દૃષ્ટિકોણઃ સંઘ અને ભણેલી વિદ્યાર્થિનીઓ વચ્ચે ઘર્ષણ વધશે

BHU GIRLS Image copyright SAMIRATMAJ MISHRA

વડાપ્રધાનના મતવિસ્તાર બનારસમાં બનેલી ઘટનાને જે લોકો બનારસ હિન્દુ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ અને વહીવટીતંત્ર વચ્ચેની ટક્કર તરીકે જુએ છે, તે ભૂલ કરી રહ્યા છે.

વાસ્તવમાં એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(સંઘ)ની વિચારધારા અને પોતાના માટે શું સારું કે ખરાબ છે તેનો નિર્ણય જાતે કરતી યુવતીઓ વચ્ચેનું ઘર્ષણ છે.

હિન્દુ રાષ્ટ્રમાં નારીશક્તિની જે કલ્પના સંઘની છે તે દેશની ભણેલી-ગણેલી છોકરીઓનાં સપનાંથી બિલકુલ વિપરીત છે.

આગામી દિવસોમાં સંઘ અને સક્ષમ યુવતીઓ વચ્ચે ઘર્ષણ વધશે અને વિસ્તરશે, એમ કહેવાનાં નક્કર કારણો છે.

સરસંઘચાલકને સંઘમાં 'પરમ પૂજ્ય' કહેવાય છે. સરસંઘચાલક આજીવન પદ પર રહે છે, અને તેમના વિચારોને 'દેવવાણી' જેટલું મહત્વ અપાય છે.

સરસંઘચાલક મોહન ભાગવતના વિચાર - “પતિ અને પત્ની એક અનુબંધથી બંધાયેલાં છે. જેમાં પતિએ પત્નીને ઘર સંભાળવાની જવાબદારી સોંપી છે અને વચન આપ્યું છે કે હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ, તને સલામત રાખીશ."

"પતિ આ કરારની શરતોનું પાલન કરતો રહે અને પત્ની આ સંબંધની શરતોને અનુસરતી રહે છે, ત્યાં સુધી પતિ તેની સાથે રહે છે, જો પત્ની કરારને તોડે ત્યારે પતિ તેને છોડી શકે છે.”

Image copyright AFP
ફોટો લાઈન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત

બીએચયુના કુલપતિ પ્રોફેસર ગિરીશ ચંદ્ર ત્રિપાઠી કહી ચૂક્યા છે કે “હું આરએસએસ સાથે જોડાયેલો છું અને મને તેનો ગર્વ છે.”

પ.પૂ. સરસંઘચાલકે જે માર્ગ દેખાડ્યો છે, તે મુજબ તેઓ યુવતીઓને 'ઘર સંભાળવાની જવાબદારી' લેવા માટે તૈયાર ન કરે એ કેવી રીતે શક્ય છે?

વિદ્યાર્થિનીઓ પર લાઠીચાર્જ બાદ બીબીસી સાથે વાત કરતા પ્રોફેસર ત્રિપાઠીએ કહ્યું કે, તે બીએચયુને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) નહીં બનવા દે. અલબત, જેએનયુ દેશની નંબર વન યુનિવર્સિટી છે.

બીએચયુમાં વિદ્યાર્થિનીઓના જીવનને સંઘની વિચારધારામાં ઢાળવાના ઘણા પ્રયાસો થયા છે. વાસ્તવમાં બીએચયુ સંઘની મોડેલ યુનિવર્સિટી છે. તેનાથી બિલકુલ વિપરીત જેએનયુ છે, જેને 'રાષ્ટ્રવિરોધી' ગણાવાઈ રહી છે.

બીએચયુના જેએનયુ બનવાનો અર્થ એવો થશે કે છોકરાઓ અને છોકરીઓ માટે એક જ નિયમ, જે કુલપતિ ત્રિપાઠીને મંજૂર નથી.

બીએચયુમાં છોકરીઓ પર જે નિયંત્રણો લદાયાં છે તેની યાદી લાંબી છે. છોકરીઓએ રાતે આઠ વાગ્યા પહેલાં કોઈ પણ સંજોગોમાં તેમની હોસ્ટેલમાં આવી જવું પડે છે.

છોકરાઓને મેસમાં માંસાહારી ભોજન મળે છે, પણ છોકરીઓને નથી મળતું. છોકરીઓ રાતે દસ વાગ્યા પછી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતી નથી.

Image copyright Getty Images

છોકરીઓએ લેખિતમાં એવી પ્રતિજ્ઞા લેવી પડે છે કે તેઓ કોઈ રાજકીય ગતિવિધિ કે વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લે. ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ ટુંકા કપડાં પહેરવા પર પણ પ્રતિબંધ છે.

બીએચયુ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પ્રારંભથી જ પરંપરાવાદી સંસ્થાઓ ગણાય છે. ત્યાં છોકરીઓ અને છોકરાઓ માટે અલગ-અલગ નિયમો છે.

પણ એવો આક્ષેપ છે કે નવેમ્બર 2014માં બીજેપીના શાસનકાળમાં વાઈસ ચાન્સેલર (વીસી) તરીકે નિમણૂંક થઈ ત્યાર પછી પ્રોફેસર ત્રિપાઠીએ એ નિયમોનો વધારે પડતી સખતાઈથી અમલ શરૂ કરાવ્યો છે.

ગર્લ્સ હોસ્ટેલમાં પણ ડ્રેસ કોડનો અમલ અને રાતે દસ વાગ્યા પછી મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ વર્તમાન વીસીએ જ લગવ્યો છે.

પ્રોફેસર ત્રિપાઠી પર 'મોરલ પોલીસિંગ' કરવાનો અને છોકરીઓ સાથે ભેદભાવયુક્ત વર્તનનો આક્ષેપ કરતી જાહેર હિતની એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, જેના સુનાવણી ચાલી રહી છે.

સંઘ અને નારીશક્તિ વચ્ચેનો સંબંધ

આરએસએસમાં મહિલાઓને પ્રવેશ નથી. કારણ કે, સંઘનું નેતૃત્વ હંમેશા બ્રમ્હચર્યનું વ્રત લેનારાઓના હાથમાં રહ્યું છે, જે માને છે કે સ્ત્રીઓ માતા કે પુત્રી હોઈ શકે છે, તેમનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી.

1936માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાંતર મહિલાઓની અલગ સંસ્થા રાષ્ટ્રીય સેવિકા સમિતિની રચના કરવામાં આવી હતી.

વરિષ્ઠ લેખક-વિચારક રામ પુનિયાની લખે છે કે, “મહિલાઓ 'સ્વયંસેવક' નહીં, પણ સેવિકા છે. તેની પાછળ એવો વિચાર છે કે મહિલાઓ સેવા કરી શકે છે, પણ સ્વેચ્છાએ નહીં, પણ પુરુષોના કહે તે પ્રમાણે.”

રાષ્ટ્રીય સેવિકા સમિતિનું નેતૃત્વ ગુમનામ જ રહ્યું છે. સમિતિનાં ઉત્તર ક્ષેત્રનાં કાર્યવાહિકા ચંદ્રકાન્તાએ આ વર્ષે જુનમાં 'ઈન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું, “બહારનાં કામ કરવાનું, પૈસા કમાવાનું કાર્ય પુરુષનું છે.

પુરુષત્વ તેનો ગુણ છે. સ્ત્રીનો ગુણ માતૃત્વ છે.”

Image copyright Getty Images

આ વર્ષના એપ્રિલથી સંઘે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારો સાથે ખાનપાન, પોશાક અને સંસ્કૃતિ બાબતે વાત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે.

તેને 'કુટુંબ પ્રબોધન' કહેવામાં આવે છે. આ અભિયાન હેઠળ પરિવારોને જણાવવામાં આવે છે કે છોકરીઓએ સાડી પહેરવી જોઈએ, શાકાહારી ભોજન કરવું જોઈએ અને જન્મદિવસે કેક કાપવા જેવી વિદેશી સંસ્કૃતિ સાથે સંકળાયેલી બાબતો ત્યાગવી જોઈએ.

એ ઉપરાંત ક્રિકેટ અને રાજકારણ બાબતે ચર્ચા કરવાના બદલે છોકરીઓએ ધાર્મિક કાર્યોમાં સમય ગાળવો જોઈએ.

'માતૃત્વ', પતિ-પરિવારની સેવા અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણની બાબતો પર વિચાર કરવો એ યુનિવર્સિટીમાં ભણતી ભાગ્યે જ કોઈ છોકરી માટે અગ્રતાક્રમે હોઈ શકે.

બીએચયુના દરવાજે વિરોધ પ્રદર્શન કરતી બધી છોકરીઓ આ 'સંસ્કારો'થી દૂર છે, 'વિદેશી સંસ્કૃતિ' તથા 'ડાબેરી વિચારધારા'થી પ્રભાવિત છે.

તેના ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન કરી રહેલી છોકરીઓમાંથી કોઈએ પણ સાડી પહેરી ન હતી.

Image copyright SAMITRATMAJ MISHRA

એ છોકરીઓની આંખોમાં મા બનવાના નહીં, કરીયર બનાવવાનાં સપનાં છે. બહુ સંઘર્ષ કરીને એ છોકરીઓ ઘરની બહાર નિકળી શકી છે.

તેઓ ગૌરવભેર જીવવા ઈચ્છે છે. હોસ્ટેલમાં રહેવાની પરવાનગી તેમને આસાનીથી નહીં મળી હોય.

આટલી ધમાલ થયા પછી ફટકા ખાઈને ઘરે પાછી ફરેલી ઘણી બધી છોકરીઓ પર મોં બંધ કરીને રહેવાનું કે અભ્યાસ છોડીને ઘરે પાછા ફરવાનું જોરદાર દબાણ હશે.

જોકે, આ માત્ર બીએચયુમાં ભણતી છોકરીઓની જ વાત નથી. આવું દબાણ એવી દરેક જગ્યાએ હશે જ્યાં છોકરીઓ તેમનાં અધિકારો માટે આત્મવિશ્વાસથી બોલતાં શીખી ગઈ છે.

એ બધી જગ્યાએ જીવન પ્રત્યેના અભિગમની ટક્કર પણ જોવા મળશે.

બીએચયુની વિદ્યાર્થિનીઓ છેડતી સામે સલામતીની માગણી કરતી હતી. સીસીટીવી લગાવવાની માગણી કરતી હતી.

રસ્તા પર લાઈટ્સ લગાવવાની માગણી કરતી હતી, પણ સંઘનું પ્રતિનિધિત્વ કરતા વાઇસ-ચાન્સેલર છોકરીઓ સાથે વાત સુદ્ધાં કરવા તૈયાર ન હતા.

નવરાત્રીમાં દેવીની આરાધના કરતા પ્રોફેસર ત્રિપાઠીએ છોકરીઓ પરના પોલીસના લાઠીચાર્જને અટકાવ્યો ન હતો.

Image copyright RAJESH PRIYADARSHI
ફોટો લાઈન બીએચયુની વિદ્યાર્થિનીઓનું માગપત્ર

બીએચયુની વિદ્યાર્થિનીઓ સાથે જે વ્યવહાર થયો તેને કારણે દેશમાં અને ખાસ કરીને કેમ્પસોમાં રોષ છે.

ઘણા શહેરોમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ આ સંબંધે વિરોધ પ્રદર્શન કર્યું છે, જે દર્શાવે છે કે તેઓ આ ટક્કરમાં પોતાનો પક્ષ પસંદ કરી રહી છે. એ માટે તેમને કોઈ રાજકીય વલણ કે ટેકાની જરૂર નથી.

દેશની મહિલાઓ પુરુષપ્રધાન વ્યવસ્થા સામે લડી રહી છે, ડગલેને પગલે સંઘર્ષ કરી રહી છે અને ઘણી વાર વિજય મેળવી રહી છે ત્યારે હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે સબળ અને સંસ્કારી પુત્રો પેદા કરવાની ભૂમિકામાં પોતાને ધકેલવાનું તેમને કેમ સ્વીકાર્ય હોય?

આ છોકરીઓ ચાર બાળકોને જન્મ આપવાના સાક્ષી મહારાજના આહ્વાનમાં યોગદાન આપનારી માતાઓ બનવાના હેતુસર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતી નથી.

સંઘનાં બાળમંદિરોમાંથી ઉમા ભારતી અને સાધ્વી નિરંજન જ્યોતિ જ આવી શકે છે, જેમણે ક્યારેય કોઈ યુનિવર્સિટીની શોભામાં અભિવૃદ્ધિ નથી કરી.

આ છોકરીઓ ત્યાંથી ખૂબ આગળ નીકળી ચૂકી છે. તેમને આદર્શ પુત્રવધૂ કે સંસ્કારી હિન્દુ માતા બનાવવાની કોશિશ જે કોઈ યુનિવર્સિટીમાં થશે ત્યાં આ પ્રકારની ટક્કર જોવા મળશે.

જો તેમનો માર્ગ ક્યારેક ભાજપમાં જોડાશે તો તે નિર્મલા સીતારામનની જેમ જોડાશે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)