‘જાને ભી દો યારો’ના દિગ્દર્શક કુંદન શાહનું અવસાન

કુંદન શાહે તેમની છેલ્લી ફિલ્મ 'પી સે પીએમ તક' ના પ્રમોશન માટે બીબીસીની ઑફિસની મુલાકાત લીધી હતી
ફોટો લાઈન કુંદન શાહે તેમની છેલ્લી ફિલ્મ ‘પી સે પીએમ તક’ ના પ્રમોશન માટે બીબીસીની ઑફિસની મુલાકાત લીધી હતી

ઓછા જાણીતા નવોદિત કલાકારો સાથે બનાવેલી પોતાની પહેલી જ ફિલ્મ 'જાને ભી દો યારો'થી હિંદી ફિલ્મ ઉદ્યોગમાં અનોખી છાપ ઊભી કરનારા દિગ્દર્શક કુંદન શાહનું શનિવાર સવારે અવસાન થયું.

19 ઑક્ટોબર, 1947માં જન્મેલા કુંદન શાહ 69 વર્ષના હતા. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે.

ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયામાં ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કર્યા બાદ તેમણે 1983ની કૉમેડી ફિલ્મ 'જાને ભી દો યારો' થી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ હવે બૉલીવૂડની સદાબહાર ફિલ્મોમાં સ્થાન પામી છે.

તમને આ વાંચવું પણ ગમશે

સામાન્ય માણસોની અસામાન્ય વાતોને પડદા પર રજૂ કરતા શાહે ટીવી માટે ખૂબ જ કામ કર્યું હતુ.

તેમણે ભારતીય ટીવીના શરૂઆતના દિવસોની યાદગાર ટીવી સીરિયલ 'યે જો હૈ જિંદગી'થી શરૂઆત કરી.

ત્યારબાદ તેમણે નુક્કડ (1986), મનોરંજન (1987) અને આર કે લક્ષ્મણના કાર્ટૂન્સ પર આધારિત 'વાગલે કી દુનિયા' (1988) જેવી યાદગાર સીરિયલ્સ આપી.

આ ટીવી સીરિયલ્સ બનાવ્યા બાદ સાત વર્ષ સુધી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન કુંદન શાહે શાહરૂખ ખાનને મુખ્ય ભૂમિકામાં લઈને 1993માં 'કભી હાં, કભી ના' ફિલ્મ બનાવી હતી

વર્ષ 1993માં તેમણે શાહરૂખ ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'કભી હાં, કભી ના' સાથે પુનરાગમન કર્યું.

આ ફિલ્મની પટકથા પણ તેમણે જ લખી હતી.

આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ફિલ્મનો ક્રિટીક ફિલ્મફેયર ઍવૉર્ડ પણ મળ્યો.

તેમણે 1998માં બનાવેલી સંવેદનશીલ ફિલ્મ 'ક્યા કહના' પણ હિટ રહી હતી.

ત્યારબાદ તેમણે બનાવેલી તમામ ફિલ્મો બોક્સ ઑફિસ પર નિષ્ફળ રહી. આ ફિલ્મોમાં 'દિલ હૈ તુમ્હારા', 'એક સે બઢકર એક' અને વર્ષ 2015માં રિલીઝ થયેલી તેમની છેલ્લી ફિલ્મ 'પી સે પીએમ તક'નો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ