ટ્રેંડિંગઃ યશવંત સિંહાએ કરી અરુણ જેટલીની રેવડી દાણાદાણ

Image copyright AFP

અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણા પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ કેન્દ્રના વર્તમાન નાણા પ્રધાન અરુણ જેટલી વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે.

અંગ્રેજી દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસમાં લખેલા એક લેખમાં તેમણે જણાવ્યું છે કે દેશનું અર્થતંત્ર ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. ભાજપમાં આ વાત ઘણા લોકો જાણે છે, પણ ડરને કારણે કંઈ કહેશે નહીં.

યશવંત સિંહાએ લખેલા લેખનું શિર્ષક છે - 'I need to speak up' - હવે મારે બોલવું પડશે.

તમને આ પણ વાંચવું ગમશે.

તેમણે લખ્યું છે કે, “દેશના નાણા પ્રધાને અર્થતંત્રની હાલત એટલી ખરાબ કરી નાખી છે કે હવે હું ચૂપ રહીશ તો એ રાષ્ટ્રીય કર્તવ્ય સાથે અન્યાય ગણાશે.“

Image copyright AFP

યશવંત સિંહાએ લખ્યું છે કે “ભાજપ અને બીજા લોકો જે માને છે પણ ડરને કારણે જે વાત નહીં કહે એ વાત જ હું કહી રહ્યો છું. તેની મને ખાતરી છે.”


'ચૂંટણી હાર્યા છતાં જેટલીને મળી તક '

તેમણે લખ્યું છે કે અરુણ જેટલીને સરકારમાં બેસ્ટ ગણવામાં આવતા રહ્યા છે. નવી સરકારમાં અરુણ જેટલી નાણા પ્રધાન બનશે એની ખબર 2014ની ચૂંટણી પહેલાં પડી ગઈ હતી. જોકે, તેઓ અમૃતસરથી ચૂંટણી હારી ગયા હતા, પણ એ બાબત તેમની નિમણૂંક આડે આવી ન હતી.

Image copyright AFP

યશવંત સિંહાએ સ્મૃતિને સંભારતાં લખ્યું છે “અટલ બિહારી વાજપેયીએ તેમના નજીકના સહયોગી જસવંત સિંહ અને પ્રમોદ મહાજનને એ પરિસ્થિતિમાં કેબિનેટમાં સ્થાન આપ્યું ન હતું.”


એક સાથે ચાર મંત્રાલયની જવાબદારી સામે સવાલ

તેમણે લખ્યું કે મોદી સરકારમાં જેટલી કેટલા જરૂરી છે તેનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે, તેમને ચાર મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ હજુ તેમની પાસે છે.

યશવંત સિંહાએ લખ્યું છે કે, “હું નાણા પ્રધાન તરીકે કામ કરી ચૂક્યો છું એટલે જાણું છું કે માત્ર નાણા મંત્રાલયમાં જ કેટલાં કામ હોય છે. કેટલી મહેનત કરવી પડે છે. કેટલા પડકારોનો સામનો કરવાનો હોય છે. નાણા પ્રધાન તરીકે એવી વ્યક્તિની જરૂર હોય છે, જે માત્ર નાણા મંત્રાલયના કામકાજ પર ધ્યાન આપે. આ પરિસ્થિતિમાં જેટલી જેવા સુપરમેન પણ એ કામ એકલેહાથે ન કરી શકે.”

ભૂતપૂર્વ નાણા પ્રધાને લખ્યું છે કે અરુણ જેટલી અનેક બાબતોમાં સદનસીબ નાણા પ્રધાન છે, કારણ કે તેમને અનુકૂળ પરિસ્થિતીમાં કામ કરવા મળ્યું છે, પણ એ બધું નકામું કરી નાખવામાં આવ્યું છે.


નોટબંધી, જીએસટીના મુદ્દે ઝાટકણી

તેમણે લખ્યું છે કે ''આજે અર્થતંત્રની હાલત કેવી છે? પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. ખેતી કટોકટીની સ્થિતિમાં છે. કન્સ્ટ્રક્શન અને બીજાં સર્વિસ સેક્ટર્સના વિકાસની ગતિ ધીમી પડી રહી છે. એક્સપોર્ટ મુશ્કેલીમાં છે. નોટબંધી નિષ્ફળ સાબિત થઈ છે અને ઉતાવળે અમલી બનાવવામાં આવેલા જીએસટીએ અનેકને ડૂબાડી દીધા છે. રોજગાર છીનવાઈ ગયા છે. નવી તકો જોવા મળતી નથી.”

Image copyright Indian Express

યશવંત સિંહાના જણાવ્યા મુજબ “એક પછી એક ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદર ઘટી રહ્યો છે. સરકારના લોકો કહી રહ્યા છે કે, તેનું કારણ નોટબંધી નથી. તેમની વાત સાચી છે. આ તો પહેલાથી શરૂ થઈ ગયું હતું. નોટબંધીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.”

અર્થતંત્રની ગતિ ધીમી પડવાનું ટેક્નિકલ કારણ ભૂતપૂર્વ નાણા પ્રધાને આગળ જણાવ્યું છે અને એ પણ લખ્યું છે કે વડાપ્રધાન પણ આ બાબતથી ચિંતિત છે.

જો કે, સિંહાના આ લેખ બાદ કોન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ અરુણ જેટલી પર નિશાન તાકવામાં જરાય રાહ જોઈ નથી.

Image copyright Twitter

યશવંત સિંહાનો લેખ ટ્વિટર પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે “હું તમારો કો-પાયલટ અને નાણા પ્રધાન બોલી રહ્યો છું. તમારા સીટ બેલ્ટ બાંધી લો અને તૈયાર થઈ જાઓ. આપણા વિમાનની પાંખો ગૂમ થઈ ગઈ છે.”


કોન્ગ્રેસને ગમતું મળ્યું

યશવંત સિંહાએ અરુણ જેટલી પર સીધું આક્રમણ કર્યું છે એ દેખીતું છે. તેથી સોશિઅલ મીડિયા પર આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. યશવંત સિંહાના લેખનો કોન્ગ્રેસે પણ બરાબર ઉપયોગ કર્યો છે.

યુપીએ સરકારમાં નાણા પ્રધાન તરીકે કામ કરી ચૂકેલા પી. ચિદમ્બરમે યશવંત સિંહાનો લેખ વાંચ્યા પછી સંખ્યાબંધ ટ્વીટ્સ કરી હતી.

Image copyright AFP

તેમણે લખ્યું હતું કે “યશવંત સિંહાએ સત્તાને સત્ય જણાવી દીધું છે. અર્થતંત્ર ડૂબી રહ્યું છે એ સત્યનો સત્તા હવે સ્વીકાર કરશે? સિંહાએ જણાવેલું પહેલું સત્ય એ છે કે 5.7 ટકાનો વૃદ્ધિદર વાસ્તવમાં 3.7 ટકા કે તેથી પણ ઓછો છે. બીજું સત્ય એ છે કે, લોકોના દિમાગમાં ડર પેસાડવાની રમત શરૂ થઇ છે.”


મનીષ તિવારીએ આપ્યો ટેકો

કોન્ગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “યશવંત સિંહા સાચું કહી રહ્યા છે કે અર્થતંત્ર મુશ્કેલીમાં છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ નરેન્દ્ર મોદીના વડપણમાં અર્થતંત્રને ડૂબાડી દીધું છે. શું થઈ રહ્યું છે એની જાણ કોઈકે તો શહેનશાહને કરવાની હતી અને યશવંત સિંહાએ બરાબર એ જ કામ કર્યું છે.”

સોશિઅલ મીડિયા પર બીજા લોકો પણ યશવંત સિંહાની તરફેણ કે વિરુદ્ધમાં દલીલો કરી રહ્યા છે.

Image copyright Twitter

અભિષેક સિંહાએ જણાવ્યું હતું કે ''યશવંત સિંહાએ લખ્યું છેઃ 'વડાપ્રધાને ગરીબીને નજીકથી નિહાળી છે. બધા ભારતીયો ગરીબીને નજીકથી નિહાળી શકે એ કેન્દ્રના નાણા પ્રધાન સુનિશ્ચિત કરી રહ્યા છે.'''

Image copyright Twitter

સોશિઅલ મીડિયા પર શું ચાલે છે ચર્ચા?

Image copyright Twitter
Image copyright Twitter
Image copyright Twitter

જિતેન્દ્રએ લખ્યું હતું કે “થેન્ક યુ, યશવંત સિંહાજી. જીએસટી પછી બધું મોંઘું થઇ ગયું છે...સરકાર લૂંટી રહી છે.”

રુદ્રએ એવી ટ્વીટ કરી હતી કે “કોન્ગ્રેસે વિરોધ પક્ષ તરીકેનું કામકાજ છોડી દીધું હોય એવું લાગે છે. યશવંત સિંહા એક લેખમાં આર્થિક દુર્ઘટનાઓની વાત કરી રહ્યા છે.”

મુકુલે લખ્યું હતું કે “જે લોકો અમને યશવંત સિંહાની વાત સાંભળવા કહી રહ્યા છે, તેમણે પોતે પણ 2004માં તેમની કોઇ વાત સાંભળી ન હતી.”

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)