BBC સાથે ધોનીએ શેર કર્યું ટીમ સિલેક્શનનું સિક્રેટ

  • સુનંદન લેલે
  • સ્પોર્ટ્સ જર્નલિસ્ટ
વીડિયો કૅપ્શન,

ગાંધી જયંતી પર કેપ્ટન કૂલે ગાંધી અંગે વિચારો જણાવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના 'કૅપ્ટન કૂલ' તરીકે વિખ્યાત મહેન્દ્રસિંહ ધોનીનો શનિવારે 37મો જન્મદિવસ છે. ધોની એ ક્રિકેટવર્લ્ડમાં એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેને હાંસલ કરવાનું કોઈપણ ક્રિકેટરનું સપનું હોય છે.

તેમણે ભારતને ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. સ્વાભાવિક રીતે કોઈ એક ખેલાડી વ્યક્તિગત રીતે આ સિદ્ધિઓ હાંસલ ન કરી શકે, તેના માટે ટીમવર્ક મહત્ત્વપૂર્ણ બની રહે છે.

ટીમવર્કના પાયામાં ટીમનું સિલેક્શન હોય છે. અહીં મહેન્દ્રસિંહ ધોની સાથેનો ઇન્ટરવ્યૂ પ્રસ્તુત છે.

ગાંધી જયંતિ સમયે ધોનીએ તેમના ઇન્ટરવ્યૂમાં ટીમ સિલેક્શનમાં ગાંધીના વિચારોની વાત કહી હતી.

મહાત્મા ગાંધી બોલતા જ ધોનીને શું યાદ આવે?

અહિંસા, પ્રમાણિકતા, મહેનત, ખંત, દ્રઢતા, ઝઝૂમતા રહેવું. ઝઝૂમતા રહેવું એટલે તમે જો કોઈ વસ્તુ પામવાની દ્રઢ ઇચ્છા રાખતા હોવ તો તેના માટે દ્રઢતાથી સંઘર્ષ કરવો પડે.

આ ઇચ્છા મહાત્મા ગાંધીમાં હતી. લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્નશીલ રહેવાનું નામ એટલે મહાત્મા ગાંધી.

બાપુનું નામ આવતા જ તેમના બધા ગુણો તમારી સામે આપોઆપ તરવરી ઉઠે છે.

એવી જ રીતે, બધા ગુણોને જો એક વ્યક્તિનું સ્વરૂપ આપવામાં આવે તો મહાત્મા ગાંધી બને.

ધોની અને ગાંધીના વિચારો

પ્રમાણિકતા અને સત્ય સહિતના બીજા પણ ગાંધીજીના વિચારો છે, જેને હું મારા જીવનમાં અનુસરું છું.

અગાઉ પણ ઘણી વખત મેં કહ્યું છે કે હું હંમેશા વર્તમાનમાં જીવું છું. ભૂતકાળ આપણે બદલી શકતા નથી, ભવિષ્ય પર આપણો અંકુશ નથી.

પરંતુ જે અત્યારે કરું છું તેના પર મારો પૂરો અંકુશ છે. જે કરું એ સમજી વિચારીને કરું છું. તેની ભવિષ્ય પર ઘણી અસર થાય છે.

પરિણામ નહીં પણ પ્રયત્નનું મહત્ત્વ

આજકાલ બધા પરિણામલક્ષી બની ગયા છે, જેમ કે વિદ્યાર્થીઓ પર સૌથી વધારે માર્ક્સ લાવવાનું પ્રેશર હોય છે.

ક્રિકેટ મેચ દરમિયાન અમારા પર પણ ખૂબ જ પ્રેશર હોય છે.

એવામાં હું ગાંધીજીની વિચારધારાની વાત કરું તો તેમણે આપેલા 'ફુલ કમિટમેન્ટ ઇઝ ફુલ વિક્ટ્રી'ના સિદ્ધાંતને અનુસરું છું.

તમે આ વાંચ્યું કે નહીં?

મતલબ કે હું મારી રીતે પૂરી મહેનત કરું છું. મારા પ્રયત્ન પૂર્ણ છે, મારી તૈયારી પૂર્ણ છે. હું પૂર્ણ લગન સાથે કામ કરું છું.

વ્યક્તિએ પરિણામ પર નહી પરંતુ પ્રયત્ન પર ભાર મૂકવો જોઈએ. એ પછી જે પણ પરિણામ આવે તે આપણે સ્વીકારવું જોઇએ.

પરિણામ આધારે લોકોનું મૂલ્યાંકન ન કરવું જોઈએ.

ટીમમાં ગાંધીવિચાર

ટીમના વાતાવરણની વાત કરીએ તો પ્રામાણિક અસ્વીકાર પણ મહત્વની બાબત છે.

જ્યારે નક્કી કરવાનું હોય છે કે કયા 11 ખેલાડીઓને રમાડવા છે ત્યારે ઘણું અઘરું હોય છે કે કોને રમાડવા અને કોને નહીં.

ત્યારે તમે સિનિયર ખેલાડીની સલાહ લ્યો છો.

તમારા જુનિયર પણ સલાહ આપે છે. એટલે એવું નહીં કે કૅપ્ટન તરીકે મેં જે ખેલાડીઓ પસંદ કર્યા એની સાથે દરેક સહમત હોય જ.

જ્યારે તમે ટીમમાં એક લક્ષ્ય માટે કામ કરતા હોવ ત્યારે પ્રમાણિક મતભેદ હોય તે ખૂબ જ જરૂરી છે.

મને લાગતું હોય કે એક ખેલાડી કરતાં બીજા ખેલાડીને પસંદ કરવાથી ટીમનું પ્રદર્શન સુધરશે તો મારે કહેવું જોઇએ.

આખરે ટીમને ફાયદો થવો જોઇએ. એટલે ટીમમાં એક વ્યક્તિનો નિર્ણય મહત્ત્વનો તો છે જ પણ દરેકના વિચારો,સૂચનો પણ એટલા જ મહત્વના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો