ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુમાં બીબીસીની નવી સેવાઓનો પ્રારંભ

ચાર નવી ભાષાઓમાં પ્રારંભ સાથે બીબીસીની સેવાઓનો કુલ નવ ભારતીય ભાષાઓમાં વિસ્તાર થયો છે.
ફોટો લાઈન ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ એમ ચાર ભારતીય ભાષામાં નવી સેવાઓની શરૂઆત

"1940ના દશક બાદ અત્યારસુધીના" સૌથી મોટા વિસ્તરણના ભાગરૂપે બીબીસી વર્લ્ડ સર્વિસે ચાર ભારતીય ભાષામાં નવી સેવાઓ શરૂ કરી.

બીબીસી ન્યૂઝે ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ એમ ચાર ભારતીય નવી ભાષામાં ન્યૂઝ સેવાઓની શરૂઆત સાથે ભારતમાં વ્યાપક વિસ્તરણ કર્યું છે.

આ વિસ્તરણની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. બે નવા ટીવી સ્ટુડિયો સાથે દિલ્હીમાં આવેલો બ્યુરો બ્રિટનની બહાર બીબીસીનો સૌથી મોટો બ્યુરો બની ગયો છે.

જે સમગ્ર દક્ષિણ એશિયામાં વીડિયો, ટીવી અને ડિજિટલ કન્ટેન્ટ પ્રોડક્શનનું હબ બનશે.

ચાર ભાષાઓની નવી સેવાઓના પ્રારંભ સાથે બીબીસીનો કુલ નવ ભારતીય ભાષાઓમાં વિસ્તાર થયો છે.

અન્ય ભાષાઓમાં હિંદી, તામિળ, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે.

આ ચારેય નવી સેવાઓ દરરોજ 16 કલાક કાર્યરત રહેશે.

આ ચારેય ભાષાની નવી સેવાઓ ઑનલાઇન ઉપલબ્ધ રહેશે, જેમાંથી ભાષાઓમાંથી ત્રણમાં ટીવી પાર્ટનરશિપ કરાશે.

ગુજરાતમાં વર્ષ 2018ના મધ્ય સુધીમાં ગુજરાતી ટીવી ન્યૂઝ બુલેટિનનું પણ પ્રસારણ થવાની શરૂઆત થશે.

શરૂઆતમાં હિંદી અને તેલુગુ ભાષાઓમાં પાર્ટનર ટીવી સ્ટેશન પર દૈનિક અડધા કલાકનું ન્યૂઝ બુલેટિન પ્રસારિત થશે.

ભારતીય ભાષાઓ ઉપરાંત ઉત્તર કોરિયા અને આફ્રિકાની સાત ભાષાઓમાં બીબીસીની નવી સેવાઓ શરૂ થશે.

ફોટો લાઈન બીબીસીના ડાયરેક્ટર જનરલ ટોની હોલ

બીબીસીના ડાયરેક્ટર જનરલ અને બર્કનહેડના લોર્ડ ટોની હોલે બીબીસી દિલ્હી બ્યુરોનું ઉદઘાટન કરતા કહ્યું, "બીબીસી માટે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ઘટના માટે દિલ્હી આવ્યો છું, તેનો મને ખૂબ આનંદ છે. દાયકાઓથી, ભારતીય દર્શકો અને શ્રોતાઓ નિષ્પક્ષ, સ્વતંત્ર સમાચાર માટે બીબીસી પર ભરોસો કરે છે, અને હવે કરોડો લોકો તેમની પોતાની ભાષામાં બીબીસીના સમાચાર મેળવી શકશે."

"અમે જાણીએ છીએ કે, સમગ્ર ભારતમાં બીબીસીને ખૂબ સ્નેહ અને આદર મળ્યો છે. અમે નવા દર્શકો, ખાસ કરીને નવી પેઢીના વાચકો સુધી બીબીસી ન્યૂઝને પહોંચાડવા ઇચ્છીએ છીએ. અમે ભારતમાંથી ખૂબ જ નવા પ્રતિભાશાળી પત્રકારોની ભરતી કરી છે. જેમાંથી કેટલાંકને આજે મળવું મારા માટે સન્માનની વાત હતી."

"અમે શતાબ્દી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે હું આત્મવિશ્વાસથી ભરપૂર, વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા બીબીસીને જોઉં છું. જે સ્વતંત્ર, નિષ્પક્ષ પત્રકારત્વ અને ગુણવત્તાસભર મનોરંજન વિશ્વભરમાં 50 કરોડ લોકો સુધી પહોંચાડે."

"આજનો દિવસ, એ ધ્યેયની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે."

'હંમેશની જેમ સાંપ્રત'

વિસ્તરણ યોજનામાં સોશિઅલ મીડિયા પર વ્યાપક હાજરી, મોબાઇલ તથા વીડિયો કન્ટેન્ટ સાથેની ડિજિટલ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિસ્તરણ યોજનામાં

 • રશિયા તથા આસપાસના રાષ્ટ્રોની પ્રાદેશિક આવૃત્તિઓ સાથેના વિસ્તૃત ન્યૂઝ બુલેટિન્સ
 • આફ્રિકાના ઉપ-સહારા પ્રદેશમાં પાર્ટનર બ્રોડકાસ્ટર્સ માટે 30 નવા ટીવી કાર્યક્રમો સહિત સમગ્ર આફ્રિકાની ટીવી સેવાઓને વધુ ઘનિષ્ઠ બનાવવાનો પણ સમાવેશ થાય છે.
 • બીબીસી ઍરબિક પર નવા પ્રાદેશિક કાર્યક્રમો
 • કોરિયા દ્વિપકલ્પના શ્રોતાઓ માટે મીડિયમ-વેવ તથા શોર્ટ-વેવ રેડિયો પર કાર્યક્રમો ઉપરાંત ઑન-લાઇન તથા સોશિઅલ મીડિયા કન્ટેન્ટ આપવાનું આયોજન
 • વર્લ્ડ સર્વિસ ઇંગ્લિશમાં નવા કાર્યક્રમો, વધું મૌલિક પત્રકારત્વ અને અન્ય વિસ્તરણ માટે રોકાણ કરવાની યોજના છે.

બીબીસી વર્લ્ડ સર્વિસ વિસ્તરણ

ફોટો લાઈન લંડન ખાતે આવેલું બીબીસીનું હેડક્વાટર

1940ના દાયકાના બાદ બીબીસી વર્લ્ડ સર્વિસનું સૌથી મોટું વિસ્તરણ છે. યુ.કે. સરકારના 25 અબજ રૂપિયા (291 મિલિયન પાઉન્ડ)ના રોકાણને કારણે શક્ય બન્યું છે.

ભારતમાં થયેલું આ વિસ્તરણ પણ તેનો જ એક ભાગ છે.

11 નવી ભાષા સાથે બીબીસીની સેવાઓ કુલ 40 ભાષામાં ઉપલબ્ધ બનશે. લોર્ડ હૉલે બીબીસીના શતાબ્દી 2022 સુધીમાં 50 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક મૂક્યું છે.

બીબીસીએ પિજિન, અફાન ઓરોમો, એમહારિક, ટિગરિનિયા તથા કોરિયન સેવાઓ શરૂ થઈ ચૂકી છે.

જ્યારે યોરુબા, એગ્બો તથા સર્બિયન સેવાઓ લૉન્ચ થશે.


બ્રિટન બહાર 1300 નવી નોકરીઓનું સર્જન થશે

જેના કારણે બ્રિટનની બહાર 1300 નવા રોજગારનું સર્જન થશે.

બીબીસી વર્ષ 2022 સુધીમાં તેની વર્તમાન દર્શક સંખ્યા કરતાં બમણાં એટલે કે 50 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના ડાયરેક્ટર ફ્રાન અન્સવર્થે કહ્યું, "યુદ્ધ, ક્રાંતિ તથા વૈશ્વિક પરિવર્તનની ઘટનાઓ સમયે દુનિયાભરના લોકોએ સ્વતંત્ર અને નિષ્પક્ષ સમાચારો માટે બીબીસી પર વિશ્વાસ મૂક્યો છે."

ફ્રાન વધુમાં જણાવ્યું, "અનેક સ્થળોએ મુક્ત અભિવ્યક્તિ ઘટી રહી છે, ત્યારે એક સ્વતંત્ર પ્રસારકર્તા તરીકે, અમે 21મી સદીમાં પણ એટલા જ સાંપ્રત છીએ જેટલા અગાઉ હતા."

"અમે ખાસ કરીને યુવા વર્ગ માટે અમારાં ડિજિટલ પરિવર્તનને ઝડપી બનાવીશું, અમે વીડિયો ન્યૂઝ બુલેટિનમાં રોકાણ કરવાનું ચાલું રાખીશું."

"સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ પ્રત્યેની અમારી કટિબદ્ધતા નહીં બદલાય."

ભારતીય ભાષાઓ ઉપરાંત આફ્રિકન અને કોરિયન ભાષાઓમાં પણ વિસ્તરણ થઈ રહ્યું છે.


આફ્રિકન ભાષાઓ :

 • અફાન ઓરોમો: ઇથોપિયાનાં સૌથી મોટા વંશીય જૂથની ભાષા
 • એમહેરિક: ઇથોપિયાની સત્તાવાર ભાષા
 • ટિગ્રિન્યા: પૂર્વ આફ્રિકાના દેશ એરિટ્રિયામાં અરેબિક ઉપરાંત કામકાજની મુખ્ય ભાષા ટિગ્રિન્યા છે. ઇથોપિયામાં પણ આ ભાષા બોલાય છે.
 • એગ્બો: નાઇજીરિયાની સત્તાવાર ભાષા છે. ઇક્વેટોરિયલ ગિનીમાં પણ ઇગ્બો ભાષા બોલાય છે.
 • યોરુબાઃ દક્ષિણ-પશ્ચિમ નાઇજીરિયા ઉપરાંત પશ્ચિમ આફ્રિકાના બેનિન અને ટોગોના કેટલાક વિસ્તારોમાં બોલાતી ભાષા.
 • પિજિન: અંગ્રેજી ભાષાનું સ્થાનિક સ્વરૂપ જે મોટાભાગે નાઇજીરિયા, ઘાના, કૅમરૂન તથા ઇક્વેટોરિયલ ગિનીમાં બોલાય છે.

એશિયાની ભાષાઓ:

 • ગુજરાતી: મૂળતઃ ભારતના ગુજરાતની ભાષા, પરંતુ ગુજરાતી બોલનારાં ભારતીય ઉપમહાદ્વિપ તથા વિશ્વમાં વસેલા છે.
 • મરાઠી: મહારાષ્ટ્ર અને દેશનાં આર્થિક પાટનગર મુંબઈમાં બોલાતી ભાષા.
 • તેલુગુ : મુખ્યત્વે આંધ્રપ્રદેશન તથા તેલંગણામાં બોલાતી ભાષા.
 • પંજાબી: આ ભાષા વિશ્વની સૌથી પ્રચલિત ભાષાઓમાંથી એક છે. ભારત અને પાકિસ્તાનના આ ભાષા બહોળા પ્રમાણમાં બોલાય છે.
 • કોરિયન: ઉત્તર તથા દક્ષિણ કોરિયામાં બોલાતી ભાષા. જેના પરથી અનેક સ્થાનિક બોલીઓ ઉતરી આવી છે. દક્ષિણ કોરિયાની બોલીઓમાં પોપ કલ્ચરની ભાષા અને વિદેશી ભાષાના શબ્દો વધુ પ્રચલિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા