#LetsTalkPeriods: પાછળ 40 પુરુષો હતા, પણ મેં ડાઘ છુપાવ્યો નહીં'

મંજીતા વણઝારા Image copyright MANJITA VANZARA

દાગ અચ્છે હૈ! ખરેખર? જો એ ડાઘ માસિકના હોય તો? #letstalkperiods ની અમારી ચર્ચામાં આ સપ્તાહે જોડાયાં છે, મંજીતા વણઝારા. શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીમાં તાલિમબદ્ધ મંજીતા વણઝારાની મુખ્ય ઓળખ અમદાવાદ શહેરમાં ગુનેગારોને નાથતાં જાંબાઝ મહિલા પોલીસ અધિકારી તરીકેની છે.

મંજીતા વણઝારા, એસીપી - અમદાવાદ શહેર

એ વખતે અમદાવાદમાં ક્રાઇમ કોન્ફરન્સ ચાલું હતી.

એ કોન્ફરન્સમાં અમારે સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી સતત યુનિફોર્મમાં બેસવું પડે છે.

મારો યુનિફોર્મ જરા આછા રંગનો છે. મારા પિરિઅર્ડ્સ એ સમયે જ ચાલું થયાં.

મારા યુનિફોર્મ પર ખૂબ મોટો ડાઘ લાગ્યો અને મારી ખુરશીની સીટ પણ ભીની થઈ ગઈ. મને મારા પર શરમ આવવા લાગી.

તમે આ વાંચ્યું કે નહીં?

કારણ કે એ સમયે મારા ડિપાર્ટમેન્ટમાં હું એકમાત્ર મહિલા ઑફિસર હતી.

બધા જ પુરુષો હતા. હું એ વખતે કોને કહું? હું કેવી રીતે ઊભી થાઉં?

જ્યારે કોન્ફરન્સ પૂરી થાય, ત્યારે અમારે અમારા બૉસને ઊભા થઈને સેલ્યુટ કરવાની હોય છે.

એ સમયે મને ખૂબ જ શરમ આવતી હતી. કારણ કે, આ બાબત ખરાબ છે, તેવું સમાજે મારા મગજમાં ઠસાવી દીધું હતું. તે ગંદુ લાગી રહ્યું હતું.

એ ગંદી બાબત છે. મારો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત છે, છતાં મને શરમ આવતી હતી કે હું કેવી રીતે ઊભી થાઉં?

Image copyright MANJITA VANZARA

બધાની વચ્ચે હું સેલ્યુટ કરીશ તો મારી પાછળ લાગેલો મોટો ડાઘો બધાને દેખાશે.

પણ મેં નક્કી કર્યું કે, ભલે કોઈ મારી હાંસી ઊડાવે, હું મારી ફરજ તો બજાવીને જ રહીશ.

સેલ્યુટ કરી

એટલે મેં ઊભા થઈને મારા સિનિયરને સેલ્યુટ કરી.

મને ખબર હતી કે, જ્યાં સુધી હું નહીં નીકળું, ત્યાં સુધી કોઈ નહીં નીકળે. એટલે મેં ચાલવાનું શરૂં કર્યું.

મારી પાછળ લગભગ અમારી ફોર્સના 40 પુરુષો હતા, તેમણે બધાએ મારા યુનિફોર્મ પર લાગેલો એ ડાઘો જોયો હતો.

એ વખતે મેં મારા મનને ભારે મજબૂત બનાવી દીધું અને મારી જાતને કહ્યું કે, "મંજીતા તારે આ સ્વીકારવું જ પડશે."

હું એ વખતે વચ્ચેથી ઊભી થઈને, કોઈ ડાયરી કે ફાઇલ પાછળ એ ડાઘ છૂપાવીને નીકળી શકી હોત.

પણ મેં એમ ન કર્યું. મારા બોડીગાર્ડ કમાન્ડોએ પણ કહ્યું કે, મેડમ ડાઘ દેખાઈ રહ્યો છે.

ત્યારે મેં એને કહ્યું કે, "તુ ચિંતા ના કર. આ નેચરલ છે, મારે એ સ્વીકારવું પડશે અને આપણા લોકોએ પણ તેને ધીમે ધીમે સ્વીકારવું જ પડશે."

મારી સાથે આ થયું છે, અને મેં મારા સબ-ઑર્ડિનેટ્સને પણ કહ્યું છે કે, જ્યારે કોઈ મહિલા તેમની પાસે આ પ્રકારની રજુઆત લઈને આવે ત્યારે ડ્યૂટીમાં તેમને થોડી રીલીફ આપે.


ડાઘથી કોઈ મુશ્કેલી નથી

Image copyright MANJITA VANZARA

મને તેમની સ્થિતિ ખબર છે, કારણ કે મને તેનો અનુભવ છે.

હું આ વાત એટલા માટે કરી રહી છું, કે બધા જ લોકો એ જાણે.

કારણ કે મોટાભાગની મહિલાઓએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે.

હવે મને ડાઘથી કોઈ મુશ્કેલી નથી. મેં મારા પુરુષ બોડીગાર્ડને પણ કહી રાખ્યું છે કે, જો મારા યુનિફોર્મ પર કોઈ ડાઘ લાગે તો, સંકોચ રાખ્યા વિના મને જણાવે.

આ પ્રકારનું પરિવર્તન દરેક મહિલામાં આવવું જોઈએ. એમણે પિરિઅર્ડ્સથી શરમાવાની કે સંકોચ અનુભવવાની જરૂર નથી. એમણે એ સહજતાથી સ્વીકારવું જોઈએ. એ વિશે વાત કરવી જોઈએ.

જે મારી સાથે થયું એવું લગભગ ઘણી મહિલાઓ સાથે થાય છે.

પણ આપણો સમાજ એને ઢાંકવામાં - છુપાવવામાં માને છે.

કુદરતી રીતે શરીરમાં થયેલા ફેરફારને કારણે પડેલો ડાઘો દેખાય તો ખોટું શું છે? એમાં શરમાવા જેવું શું છે?

હું જે ફિલ્ડમાં કાર્યરત છું એમાં મહિલાઓ ઓછી છે. એમાં પણ સિનિયર લેવલે તો સાવ જ ઓછી.

મારી જૂનિયર મહિલા અધિકારીઓને પણ આવી સમસ્યાઓ આવતી જ હોય છે.

જેમ કે એક વખત અમે પોલીસ બંદોબસ્તમાં હતા.

મારી એક જૂનિયર મહિલા અધિકારીએ એના સિનિયરને વિનંતી કરી કે એને 'લેડિઝ પ્રોબ્લમ' છે, તો હળવી ડ્યૂટી આપે.


હાંસીપાત્ર બનાવી દીધી છે

Image copyright MANJITA VANZARA

તો એના સિનિયરે બધાની વચ્ચે એને ખખડાવી કે તારે ફરજ નથી બજાવવી એટલે બહાના બનાવે છે.

મહિલા જો પોતાની તકલીફ રજૂ કરે તો એને 'સિમ્પથી ગેઇનર' કહેવામાં આવે છે.

આપણા સમાજમાં પુરુષોને એ શીખવવામાં જ નથી આવ્યું કે એ દિવસોમાં મહિલાઓને માત્ર શારીરિક દુઃખ જ નહીં, માનસિક તણાવ પણ રહે છે.

એમના મનમાં સતત ચાલતું હોય છે કે, તેમને સતત બ્લીડિંગ થઈ રહ્યું છે.

તેમણે ઘેરા રંગના કપડાં નથી પહેર્યાં એટલે જો કપડાં પર ડાઘ લાગી જશે તો લોકો તેમનાં પર હસશે અને તેમણે શરમમાં મૂકાવું પડશે.

આપણે એવું વાતાવરણ સર્જ્યું છે કે, પિરિઅર્ડ્સને કુદરતી ઘટના તરીકે સ્વીકારવાને બદલે લોકોએ તેને હાંસીપાત્ર બનાવી દીધી છે, જે વધુ દુઃખ આપે છે.

આપણા ત્યાં એવો કાયદો હોવો જોઈએ કે, કોઈપણ મહિલા તેના પિરિઅર્ડ્સના દિવસોમાં જો કોઈ હળવું કામ માગે તો તેને એ મળવું જોઈએ.

તેમની સાથે યોગ્ય રીતે વર્તન થવું જોઈએ. મહિલાઓ એ સમયે કોઈ બહાનું નથી બનાવતી હોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો