય પૂરો કર્યો.

Image copyright HIREN SHAH
ફોટો લાઈન પત્ની નીતાબેન સાથે જગદીશ ત્રિવેદી

જગદીશ ત્રિવેદી અહોભાવ સાથે કહે છે કે "મારે તો એટલું જ કહેવું હતું કે તમને જે વિષયમાં રસ હોય તેને વળગી રહો અને નિરાશ ન થાવ.

મને વિજ્ઞાનના વિષયો ભણવામાં જરાય રસ ન હોવાથી હું નાપાસ થયો હતો. મને તો આર્ટસમાં રસ હતો.

મારા ગમતા ત્રણ વ્યક્તિઓ - શાહબુદ્દિન રાઠોડ, મારા નાના દેવશંકર મહેતા અને રામકથાકાર મોરારિબાપુ પર થીસિસ (મહાશોધનિંબધ) લખીને મેં પીએચડીની ત્રણ ડિગ્રી મેળવી છે."

"આ ત્રણેય મહાનુભાવોને મારા સંશોધનના વિષય તરીકે પસંદ કરી મેં તેમને મારી અંજલિ આપી છે".

જગદીશ ત્રિવેદીએ હરીવંશરાય બચ્ચનની દીર્ઘ કાવ્યરચના 'મધુશાલા'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

જે જગદીશ ત્રિવેદી બે-વખત નાપાસ થયા હતા તેમનો લખેલો એક લેખ હવે મહારાષ્ટ્ર રાજ્યના નવમા ધોરણના ગુજરાતી વિષયમાં પાઠ તરીકે ભણાવવાનું આ વરસથી શરૂ થયું છે.

આ લેખનું શિર્ષક છે 'ચોરને માલુમ થાય કે'. આજ રીતે ગુજરાત રાજ્યના શાળા અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં તેમનો લખેલો લેખ 'ફાટેલી નોટ' એક પાઠ સ્વરૂપે છેલ્લા સાતેક વર્ષથી ભણાવાય છે.

Image copyright HIREN SHAH
ફોટો લાઈન નવલકથાકાર દેવશંકર મહેતા પર જગદીશ ત્રિવેદીનો શોધનિબંઘ

આ મહિને તેઓ પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે પચાસથી વધુ પુસ્તકો લખ્યા છે.

જગદીશ ત્રિવેદીને તેમના હાસ્ય-સર્જન માટે ગુજરાતી સાહિત્ય પરિષદના 'જ્યોતિન્દ્ર દવે' પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અનુભવના નિચોડ સાથે જગદીશ ત્રિવેદી જણાવે છે કે "પરીક્ષામાં નાપાસ થવાથી અને તેના ડરથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે પણ હું તેમને કહેવા માગું છું કે નિરાશ ન થાવ. નક્કી કરો કે તમને કયા વિષયમાં રસ પડે છે. તે જાણો અને આગળ વધો. તમને સફળતા જરૂર મળશે જ'.

તેમણે વધુમાં કહ્યું કે "હવે પછીનું મારું જીવન સમાજને સમર્પિત છે. હું હાસ્યના જે કોઈ કાર્યક્રમ આપીશ તે સમાજના સદ્કાર્યો માટે હશે.

આ કાર્યક્રમોમાંથી થનારી આવક સેવાના કાર્યો માટે દાનમાં આપીશ.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા