દૃષ્ટિકોણ: આખરે પીએમ મોદીનું નિશાન કોની તરફ હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર ભરોસો અપાવવાની કોશિશ કરી છે.
જોકે તેમણે સ્વીકાર કર્યો છે કે જીડીપી જરૂરથી ઘટ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે.
રોકાણ ઊંચાઈ પર છે અને મહેસૂલી ખાધ નિયંત્રણમાં છે. નોટબંધી પછી જીડીપી અને રોકડનો રેશિયો 9 ટકાએ પહોંચ્યો છે.
પરંતુ અર્થવ્યવસ્થામાં સમસ્યા તો છે જ. જેના પર ભાજપની અંદરથી જ આલોચના શરૂ થઈ ગઈ છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી યશવત સિંહાએ એક અંગ્રેજી સમાચારપત્રમાં લેખ લખીને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા કરી છે.
તમને આ પણ વાંચવું ગમશે
કઈ વાતે મોદીને બોલવા મજબૂર કર્યા?
આ પહેલા ભાજપ સાંસદ સુબ્રમણ્યન સ્વામી પણ અર્થવ્યવસ્થાને લઈ ચિંતા જાહેર કરી ચૂક્યા છે.
વાજપેયી સરકારમાં કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા અરુણ શૌરીએ એક ન્યૂઝ ચૅનલને ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાં તેમણે પણ નોટબંધીને અત્યાર સુધીનું સૌથી મોટું મનીલૉન્ડ્રિંગ કૌભાંડ ગણાવ્યું છે.
અન્ય લોકોએ પણ અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર સરકારના બે મોટા નિર્ણયો નોટબંધી અને જીએસટીને જવાબદાર ગણાવ્યા છે.
નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલાં જ યશવંત સિંહાના સવાલોના જવાબ આપ્યા છે.
પરંતુ વડાપ્રધાને બોલવું એટલે પડ્યું કારણ કે સરકાર સામે રાજનૈતિક અને આર્થિક સંકટ ઊભુ થયું. આથી તેમણે ખુલ્લીને સામે આવી સરકારનો બચાવ કર્યો.
તેમણે જે પણ આંકડા આપ્યા એ સંગઠિત ક્ષેત્રના આંકડા છે. નોટબંધી અને જીએસટી બાદ અસંગઠિત ક્ષેત્રના આંકડા તો હજુ આવ્યા જ નથી.
એટલે અત્યારે જીડીપીના આંકડા છે, એ પૂર્ણ સત્ય નથી બતાવતા. મારું માનવું છે કે આ સમયે જીડીપીમાં વૃદ્ધિ એક ટકાથી વધારે નથી.
સુસ્તી તો આવવાની જ હતી
આ બધું માનવાનું કારણ નોટબંધી સમયે અને ત્યારબાદ આવેલા સર્વે છે.
સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા મૅન્યુફેક્ચરિંગ અસોસિએશન, પંજાબ હરિયાણા દિલ્હી ચેમ્બર અને કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સર્વેમાં કહ્યું છે કે અર્થવ્યવસ્થામાં 60 થી 80 ટકા નીચે જવાનું અનુમાન લગાવ્યું.
જીડીપીમાં અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો 45 ટકા છે. કારણ કે 60 થી 80 ટકા નીચે જશે તો જીડીપી વૃદ્ધિ નીચે જશે.
આ ઘટાડાને કારણે રોકાણ, કેપૅસિટિ યુટિલાઇઝેશન અને ઉદ્યોગ ધંધાને અપાતી લોનમાં ઘટાડો આવ્યો છે.
આ અસર લાંબી અવધિ માટે છે. એટલે નોટોની ઉણપ ખતમ થયા બાદ, તેની અસર અર્થવ્યવસ્થામાં દેખાઈ રહી છે.
પરંતુ જે રીતે બીજો ઝટકો જીએસટીનો લાગ્યો, જેથી સંગઠિત ક્ષેત્ર પરેશાનીમાં આવી ગયાં છે. આ જ કારણ છે વિકાસ દર પ્રભાવિત થયો છે.
પીએમનું ડૅમેજ કન્ટ્રોલ
સરકાર અત્યારે મોંઘવારી દર જેટલો બતાવી રહી છે એમાં સેવા ક્ષેત્ર સામેલ નથી. જેના પર મોંઘવારીની સૌથી મોટી અસર થાય તો લાગે છે કે મોંઘવારી દર પણ 6 થી 7 ટકા સુધી છે.
એટલે કે આર્થિક વિકાસ દર ઓછો અને મોંઘવારી દર વધારે છે. આવા સમયમાં ખેડૂત, યુવાનો, વેપારી, ઉદ્યોગપતિ બધા પરેશાન છે.
મોદીનું અર્થવ્યવસ્થા પર આ સમયે બોલવું એક પ્રકારનું ડૅમેજ કન્ટ્રોલ છે. જેનાથી એક આશ્વાસન આપી શકાય કે આપણે કરી શકીએ છીએ અને આપણે કરીશું.
પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર અત્યારની સ્થિતિને સ્વીકારી નથી રહી. કારણ કે સરકાર એવું બતાવવા નથી માંગતી કે નોટબંધી ફેઇલ થઈ કે જીએસટીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
પ્રધાનમંત્રીએ મફત રાંધણ ગૅસ યોજના, મફત વીજળી યોજના, સસ્તી એલઈડી યોજના, મુદ્રા બૅંક યોજનાનો ઉલ્લેખ કર્યો. આ સિવાય કારનું વેચાણ, હવાઈ મુસાફરી જેવી બાબતો પણ કહી.
દાવાઓ અને હકીકત
ધ્યાન દેવા જેવી વાત એ છે કે હાલની સમસ્યા માઇક્રો ઇકોનૉમિક સમસ્યા છે. જે જ્યાં જ્યાં સરકારે છૂટ આપી છે તેનાથી હલ નહીં થાય.
વડાપ્રધાને પ્રયાસ કર્યો છે કે એક સુંદર ચિત્ર ઊભું કરે. પરંતુ એવું કહેવું કે તેનાથી બધા ચિત્રો બદલાઇ જશે, તો એવું નથી.
વડાપ્રધાનનું અર્થવ્યવસ્થા પરનું જે ભાષણ હતું એ પક્ષની અંદરના આલોચકો માટે હતું. આ સિવાય તેમનું નિશાન દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પણ રહ્યું.
વડાપ્રધાન પાસેથી દેશવાસીઓને કંઇક ઠોસ સાંભળવાની અપેક્ષા હતી.
(બીબીસી સંવાદદાતા સંદીપ રાય સાથેની વાતચીત અનુસાર)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો