ઍપ દ્વારા દસ હજાર બાળકોને સંભળાવે છે વાર્તાઓ

સરલા મિન્ની

જો તમને કોઈ કહે કે હું દસ હજાર બાળકોની નાની છું તો તમારી શું પ્રતિક્રિયા હશે? ચોક્કસથી તમારી આંખો ફાટી રહી જશે. પણ આ નાની કંઈક અલગ છે.

તેમણે આટલા બાળકો સાથે આ સંબંધ વાર્તાઓ સંભળાવીને જાળવ્યો છે. 62 વર્ષીય સરલા મિન્ની આ દાવો કરે છે.

તેમના કહેવાનો મતલબ છે કે તેમની વાર્તાઓ ઘણા બાળકો સાંભળે છે અને તેઓ તેમને 'નાની' માને છે.

આજના જમાનામાં પરિવાર વિભક્ત થઈ ગયા છે. પતિ અને પત્ની અને તેમના બાળકો પોતાની અલગ દુનિયામાં રહે છે.

તો દાદી-નાનીઓની દુનિયા પણ અલગ હોય છે. ત્યારે આજના સમયમાં વાર્તાઓ સાંભળવાનો અને સંભળાવવાનો રિવાજ તો લગભગ પૂરો જ થઈ ગયો છે.

પરંતુ સરલા આજે પણ આ કામને ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને હજારો બાળકોને વાર્તાઓ સંભળાવી રહ્યા છે.

સરલા મૂળ રાજસ્થાનના છે અને હાલ બેંગાલુરૂમાં રહે છે. તેઓ હિન્દી તેમજ અંગ્રેજીમાં વાર્તાઓ સંભળાવે છે.

આ રીતે થઈ શરૂઆત

સરલાએ બીબીસીને જણાવ્યું, "હું મારા ભાઈના બાળકો અથવા તો મારી ભત્રીજીઓને લાંબા સમય સુધી વાર્તાઓ સંભળાવી રહી હતી. પરંતુ 21 માર્ચ 2017ના રોજ હું વાર્તાઓ વાળી નાની બની ગઈ."

"એ ત્યારે થયું, જ્યારે મેં વાર્તાઓ રેકોર્ડ કરી તેમને એક એપ્લીકેશનના માધ્યમથી ઑન-લાઇન મોકલવાનું શરૂ કર્યું."

વાર્તાઓ સંભળાવવાનું ત્યારે શરૂ કર્યું જ્યારે તેમની સુરતમાં રહેતી એક ભત્રીજીએ તેમને વાર્તા રેકોર્ડ કરી મોકલવા કહ્યું.

ભત્રીજી પારૂલે આ વાર્તા પોતાના મિત્રો સાથે શેર કરી. પછી તો એ વાર્તા એટલી શેર થઈ કે સરલાએ પોતાની એપ્લીકેશન બનાવવી પડી.

સરલાનું માનવું છે કે બાળકોને જ્યારે કંઈક કરવાથી રોકવામાં આવે તો તેઓ નથી માનતા.

તેઓ કહે છે, "જો તમે તેમને કહેશો કે સમય પર તમારું કામ પુરું કરો, તો તેઓ નહીં કરે. પરંતુ જો તમે તેમને વાર્તા સંભળાવશો તો તેઓ ચોક્કસથી સાંભળશે."

ઉદાહરણ તરીકે સરલા બિટ્ટૂની વાત કરે છે, જે હંમેશા કોઈપણ કામને ટાળી દે છે. જો તેને કંઈ કરવાનું કહેવામાં આવે તો તે કહે છે- એક મિનિટ.

તે પાઠ ત્યારે શીખે છે જ્યારે એક દિવસ તેના પિતા પણ કોઈ કામને લઈને કહે છે- એક મિનિટ. આ રીતે તેને એહસાસ થયો કે તે શું કરી રહ્યો છે.

સરલા કહે છે, "આ વાર્તા પર ખૂબ સારી પ્રતિક્રિયાઓ આવી હતી. બાળકોએ લખ્યું કે તેઓ બિટ્ટૂ નહીં બને. વાર્તાઓનો બાળકો પર પ્રભાવ પડે છે અને તેઓ સારી વાતો પણ શીખે છે."

ક્યાંથી લાવે છે વાર્તાઓ ?

હવે તમારા મનમાં સવાલ થતો હશે તે સરલા વાર્તાઓ આખરે લાવે છે ક્યાંથી ?

સરલા કહે છે, "કેટલીક વાર્તાઓ તો મેં મારા બાળપણમાં સાંભળી હતી. જ્યારે હું મોટી થઈ તો મેં ઘણી વાર્તાઓ વાંચી હતી.

હું હજુ સુધી વાર્તાઓ વાંચુ છું. દરેક વાર્તાની ઘણી આવૃત્તિઓ હોય છે. કેટલીક વાર્તાઓમાં હું પોતે ફેરફાર કરૂં છું, તેમાં થોડો મસાલો ઉમેરી તેને બાળકોને સંભળાવું છું."

પ્રતિક્રિયા એટલી સારી મળી છે કે સરલા અત્યાર સુધી 50 કરતા વધારે વાર્તાઓ સંભળાવી ચૂક્યા છે. બાળકો અને તેમના માતા પિતા જવાબ મોકલે છે અને કહે છે કે નાનીની યાદ આવી ગઈ.

કન્નડ કવયિત્રી અને નાટકકાર મમતા સાગર કહે છે, "એ વાતમાં કોઈ શંકા નથી કે વાર્તા સાંભળવાથી બાળકો પર ખૂબ સારી અસર પહોંચે છે. તેનાથી બાળકોની કલ્પનાશક્તિમાં પણ વધારો થાય છે."

"આજના જમાનાને અનુરૂપ ઢાળવામાં આવેલી દાદી-નાનીઓની વાર્તાઓ બાળકો સાથે સંવાદ સ્થાપિત કરવાનું સૌથી સારું માધ્યમ છે."

ઘણા લોકો થઈ રહ્યા છે પ્રેરિત

સરલા માને છે કે આ જમાનામાં દાદી અને નાનીઓ બાળકોની નજીક નથી. તેઓ જણાવે છે કે એવી ઘણી નાનીઓએ કહ્યું છે કે તેમની પાસે વાર્તાઓ જ નથી. કેટલીક નાનીઓએ કહ્યું કે તેઓ પણ વાર્તા સંભળાવવા માગે છે.

તેઓ કહે છે, "અમે દાદી અને નાનીઓને કહી રહ્યા છીએ કે વાર્તાઓ રેકોર્ડ કરીને મોકલે. ઑડિશન ક્લિયર કર્યા બાદ અમે તેમની વાર્તાઓ પણ ઍપ્લિકેશન પર મૂકીશું.

અથવા તો હું પોતે એ વાર્તાઓને સંભળાવીશ અને વાર્તા મોકલનારી વ્યક્તિને ક્રેડિટ પણ આપવામાં આવશે."

સરલાએ કહ્યું, "મને બાળકોથી ખૂબ પ્રેમ છે અને તેમને વાર્તાઓ સંભળાવીને મને આનંદ મળે છે. હું ઇચ્છું છું કે અન્ય લોકોને પણ આ આનંદ મળે."