પત્નીને મળવા સાઇકલ પર ભારતથી યુરોપ પહોંચ્યો

પી.કે. મહાનંદીયા અને શાર્લોટ Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન પી.કે. મહાનંદીયા અને શાર્લોટ વર્ષ 1975માં દિલ્હીમાં પ્રથમવાર મળ્યા.

ભારતીય ચિત્રકાર પી.કે. મહાનંદીયા અને શાર્લોટ વૉન સ્કેડવીનની મુલાકાત વર્ષ 1975માં દિલ્હીમાં શિયાળાની એક સાંજે થઈ.

શાર્લોટ એક ચિત્ર બનાવડાવવા મહાનંદીયા પાસે આવી હતી.

શાર્લોટ વૉન સ્કેડવીન તેના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીની મુલાકાતે આવી ત્યારે તે કનોટ પ્લેસમાં પી.કે. મહાનંદીયાને મળી હતી.

તમને આ વાંચવું પણ ગમશે :

મહાનંદીયાએ તે સમયે એક સ્કેચ આર્ટિસ્ટ તરીકે સારી નામના મેળવી હતી.

સ્થાનિક સમાચારોમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળતો.

દસ મિનિટમાં સ્થળ પર પોટ્રેટ બનાવી આપવાના મહાનંદીયાના દાવાથી અંજાઈને શાર્લોટે તેની પાસે પોટ્રેટ તૈયાર કરાવવાનું વિચાર્યું હતું.

એ દિવસે બનેલું પોટ્રેટ સાધારણ લાગતા તેણે બીજા દિવસે ફરી આવવાનું નક્કી કર્યું.

અલબત્ત બીજા દિવસે પણ પોટ્રેટ ઠીકઠાક જ બન્યું હતું.

Image copyright PK MAHNANDIA
ફોટો લાઈન સ્કેચ આર્ટિસ્ટ તરીકે મહાનંદીયાને સારી એવી નામના મળી હતી

જો કે આ ઘટનાના બચાવમાં મહાનંદીયા કહે છે, “મારી માતાએ વર્ષો પહેલાં કરેલી એક આગાહીના કારણે મારૂં મન પોટ્રેટ બનાવવામાં નહોતું લાગ્યું.”

મહાનંદીયાનો ઉછેર અને શિક્ષણ ઓરિસ્સાના એક નાનકડા ગામમાં થયો હતો.

દલિત હોવાના કારણે વિદ્યાર્થીકાળમાં તેમણે સવર્ણ વિદ્યાર્થીઓ દ્વારા કરાતા કેટલાક ભેદભાવનો પણ સામનો કર્યો હતો.

તે જ્યારે પણ આ વાતથી દુઃખી થતો ત્યારે તેની માતા તેને કહેતી કે તેના જન્માક્ષર પ્રમાણે તે વૃષભ રાશિની યુવતી સાથે લગ્ન કરશે.

તે યુવતી દૂરના કોઈ પ્રદેશથી આવશે અને સંગીતપ્રેમી હશે.

ઉપરાંત તે જંગલની માલિક પણ હશે.

જ્યારે તે શાર્લોટને મળ્યા ત્યારે તરત જ તેમના મનમાં આ વાત યાદ આવી.

તેથી મહાનંદીયાએ તેને તરત જ પૂછ્યું કે તેની પાસે જંગલની માલિકી છે કે નહીં.

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન ભારતના તત્કાલીન કાર્યકારી રાષ્ટ્રપતિ બી.ડી. જત્તીનું રેખાચિત્ર મહાનંદીયાએ બનાવ્યું હતું.

શાર્લોટનો પરિવાર સ્વીડનના ઉમરાવ પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે.

શાર્લોટે જવાબ આપ્યો કે તે પોતે જંગલની માલિક છે અને તે સંગીતપ્રેમી પણ છે.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન મહાનંદીયા કહે છે કે “શાર્લોટને મળ્યો ત્યારે મારા અંતરાત્માનો અવાજ કહેતો હતો કે શાર્લોટ મારા માટે જ બની છે. પહેલી મુલાકાતમાં જ અમે એકબીજા પ્રત્યે ચુંબકીય આકર્ષણ અનુભવ્યું હતું. ખરા અર્થમાં તે પહેલી નજરનો પ્રેમ હતો.“

તેમણે કહ્યું, “મને હજી પણ ખબર નથી કે કયા ભાવાવેશમાં મેં તેને પ્રશ્નો પૂછ્યા અને ચા પીવા માટે આમંત્રણ આપ્યું. લાગતું હતું કે તે કદાચ પોલીસ ફરિયાદ કરશે.''

પરંતુ તેનો પ્રતિભાવ તદ્દન વિપરિત હતો.

બીબીસી સાથેની વાતચીત કરતાં શાર્લોટ કહે છે, “મેં વિચાર્યું કે આ વ્યક્તિ પ્રામાણિક છે, ઉપરાંત હું જાણવા માગતી હતી કે તેણે મને પ્રશ્નો શા માટે પૂછ્યાં.”

થોડી મુલાકાતો પછી તે મહાનંદીયા સાથે ઓરિસ્સા જવા તૈયાર થઈ જ્યાં તેણે કોણાર્કનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર જોયું.

શાર્લોટ કહે છે, “જ્યારે મહાનંદીયાએ મને કોણાર્ક બતાવ્યું ત્યારે હું અત્યંત ભાવવિભોર બની ગઈ હતી. લંડનમાં અભ્યાસ દરમિયાન મારા સ્ટુડન્ટ રૂમમાં એક ફોટોગ્રાફ હતો જેમાં આ મંદિરમાં આવેલું પથ્થરનું પૈડું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ જગ્યા ક્યાં આવી છે. પરંતુ આખરે હું તે જગ્યા પર આવીને ઉભી હતી.“

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન સિત્તેરના દાયકાના ઘણાં વર્તમાનપત્રોમાં મહાનંદીયાનો ઉલ્લેખ થયો છે.

બાદમાં બન્ને પ્રેમમાં પડ્યા અને થોડા દિવસો ઓરિસ્સામાં વીતાવ્યા બાદ દિલ્હી પરત આવ્યા.

મહાનંદીયા કહે છે, "શાર્લોટ મારા પિતાને પહેલીવાર મળી ત્યારે તેણે સાડી પહેરી હતી. હજી પણ હું તે જાણવાનો પ્રયત્ન કરું છું કે તે સાડી કેવી રીતે સંભાળી શકી. પિતા અને પરિવારના આશિર્વાદ મેળવી અમે આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન કર્યા."

તે સમયે પ્રખ્યાત હિપ્પી માર્ગ દ્વારા પ્રવાસ કરી શાર્લોટ તેના મિત્રો સાથે ભારત આવી હતી. તે સમયે હિપ્પીઓ યુરોપ, ટર્કી, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈ બાવીસ દિવસે ભારત પહોંચતા.

શાર્લોટ મિત્રો સાથે વતન પરત પહોંચી પરંતુ જતાં-જતાં મહાનંદીયા પાસેથી એવો વાયદો પણ લીધો કે મહાનંદીયા પણ સ્વીડનના બોરસ શહેર સુધી આવશે.

બોરસ એક સમયે ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે ઘણું જાણીતું હતું.

એક વર્ષ સુધી તો બન્ને પત્રોના માધ્યમથી સંપર્કમાં રહ્યા પરંતુ મહાનંદીયા પાસે પ્લેનની ટિકિટ ખરીદવાના પણ રૂપિયા નહોતા.

પોતાની પાસે રહેલો તમામ સામાન વેચી તેણે સાયકલ ખરીદીને હિપ્પી માર્ગ દ્વારા સ્વીડન જવાનો નિર્ણય કર્યો.

1977ની 22મી જાન્યુઆરીએ મહાનંદીયાએ સાઇકલ પ્રવાસ શરૂ કર્યો અને રોજના 70 કિલોમીટરનું અંતર કાપવાનો નિર્ધાર કર્યો.

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન મહાનંદીયાએ અફઘાનિસ્તાનના માર્ગે સાયકલ પર પ્રવાસ ખેડ્યો

મહાનંદીયા જણાવે છે કે "રસ્તામાં મારી કળાએ મને સાચવ્યો. મેં લોકોના પોટ્રેટ બનાવ્યા અને તેના બદલામાં મને પૈસા, ખોરાક અથવા આશરો મળતો રહ્યો. મહાનંદીયા કહે છે કે 70ના દાયકાનું વિશ્વ તદ્દન અલગ હતું. જેમ કે મોટાભાગના દેશોમાં પ્રવેશવા માટે ત્યારે વિઝાની જરૂરિયાત નહોતી."

તેમણે કહ્યું, "તે સમયનું અફઘાનિસ્તાન તદ્દન અલગ હતું. એકદમ શાંત અને નયનરમ્ય. તે સમયના લોકો કળાપ્રેમી હતા અને મોટાભાગના વિસ્તારોમાં જૂજ વસતી હતી."

વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું, "અફઘાનિસ્તાનના લોકો હિન્દી સમજતા હતા, પરંતુ ઇરાનમાં પ્રવેશતાં જ વાતચીત કરવામાં સમસ્યાઓ થવા લાગી. ત્યારે પણ કળા મારી મદદે આવી. મને લાગે છે કે પ્રેમ વૈશ્વિક ભાષા છે અને લોકો તેને સમજે છે."

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન હિપ્પી માર્ગ પર ઘણી સુવિધાઓ મળી રહેતી

તેમણે કહ્યું કે, "તે સમય અલગ હતો. મને લાગે છે કે ત્યારે મારા જેવા પ્રવાસી સાથે સમય વીતાવવા માટે લોકો પાસે સમય હતો."

જ્યારે તેમને પૂછ્યું કે, એમને ક્યારેય થાક લાગ્યો?

"હા, ઘણીવાર. મારા પગમાં દુઃખાવો થતો રહ્યો પરંતુ શાર્લોટને મળવાની અને નવી-નવી જગ્યાઓ જોવાની ઈચ્છાએ મને દોડતો રાખ્યો."

અંતે 28મી મેના રોજ તે યુરોપ પહોંચ્યા. ઇસ્તંબુલ અને વિયેના થઈ તે ત્યાં પહોંચ્યા અને ટ્રેન દ્વારા ગોથનબર્ગ પહોંચ્યા. શાર્લોટના માતા-પિતાને પ્રભાવિત કરવામાં પ્રારંભિક થોડી મુશ્કેલી બાદ તેમણે સ્વીડનમાં લગ્ન કર્યા.

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન મહાનંદીયા હાલ સ્વીડનમાં ચિત્રકાર તરીકે કામ કરે છે

"મને યુરોપિયન સંસ્કૃતિ વિશે કોઈ જાણકારી નહોતી. મારા માટે બધુ નવું હતું પરંતુ શાર્લોટે મને દરેક તબક્કે મદદ કરી. 1975માં હું તેને જેટલો પ્રેમ કરતો હતો તેટલો જ પ્રેમ અત્યારે પણ કરું છું."

64 વર્ષના પી.કે.મહાનંદીયા હવે શાર્લોટ અને બે બાળકો સાથે સ્વીડનમાં રહે છે. સાથે-સાથે ચિત્રકાર તરીકે કામ કરવાનું પણ ચાલુ રાખ્યું છે.

Image copyright PK MAHANANDIA
ફોટો લાઈન મહાનંદીયા અને શાર્લોટની વર્ષ 2014ની તસવીર

તેમને હજુ પણ એ વાત નથી સમજાતી કે સાઇકલ દ્વારા યુરોપ પહોંચવું મોટી વાત શા માટે છે?

મહાનંદીયા કહે છે "મને જે યોગ્ય લાગ્યું તે કર્યું. મારી પાસે પૈસા નહોતા પરંતુ મારે તેને મળવું હતું. પ્રેમ માટે હું સાઇકલ ચલાવતો રહ્યો પરંતુ સાઇકલિંગને ક્યારેય પ્રેમ ન કર્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો