'સરલા દેવીના કારણે ગાંધીજીના લગ્નજીવન પર જોખમ સર્જાયું હતું'

ગાંધીજીનો ફોટો Image copyright PRAMOD KAPOOR

મહાત્મા ગાંધીને દાંડી કૂચે આખા દેશમાં ખ્યાતિ અપાવી હતી અને અંગ્રેજો સામેની લડાઈનો ભારતીય ચહેરો બનાવી દીધા હતા.

અંગ્રેજ સરકારે મીઠા પર લાદેલા ટેક્સને મહાત્મા ગાંધીએ વિશ્વનો સૌથી વધુ અમાનવીય કર ગણાવ્યો હતો. એ સમયે ભારતમાં 38 કિલો મીઠાની કિંમત 10 પૈસા હતી. તેના ઉપર સરકારે વીસ આના એટલે કે 2400 ગણો ટેક્સ લાદ્યો હતો.

મહાત્મા ગાંધીએ 241 કિલોમીટર દૂર દાંડી જઈને મીઠાનો કાયદો તોડવાનો નિર્ણય કર્યો હતો. પોતાની સાથે લઇ જવા માટે તેમણે 79 કાર્યકરોની પસંદગી કરી હતી.

મહાત્મા ગાંધી વિશેના ચર્ચિત પુસ્તક 'ગાંધીઃ એન ઈલસ્ટ્રેટેડ બાયોગ્રાફી'ના લેખક પ્રમોદ કપૂર જણાવે છે કે ''મહાત્મા ગાંધીએ એકેએક કાર્યકરનો ઈન્ટર્વ્યૂ લીધો હતો અને દરેકની પસંદગી જાતે કરી હતી."

તમને આ પણ વાંચવું ગમશે

"એ કૂચના સૌથી નાની વયના સભ્ય 16 વર્ષના વિઠ્ઠલ લીલાધર ઠક્કર હતા અને સૌથી મોટી 61 વર્ષની વયના ગાંધીજી પોતે હતા. જેના પર હત્યાનો આરોપ હતો એવી એક વ્યક્તિ પણ તેમાં હતી અને તેનું નામ હતું ખડગ બહાદુર સિંહ."

"ખડગ બહાદુર સિંહે કેવી પરિસ્થિતીમાં કોઈનું ખૂન કર્યું હતું એ વાત ગાંધીજી સાંભળી હતી અને તેમને કૂચમાં સામેલ કર્યા હતા.''

બાદમાં ખડગ બહાદુર સિંહની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને નીચે નમાવ્યા વિના જેલમાં પ્રવેશવા માટે જેલનો મુખ્ય દરવાજો સંપૂર્ણપણે ખોલવો જરૂરી હતો.

જેલનો મુખ્ય દરવાજો ખોલવામાં ન આવે ત્યાં સુધી જેલમાં પ્રવેશવાનો ખડગ બહાદુર સિંહે ઈનકાર કર્યો હતો, જેથી રાષ્ટ્રધ્વજને નમાવ્યા વિના જેલમાં પ્રવેશી શકાય.

Image copyright PRAMOD KAPOOR

દાંડી કૂચમાં ગાંધીજી માટે એક ઘોડાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ ગાંધીજી એ ઘોડા પર ક્યારેય બેઠા ન હતા.

તેમનું કહેવું હતું કે કોઈ પણ સામાન વિના દિવસમાં 24 કલાક ચાલવું એ તેમના માટે રમતવાત છે.

દાંડી કૂચ દરમ્યાન ગાંધીજીના પગમાં છાલાં પડી ગયાં હતાં, પણ તેમણે આગળ વધવા માટે પાલખી કે ઘોડાનો સહારો લીધો ન હતો.

ગાંધીજી 1906માં 37 વર્ષના હતા ત્યારે જ તેમણે બ્રમ્હચર્ય અપનાવી લીધું હતું, પણ કમસેકમ એક વખત તેઓ એ સંકલ્પમાંથી ડગી ગયા હતા.

રવિન્દ્રનાથ ટાગોરની ભાણેજ સરલા દેવી માટે ગાંધીજીના મનમાં કોમળ લાગણી સર્જાઇ ત્યારે એવું બન્યું હતું.

પ્રમોદ કપૂર કહે છે કે ''ન્યૂ યોર્કની એક બર્થ કન્ટ્રોલ એક્ટિવિસ્ટ માર્ગારેટ સેંગરને ગાંધીજીએ આ કિસ્સો જણાવ્યો હતો. ગાંધીજીએ સરલા દેવી સાથે શૈયાસુખ માણ્યું હતું કે નહીં એ હું ખાતરીપૂર્વક કહી શકું નહીં"

"પણ ગાંધીજીએ લખેલા પત્રો અને બીજાં સુત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે ગાંધીજીને સરલા દેવી માટે અપાર સ્નેહ હતો અને એ કારણે તેમના લગ્નજીવન પર જોખમ સર્જાયું હતું.''

ગાંધીજીના પૌત્ર અને ગાંધીજી વિશે પુસ્તક લખી ચૂકેલા રાજમોહન ગાંધીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ''સરલા દેવી મૂળ બંગાળનાં હતાં, પણ લાહોરમાં રહેતાં હતાં. એ પરણીત હતાં અને સારું ભાષણ આપી શકતાં હતાં."

"ગાંધીજીના મનમાં સરલા દેવી માટે અપાર સ્નેહ હતો, પણ આ કારણસર પોતાના લગ્નજીવનમાં ભંગાણ પડી શકે છે એવું લાગ્યું ત્યારે ગાંધીજીએ ખુદ સરલા દેવી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.''

Image copyright OTHER
ફોટો લાઈન ગાંધીજીનું ડાબા તથા જમણાં હાથનું લખાણ

મેં રાજમોહન ગાંધીને પૂછ્યું હતું કે ગાંધીજી અને સરલા દેવી વચ્ચેના સંબંધ બાબતે કસ્તૂરબા જાણતા હતાં? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ''એ સમયે કસ્તૂરબાને તેની જાણ હતી કે નહીં તેની મને ખબર નથી, પણ પછી તેની જાણ કસ્તૂરબાને જરૂર થઇ હતી."

"કારણ કે ગાંધીજીએ ખુદ એ વિશે લખ્યું હતું. ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઇ અને મારા નાના રાજગોપાલાચારી જેવા ગાંધીજીના નજીકના લોકો એ બાબતે જાણતા હતા. સરલા દેવી ગાંધી આશ્રમમાં રોકાયાં ત્યારે કસ્તૂરબા પણ ત્યાં જ રહેતાં હતાં.''

ગાંધીજી અને તેમના સૌથી મોટા પુત્ર હરિલાલ વચ્ચેનો સંબંધ પણ ઓછો રસપ્રદ ન હતો. હરિલાલ તેમના પિતાથી નારાજ હતા એટલે તેમણે પિતાનું ઘર છોડી દીધું હોવાનું માનવામાં આવે છે.

પ્રમોદ કપૂરે કહ્યું હતું કે ''ગાંધીજી અને કસ્તૂરબા મધ્ય પ્રદેશના કટની સ્ટેશનેથી પસાર થવાનાં છે એવું એક વખત જાણવા મળ્યું ત્યારે હરિલાલ ખુદને રોકી શક્યા ન હતા."

"ત્યાં બધા મહાત્મા ગાંધીકી જયના નારા લગાવતા હતા, પણ હરિલાલે કસ્તૂરબાકી જય એવો નારો જોરથી પોકાર્યો હતો. આ નારો લગાવી રહેલી વ્યક્તિ તરફ કસ્તૂરબાએ જોયું ત્યારે ત્યાં હરિલાલ ઉભા હતા."

"તેમણે હરિલાલને પોતાની પાસે બોલાવ્યા હતા. હરિલાલે પોતાના થેલામાંથી એક સંતરું બહાર કાઢીને કસ્તૂરબાને આપ્યું હતું અને કહ્યું હતું કે આ તમારા માટે લાવ્યો છું. એ સાંભળીને ગાંધીજીએ સવાલ કર્યો હતો મારા માટે શું લાવ્યો છે?"

"જવાબમાં હરિલાલે કહ્યું હતું કે આ માત્ર બા માટે છે. એટલામાં ટ્રેન ચાલુ થઇ ગઇ હતી અને કસ્તૂરબાએ હરિલાલને એવું કહેતા સાંભળ્યા હતા કે આ સંતરું મારા પિતાજી નહીં આપતા. તમે જ ખાજો.''

ગાંધીજી બન્ને હાથે સરળતાથી લખી શકતા હતા એ બહુ ઓછા લોકો જાણે છે.

Image copyright PRAMOD KAPOOR

1909માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતી વખતે તેમણે તેમનું 217 પાનાનું પહેલું પુસ્તક 'હિન્દ સ્વરાજ' નવ જ દિવસમાં લખી નાખ્યું હતું. લખતાં-લખતાં તેમનો જમણો હાથ થાકી ગયો ત્યારે તેમણે અંદાજે 60 પાનાં ડાબા હાથથી લખ્યાં હતાં.

ગાંધીજી જવાહરલાલ નહેરુની નજીક હોવાની વાતો બધા કરે છે પણ તેઓ સરદાર પટેલની પણ એટલા જ નજીક હતા. સરદાર પટેલ અને ગાંધીજી ત્રણ વર્ષ એકસાથે જેલમાં રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ 1916માં ગાંધીજી ગુજરાત ક્લબમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે સરદાર પટેલ એ જ ક્લબમાં બ્રિજ રમતા હતા અને બ્રિજ રમવાનું છોડીને ગાંધીજીનું ભાષણ સાંભળવાનું તેમને યોગ્ય જણાયું ન હતું.

એ જ સરદાર પટેલ બાદમાં ગાંધીજીથી પ્રભાવિત થઈને સૂટબૂટ છોડીને ધોતિયું-ઝભ્ભો પહેરતા થયા હતા. જેલમાં સરદાર પટેલ ગાંધીજી માટે દાતણ છોલી આપતા હતા.

તેમની વચ્ચે એવી મજાક પણ થતી હતી કે ગાંધીજીના મોંમાં ગણીને બે દાંત છે. તેથી એમના માટે દાતણ છોલવાનું મુશ્કેલ બને છે.

પ્રમોદ કપૂરે કહ્યું હતું કે ''ગાંધીજીને કાગળ વેડફવાનું પસંદ ન હતું અને સરદાર પટેલ કાગળમાંથી કવર બનાવવામાં ઉસ્તાદ હતા.

ગાંધીજી માનતા હતા કે સરદાર પટેલે બનાવેલાં કવર તેમના માટે ભાગ્યશાળી છે, કારણ કે એ કવરમાં મોકલવામાં આવતા પત્રોને સરકાર કયારેય અટકાવતી નથી.''

મહાત્મા ગાંધીની હત્યાના બે દિવસ પહેલાં ઈન્દિરા ગાંધી તેમના ચાર વર્ષના પુત્ર રાજીવ ગાંધી અને ફોઇ કૃષ્ણા હઠીસિંહ સાથે તેમને મળવા બિરલા હાઉસ ગયાં હતાં.

પ્રમોદ કપૂર લખે છે કે ''તેમને જોતાં જ ગાંધીજીએ રાજી થઈને કહ્યું હતું કે તો રાજકુમારીઓ મને મળવા આવી છે. તેમની વચ્ચે વાતચીત થતી હતી ત્યાં મહેમાનો લાવ્યાં હતાં એ ફૂલો રાજીવ ગાંધી રમતાં-રમતાં ગાંધીજીના પગમાં બાંધવા લાગ્યા હતા."

"ગાંધીજીએ હસીને રાજીવ ગાંધીનો કાન ખેંચીને કહ્યું હતું કે દિકરા આવું ન કર, માત્ર મરેલા લોકોના પગમાં જ ફૂલો બાંધવામાં આવતાં હોય છે.''

Image copyright PRAMOD KAPOOR

ગાંધીજીને કદાચ તેમના મૃત્યુનો આભાસ થઇ ગયો હતો. બે દિવસ પછી તેમની હત્યા કરવામાં આવી હતી.

ગાંધીજીની અંતિમયાત્રાની વ્યવસ્થા કરવામાં આવતી હતી ત્યારે બેબાકળા બની ગયેલા.

બીજી જ દુનિયામાં ખોવાયેલા જવાહરલાલ નેહરુએ લોર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે '' બીજું શું કરવાનું છે એ ચાલો બાપુને જ પૂછીએ.''

ગાંધીજીના મૃતદેહ સામે તેમનાં ભત્રીજી મનુ ગાંધી તેમનું પ્રિય ભજન ગાઇ રહ્યાં હતાં ત્યારે નેહરુએ તેમની પાસે જઈને કહ્યું હતું કે ''વધારે જોરથી ગાઓ, કદાચ બાપુ ફરી જાગી જાય.''

ગાંધીજીના પુત્ર દેવદાસે 31 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીની ચિતાને અગ્નિદાહ આપ્યો ત્યારે ગાંધીજીની અંતિમયાત્રાની કોમેન્ટ્રી આપી રહેલા મેલવિલ ડિમેલોનું ગળું રૂંધાઇ ગયું હતું.

બાદમાં મેલવિલ ડિમેલોએ લખ્યું હતું કે ''કોમેન્ટ્રી પુરી કર્યા બાદ પણ હું, જ્યાંથી કોમેન્ટ્રી આપતો હતો એ વેનની છત પર બેઠો રહ્યો હતો. વેનના હૂડને પકડવાના પ્રયાસ કરતા બે હાથ મને અચાનક નીચે દેખાયા હતા."

"મેં ધારીને જોયું તો પંડિત નેહરુ હતા. મેં તેમના હાથ પકડીને તેમને વેનની ઉપર ખેંચી લીધા હતા. હાથ છોડતાં જ તેમણે મને પૂછ્યું હતું કે તમે ગવર્નર જનરલને જોયા હતા?"

"મેં તેમને જણાવ્યું હતું કે તેઓ તો અડધા કલાક પહેલાં ચાલ્યા ગયા. પંડિત નેહરુન બીજો સવાલ એ હતો કે તમે સરદાર પટેલને જોયા હતા? મેં તેમને જણાવ્યું હતું કે સરદાર પણ થોડી મિનિટો પહેલાં ચાલ્યા ગયા છે. દુઃખની એ ઘડીમાં દોસ્તો વિખૂટા પડી ગયા હોવાની અનુભૂતિ મને થઇ હતી.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો