ચેન્નઈની મહિલાએ બનાવ્યું ગરીબોને ફ્રીમાં ખાવાનું આપતું ફ્રિજ

ફ્રિજમાંથી જમવાનું બહાર કાઢતા માણસો Image copyright The public foundation

''ભૂખ હૈ તો ક્યા હુઆ, રોટી નહીં તો સબ્ર કર''. વિખ્યાત કવિ દુષ્યંત કુમાર લખેલી આ પંકિત આજની પરિસ્થિતિ માટે આદર્શ છે.

પણ સબ્ર એટલે કે ધીરજની પણ એક સીમા હોય છે. કોઈ ક્યાં સુધી રાહ જુએ? આ બેદર્દ પ્રતીક્ષા પર પૂર્ણવિરામ મૂકવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ચેન્નઈનાં 34 વર્ષનાં ઈસા ફાતિમા જૈસમિન વ્યવસાયે ડૉક્ટર છે.

તેમણે આ વર્ષના ઑગસ્ટમાં શરૂ કરેલા પ્રયાસોને કારણે ભોજનનો બગાડ ઓછો થઈ રહ્યો છે. ઉપરાંત ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન મળી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઈસાએ ચેન્નઈના બેસન્ટ નગરમાં એક કમ્યૂનિટિ ફ્રિજ મૂક્યું છે.

ફ્રિજ સાથે ડૉનેશન કાઉન્ટર પણ છે

Image copyright facebook

સામાન્ય લોકો અને હૉટેલના કર્મચારીઓ વધેલું ભોજન એ ફ્રિજમાં મૂકી જાય છે.

ઈસાએ તેમની આ પહેલને 'અયમિત્તુ ઉન્ન' નામ આપ્યું છે. આ તમિલ શબ્દોનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ભોજન કરતાં પહેલાં તેને જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરો.

ફ્રિજની પાસે જ એક શેલ્ફ અને એક ડોનેશન કાઉન્ટર પણ છે. જેમાં ગરીબોને આપવા માટે રમકડાં, કપડાં અને પુસ્તકો પણ મૂકી શકાય છે.

આ પહેલને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ એ બાબતે વાત કરી રહ્યા છે.

કમ્યુનિટિ ફ્રિજ મૂકવાનો વિચાર કઈ રીતે આવ્યો?

Image copyright facebook

આ સવાલના જવાબમાં ડૉ. ઈસાએ બીબીસીને જણાવ્યું ''વિદેશમાં કમ્યુનિટિ ફ્રિજનો આઇડિયા લાંબા સમયથી અમલમાં છે. મેં એ બાબતે વાંચ્યું હતું અને મને એ કામ ગમ્યું હતું.''

ઈસા કહે છે ''આપણા સમાજમાં લોકો જરૂરિયાતમંદોને ખાવાનું આપવામાં ખચકાતા નથી."

તેમના મુજબ વધેલું ભોજન કે જુના કપડાંનું દાન ગરીબોને કરવા અનેક કિલોમીટર ચાલવાનું લોકોને પસંદ નથી એ પણ હકીકત છે."

"લોકોની બેદરકારી અને યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રોજ મોટા પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે."

ઈસા માને છે કે દરેક વિસ્તારમાં કમ્યુનિટિ ફ્રિજ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ત્યાં આવીને વધેલું ભોજન મૂકવા સામે કોઇ વાંધો નહીં હોય.

ફ્રિજ અને તેમાં રાખવામાં આવેલા ભોજનની સંભાળ કોણે રાખે છે? એવા સવાલના જવાબમાં ઈસાએ જણાવ્યું હતું કે આ કામ માટે તેમણે એક સિક્યુરિટી ગાર્ડ રાખ્યો છે.

તેઓ તેને દર મહિને પગાર પણ ચૂકવે છે. તેમણે કહ્યું ''તોફાની લોકો ફ્રિજ અને શેલ્ફને નુકસાન ન કરે તેનું ધ્યાન સિક્યુરિટી ગાર્ડ રાખે છે."

ગાર્ડ ફ્રિજમાં મૂકવામાં આવતા ભોજનની ક્વૉલિટી ચેક કરે છે.

આ ઉપરાંત શું ખાવાનું આપવામાં આવી રહ્યું છે, ખાવાનું બરાબર પેક કરવામાં આવેલું છે કે નહીં વગેરે જેવી બાબતોનું પણ તે ધ્યાન રાખે છે.

સિક્યુરિટી ગાર્ડ લોકોને ફ્રિજમાંથી ખાવાનું લેવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.

ફ્રિજમાં ભોજન રાખવાના નિયમો

Image copyright facebook

ઈસાએ કહ્યું કે શરૂઆતમાં જરૂરિયાતમંદ લોકો અહીં આવીને ફ્રિજમાંથી ખાવાનું લેવામાં ખચકાતા હતા.

અમારા ગાર્ડે તેમને સમજાવ્યું કે આ બધું તેમના માટે જ કરવામાં આવી રહ્યું છે."

"તેઓ શરમ અનુભવ્યા કે ખચકાયા વિના ફ્રિજમાંથી ખાવાનું લઇ શકે છે. તેઓ લોકોને ખાવાનું અને બીજા જરૂરી સામાનના દાનની અપીલ પણ કરે છે.''

ફ્રિજમાં ખાવાનું મૂકવાના કોઇ નિયમો છે કે નહીં ?, એવા સવાલના જવાબમાં ઈસાએ કહ્યું ''હા, નિયમો છે. અમે માત્ર શાકાહારી ભોજન જ સ્વીકારીએ છીએ."

તેઓ કહે છે "તેના બે કારણ છે. એક નોન-વેજ ખાવાનું શાકાહારી ખોરાકની સરખામણીએ જલદી બગડી જતું હોય છે."

"બીજું, નોન-વેજ ખાવાનું રાખવામાં આવ્યું હોય ત્યાંથી ખાવાનું લેવાનું શાકાહારીઓ પસંદ કરતા નથી.''

ઈસાએ બીબીસીને એમ પણ જણાવ્યું કે ખાવાની ક્વૉલિટી માટે ભારે આગ્રહ રાખવામાં આવે છે. ફ્રિજમાં દૂધ રાખવાની છૂટ નથી, કારણ કે દૂધ ઝડપથી બગડી જતું હોય છે.

ફ્રિજમાં મૂકવામાં આવતું ખાવાનું કેટલા સમય સુધીમાં ખાઈ શકાય એ પેકેટ પર લખવું જરૂરી છે. જે લોકો ફ્રિજમાં ખાવાનું મૂકે છે તેમને રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું પણ ગાર્ડ જણાવે છે.

ઈસાએ ઉમેર્યું ''ફ્રિજમાંથી ખાવાનું લેવા માટે કોઇએ આઈડી કાર્ડ દેખાડવું પડતું નથી કે પછી ગરીબ હોવાનો પૂરાવો આપવો પડતો નથી."

"તમે ભૂખ્યા હોવ અને તમે એ વિસ્તારમાંથી પસાર થતા હો તો તમે અધિકારપૂર્વક ફ્રિજમાંથી ખાવાનું લઈ શકો છો.''

Image copyright facebook

ઈસાએ 'ધ પબ્લિક ફાઉન્ડેશન' નામનું એક ફેસબૂક પેજ પણ બનાવ્યું છે. એ પેજ પર ઈસા તેમની પહેલ સંબંધી માહિતી તથા ફોટોગ્રાફ્સ શેર કરતાં રહે છે.

તેમણે કહ્યું ''આ કામ શરૂ કરતાં પહેલાં હું થોડી ડરેલી હતી, પણ હવે હું નિશ્ચિંત છું. આ કામમાં મદદ કરવા ઇચ્છતા લોકોના ફોન મને રોજ આવે છે.''

પોતાના પતિના જન્મદિવસે સાંભાર-ભાતના 20 ટિફિનનું દાન કરવા ઇચ્છતી એક મહિલાએ ઈસાને ફોન કર્યો હતો.

પોતાની આ પહેલને મોટું સ્વરૂપ આપવાને બદલે ઈસા હાલ તેને વર્તમાન સ્વરૂપમાં જ ચાલુ રાખવાના પ્રયાસ કરી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો