આ કિસ્સા રજૂ કરે છે ગુજરાતના દલિતોની આપવીતી

દલિતોનું વિરોધ પ્રદર્શન Image copyright Getty Images
ફોટો લાઈન અત્યાચારોથી મુક્ત થવા સમગ્ર રાજ્યના દલિતો વિરોધ નોંધાવી રહ્યા છે

તાજેતરમાં જ ગાંધીનગરના લિંબોદરા ગામમાં મૂછ રાખવા મામલે એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો.

જ્યારે આણંદ જિલ્લાના ભાદરણિયા ગામમાં ગરબા જોવા જતા થયેલી બબાલ બાદ દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી.

કેટલાક કિસ્સાઓમાં દલિતોને તેમની જ્ઞાતિના કારણે અપમાનિત કરવામાં આવ્યા હોય તેવા મામલા પણ સામે આવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઉના અને ત્યારબાદ ગુજરાતમાં બનેલા એવા કેટલાક કિસ્સાઓ જે દલિતોની આપવીતી રજૂ કરે છે.


ઉના કાંડ : અત્યાચાર જેણે સમગ્ર દેશનું ધ્યાન નવેસરથી ખેંચ્યું

Image copyright Getty Images
ફોટો લાઈન ઉનાકાંડના ચાર પીડિત યુવાનમાંથી એક યુવાન

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ કેટલાંક દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો.

મૃત ગાયને લઈને જઈ રહેલાં આ દલિત યુવાનોને કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો હતો.

અહીંથી ન અટકતા આ ઘટનાનો વીડિયો તેમણે જાતે વાયરલ કર્યો અને મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પીડિત યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા બાદ મામલો વધુ ગંભીર બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા કુમારી માયાવતી પણ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા.


મૃત પશુને ઉપાડવાની ના કહેતા હુમલો

Image copyright Getty Images
ફોટો લાઈન છેલ્લાં એક વર્ષથી વિવિધ દલિત સંગઠનો દલિતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે

બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે 23 સપ્ટેમ્બર 2016ના રોજ દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

દલિત પરિવારના એક સભ્યને તેના ગામના એક પરિવારે મૃત ઢોર ઉપાડી જવા કહ્યું હતું, પરંતુ દલિત પરિવારના એ સભ્યએ મૃત ઢોર ઉપાડવાની ના કહી હતી.

આ વાતથી ઉશ્કેરાઈ છ શખ્સોએ દલિત પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિત પરિવારમાં એક સગર્ભાનો પણ સમાવેશ થતો હતો.

અમીરગઢ પોલીસે ગુનો નોંધી 23 સપ્ટેમ્બર 2016ના રોજ છ આરોપીઓની ધરપકડ કરી હતી.


બાઈક પર 'બાપુ' લખાવનાર દલિત યુવાન પર હુમલો

Image copyright Getty Images
ફોટો લાઈન જ્ઞાતિના આધારે થતાં મૂલ્યાંકનથી ઉગરવા ઘણાં દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા સૌરભ ચૌહાણ નામના દલિત યુવાને તેના બાઈક પર 'બાપુ' લખાવ્યું હતું.

એ જોઈને ઉશ્કેરાયેલા તેના ગામના કેટલાંક શખ્સોએ તેના ઘરે આવી 'બાઈક પર બાપુ કેમ લખાવ્યું છે?' તેમ પૂછી અપમાનજનક શબ્દો કહી માર માર્યો હતો.

પોલીસે આ મામલે 32 તહોમતદારો વિરૂદ્ધ ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી હતી.


તમને મૂછ રાખવાનો અધિકાર નથી

Image copyright PIYUSH PARMAR
ફોટો લાઈન પીયુષ પરમાર અને તેના ભાઈને મૂછો રાખવા બદલ હડધૂત કરાયા હતા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના લિંબોદરા ગામે મૂછ રાખવા બદલ બે યુવાનોને હડધૂત કરવામાં આવ્યા હતા.

17 વર્ષીય દલિત યુવાન અને તેના 24 વર્ષીય મોટા ભાઈને ગત 25 સપ્ટેમ્બરના રોજ ગામના કેટલાંક યુવાનોએ મૂછ રાખવાની સામાન્ય બાબતે હડધૂત કર્યા હતા.

એ પછી 17 વર્ષીય પીડિતને ફરી બોલાવી તમારે મૂછ રાખવાનો અધિકાર નથી તેમ કહી માર માર્યો હતો.

27મી સપ્ટેમ્બરે પીડિત યુવાનના મોટા ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


ગરબા જોવા ગયેલા દલિત યુવાનની હત્યા

Image copyright CHANDRAKANT PARMAR
ફોટો લાઈન ગરબા જોવા બાબતે થયેલી મારામારીમાં જયેશ સોલંકીનું મૃત્યુ થયું હતું

આણંદ જિલ્લાના ભાદરણિયા ગામનો પ્રકાશ સોલંકી નામનો યુવાન પહેલી ઑક્ટોબરે વહેલી સવારે ગામના મંદિર પાસે બેઠો હતો.

ત્યારે ગામના જ ઉચ્ચ જ્ઞાતિના એક શખ્સે ત્યાં આવી તેની પૂછપરછ કરી હતી.

દલિત યુવાન રાત્રે ગરબા જોવા ગયો હોવાની જાણ થતાં તે શખ્સે 'અમારી બહેન-દીકરીઓ પણ અહીં ગરબા રમે છે? તેમ કહી તેને અપમાનજનક શબ્દો કહ્યા હતા.

બાદમાં તે શખ્સે કેટલાંક લોકોને બોલાવી પ્રકાશ પર હુમલો કર્યો હતો.

તે દરમિયાન પ્રકાશનો પિતરાઈ જયેશ સોલંકી તેને બચાવવા વચ્ચે પડ્યો, આ શખ્સોએ જયેશને ઢોર માર મારતાં તેનું મૃત્યુ થયું હતું.

હાલ સાત આરોપીની ધરપકડ કરી આણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નેશનલ ક્રાઈમ રેકૉર્ડ્સ બ્યૂરો (NCRB)ના વર્ષ 2015ના અહેવાલ મુજબ અનુસૂચિત જાતિ પર થતી એટ્રોસિટીઝ જેમાં ગંભીર ઈજા થઈ હોય તેવા મામલામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓ કે જેમાં પીડિત ગંભીર રીતે ઘાયલ થયા હોય તેવા કિસ્સાઓમાં ગુનાઓનોદર (ક્રાઈમ રેટ) બિહારમાં 1.3 જ્યારે ગુજરાતમાં 1.0 છે.

આ ક્રાઇમ રેટ રાજ્યમાં થતા દલિતો પરના અત્યાચારના કુલ કેસો અને તેમાં ભોગ બનેલા કુલ દલિતોના ગુણોત્તર પરથી નક્કી કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો