અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઇન્ડિયન એર ફોર્સનું હેલિકૉપ્ટર ક્રેશ: 7નાં મૃત્યુ

ભારતીય હવાઈ દળમાં Mi-17 V5 પ્રકારના 100થી વધારે હેલિકૉપ્ટર સેવામાં Image copyright Getty Images
ફોટો લાઈન ભારતીય હવાઈ દળમાં Mi-17 V5 પ્રકારના 100થી વધારે હેલિકૉપ્ટર સેવામાં છે

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઇન્ડિયન એર ફોર્સનું એક હેલિકૉપ્ટર તૂટી પડ્યું છે.

એર ફોર્સના સિનિયર અધિકારીએ કહ્યું છે કે આ અકસ્માતમાં હવાઈ દળનાં સાત સૈનિકોના મૃત્યુ થયા છે.

બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલને સારવાર માટે હૉસ્પિટલ ભરતી કરાયો છે.

Mi-17 V5 ચૉપર સવારે 6 વાગ્યા આસપાસ તૂટી પડ્યું હતું. સવારે આ હેલિકૉપ્ટર મેન્ટેનન્સ મિશન પર હતું.

કોર્ટ ઑફ ઇન્કવાયરીના આદેશ આપી દેવાયા હોવાનું એર ફોર્સના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું છે.

આ પ્રકારના 100થી વધારે હેલિકૉપ્ટર હાલમાં એર ફોર્સમાં સેવા આપી રહ્યા છે.

અરુણાચલ પ્રદેશમાં કેમ થઈ રહ્યા છે વધુ હેલિકૉપ્ટર અકસ્માત?

Image copyright SAM PANTHAKY/AFP/GETTY IMAGES
ફોટો લાઈન અરુણાચલ પ્રદેશમાં હવામાન બદલાતા વાર નથી લાગતી

અરુણાચલ પ્રદેશની તાજેતરમાં મુલાકાત કરનાર બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવ જણાવે છે કે તવાંગ અને આસપાસના વિસ્તારમાં હવામાન સતત બદલાતું રહે છે.

આકરા તડકા અને ખુલ્લા આકાશ વાળા હવામાનને ઘેરા વાદળો અને મુશળધાર વરસાદના હવામાનમાં બદલાતા વાર નથી લાગતી. પરિણામે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી રહે છે.


ભૌગોલિક દૃષ્ટિએ પણ ખતરનાક

Image copyright DIPTENDU DUTTA/AFP/GETTY IMAGES
ફોટો લાઈન અરુણાચલ પ્રદેશને દુનિયાનો બીજો બરમૂડા ટ્રાઇએન્ગલ કહે છે.

અરુણાચલ પ્રદેશમાં એટલા બધા હેલિકૉપ્ટર અકસ્માત થાય છે કે આ પ્રદેશને દુનિયાનો બીજો બરમૂડા ટ્રાઇએન્ગલ કહે છે.

અહીં પહાડોની ઊંચાઈ ખૂબ જ અસમાન છે. આથી હવાનું દબાણ પણ બદલાતું રહે છે. જેના કારણે તવાંગ અને સેલા આસપાસના એરસ્પેશને ઉડાણ માટે સૌથી જોખમી માનવામાં આવે છે.

સેલા પાસે તો દર પાંચ મિનિટે હવામાન બદલાય છે. અહીં મોટી સંખ્યામાં કાળા વાદળો હોય છે. જેથી અહીં હેલિકૉપ્ટર ઉડાવવું મુશ્કેલ છે.

આટલું જ નહીં, પવનની દિશા પણ પશ્ચિમથી પૂર્વ તરફની હોય છે. જે ઉડ્ડયનની દિશાથી વિરુધ્ધની છે. ક્યારેક પવન પણ ઊંધી દિશાનો હોય છે. જેમાં હેલિકૉપ્ટર અગાઉથી નક્કી કરેલો માર્ગ ભૂલીને અડફેટે ચડે છે.


હેલિકૉપ્ટર અકસ્માતનો પ્રદેશ

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું 29 એપ્રિલ 2011ના રોજ એક હેલિકૉપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું
  • અરુણાચલ પ્રદેશમાં આ વર્ષે જુલાઈમાં વાયુ સેનાનું એક હેલિકૉપ્ટર અકસ્માતનો શિકાર બન્યું. જેમાં બેનાં મૃત્યુ થયા.
  • આ જ સમયે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂનું MI-17 હેલિકૉપ્ટર ઇટાનગરમાં ખરાબ હવામાનને કારણે અકસ્માત થતાં થતાં બચી ગયું.
  • 2015માં પવન હંસ કંપનીની માલિકીના હેલિકૉપ્ટરનો અકસ્માત થયો. જેમાં અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લાના ડેપ્યૂટી કમિશનર કમલેશ જોશી અને અન્ય બે લોકોનાં મૃત્યુ થયા.
  • અરુણાચલ પ્રદેશમાં હેલિકૉપ્ટર અકસ્માતોનો સિલસિલો સાંબા સમયથી ચાલ્યો આવે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું 29 એપ્રિલ 2011ના રોજ એક હેલિકૉપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
  • એ પહેલાં 16 એપ્રિલ 2011ના રોજ તવાંગમાં એક હેલિકૉપ્ટર લેન્ડ કરતી વખતે ક્રેશ થયું. ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા.
  • નવેમ્બર 1997માં તત્કાલીન રક્ષા રાજ્યમંત્રી એનવીએન સોમૂ, મેજર જનરલ રમેશ નાગપાલ સહિત બેનાં મૃત્યુ ચીતા હેલિકૉપ્ટર ક્રેશમાં થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા