એ યુદ્ધ જેમાં ભારતે વગર કારણે 1200 જવાન ગુમાવ્યા

Retired Major General Sheonan Singh at the IPKF memorial at Palali airbase
ફોટો લાઈન 30 વર્ષ પહેલાંના યુદ્ધના ચિંતન અને સ્મરણનો સમય

તામિલ ટાઇગર્સ સાથેના યુદ્ધવિરામ પર નજર રાખવા માટે 1987માં ભારતે શાંતિરક્ષક દળ શ્રીલંકા મોકલ્યું હતું. જે ટૂંક સમયમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની ક્રૂર લડાઈમાં પરિણમ્યું હતું.

એ ઘટનાના 30થી પણ વધુ વર્ષ બાદ બીબીસી હિંદીના વિનીત ખરેએ આ લશ્કરી ઝુંબેશ બાબતે નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ સાથે વાત કરી હતી. મેજર જનરલ શેઓનાન સિંહ એ સમયે શ્રીલંકામાં ફરજ બજાવી રહ્યા હતા.

શ્રીલંકન સૈન્યના જવાનો અમને દૂરથી જોઈ રહ્યા હતા ત્યારે જાફનાના પલાલી ઍરબૅઝની હરિયાળી પર નજર ફેરવતા મેજર જનરલ શેઓનાન સિંહે કહ્યું હતું કે 'હું પાછો ફરીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.'

1987માં તેમને અને બીજા હજારો સૈનિકોને મોટા વિમાનમાંથી જે સ્થળે ઉતારવામાં આવ્યા હતા એ સ્થળ પરની વાડ પર નજર ઠેરવતા તેમણે કહ્યું હતું, "આખો વિસ્તાર બદલાયેલો લાગે છે. નવા દરવાજાઓ, કાંટાળી વાડ ઉપરાંત બાંધકામ પણ કરવામાં આવ્યું છે."

લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ(એલટીટીઈ)ને નિઃશસ્ત્ર કરવા અને શ્રીલંકામાં શાંતિની સ્થાપના માટે ઇંડિયન પીસ કીપિંગ ફૉર્સ(આઇપીકેએફ) આવી હતી.

તે એલટીટીઈ સાથે યુદ્ધ થયું અને તેણે લગભગ 1,200 જવાનો ગુમાવ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

અમારી હાજરીને જુદી રીતે લેવામાં આવી

Image copyright Surender Sangwan
ફોટો લાઈન શેઓનાન સિંહને જ્યારે 1987માં શ્રીલંકા મોકલવામાં આવ્યા ત્યારે તેઓ આર્મીમાં મેજર હતા

આઈપીકેએફના શહીદ થયેલા જવાનોની સ્મૃતિ અર્થે ઍરબૅઝ પર એક સ્મારક રચવામાં આવ્યું છે.

મેજર જનરલ શેઓનાન સિંહે આઈપીકેએફના મિશનમાં 32 મહિના ફરજ બજાવી હતી.

એ દિવસો યાદ કરતા તેમણે કહ્યું હતું કે ''અમે અહીં આવ્યા ત્યારે શ્રીલંકાના સૈન્યએ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. તેમણે એવું ધારેલું કે અમે આક્રમણ કરવા આવ્યા છીએ."

"અમે તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમે અહીં શાંતિની સ્થાપના માટે આવ્યા છીએ.''

તેમણે જણાવ્યું હતું કે ભાવિ જોખમો બાબતે ભારતીય દળોને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ભારતીય દળો પાસે કોઈ નકશો ન હતો કે કોઈ ગુપ્તચર માહિતી પણ ન હતી.

એન. પરમેશ્વરન 1987માં યુનિવર્સિટી સ્ટુડન્ટ હતા.

તેમણે કહ્યું હતું, ''આઈપીકેએફ આવી ત્યારે શ્રીલંકાના તામિલોએ તેમને તારણહાર માન્યા હતા. તેમને આવકારવામાં આવ્યા હતા. લોકો એવું માનતા હતા કે આઈપીકેએફ તેમને શ્રીલંકન સૈન્યથી મુક્તિ અપાવશે.''

ઉત્તર શ્રીલંકામાંની લઘુમતી તામિલ કોમ ખુદને મુખ્યધારાના સિંહાલા સમાજથી વિખૂટી પડેલી માનતી હતી.


આંતરવિગ્રહથી ભારતમાં ચિંતા

ફોટો લાઈન તમિળ લોકો શરૂઆતમાં વિચારતા હતા કે ભારતીય સેના તેમને બચાવશે

શ્રીલંકા સરકારે એક કાયદો પસાર કરીને માત્ર સિંહાલીને સત્તાવાર ભાષા બનાવી હતી. તેને કારણે સરકારી ક્ષેત્રોમાંના તામિલ કર્મચારીઓના દરજ્જા અને આજીવિકા પર જોખમ સર્જાયું હતું.

તામિલો વિરુદ્ધ હિંસા પણ આચરવામાં આવી હતી. તેમાં 1983ના જીવલેણ હુલ્લડનો સમાવેશ થાય છે. આખા શ્રીલંકામાં થયેલાં એ હુલ્લડમાં અંદાજે 3,000 તમિલોનાં મોત થયાં હતાં.

એ આંતરવિગ્રહને કારણે ભારતમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં વસતા તામિલ લોકો એલટીટીઈના સ્વતંત્ર રાષ્ટ્રના સ્વપ્ન પરત્વે સહાનુભૂતિ ધરાવતા હતા.

ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દને વચ્ચે ઉપરોક્ત સંદર્ભે ભારતીય સૈનિકોને શ્રીલંકામાં ગોઠવવાના કરાર થયા હતા.

સરકારના સભ્યો સહિતના અનેક શ્રીલંકનો આ કરારથી નાખુશ હતા, કારણ કે તેઓ આ કરારને નાના પાડોશી દેશના આંતરિક મામલામાં મોટા દેશની દખલગીરી ગણતા હતા.

આગમન પછી આઈપીકેએફના સૈનિકો શ્રીલંકામાં ફેલાઈ ગયા હતા અને ઉત્તરમાં તેઓ શ્રીલંકાના સૈન્યના સ્થાને ગોઠવાઈ ગયા હતા.

આઈપીકેએફના ઘણા લોકો માનતા હતા કે શાંતિ અભિયાનથી તામિલોને મદદ મળશે. યુદ્ધનો તો તેમણે વિચાર સુદ્ધાં કર્યો ન હતો.

સસ્તી વિદેશી ઈલેક્ટ્રૉનિક આઇટમ્સની ઢગલાબંધ ખરીદી તેઓ કરતા હોવાની અનેક કથાઓ સાંભળવા મળતી હતી.


ભારતે એલટીટીઈને તાલિમ આપી હતી

Image copyright Surender Sangwan
ફોટો લાઈન There are tales that the Indian soldiers went shopping for electrical goods not available at home

શેઓનાન સિંહે કહ્યું હતું કે ''આર્ટિલરિ યુનિટ્સ સહિતના અમારા ઘણા યુનિટ્સ દારૂગોળા વિના અહીં આવ્યા હતા, કારણ કે શાંતિ અભિયાનમાં દારૂગોળાની જરૂર નહીં પડે એવું તેમણે વિચારેલું.''

પ્રારંભે આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે સારો સંબંધ હતો. ભારતે એલટીટીઈના લડવૈયાઓને વર્ષો સુધી તાલીમ આપી હતી.

''આપણી એજન્સીઓ દ્વારા તાલીમ પામેલા હોવાને કારણે એલટીટીઈના ઘણા લડવૈયાઓને અમે જાણતા હતા. એલટીટીઈના લડવૈયાઓ અમારી લશ્કરી છાવણીની મુલાકાતે આવતા હતા."

"જેના કારણે બાદમાં અમારા પર આક્રમણ કરતી વખતે તેમને ભારતીય સૈનિકોને ક્યાં ગોઠવવામાં આવ્યા છે તેની ખબર પડી હતી.''

એલટીટીઈ પાસે અત્યાધુનિક શસ્ત્રો અને સંચારનાં સાધનો હતાં.

શેઓનાન સિંહે કહ્યું હતું કે ''તેમની પાસે અમારા કરતાં ચઢિયાતાં શસ્ત્રો હતાં. અમે અમારાં શસ્ત્રો છુપાવી રાખતાં હતાં. જેથી તેઓ અમારી મશ્કરી ન કરે."

"અમારી પાસે 10-15 કિલોમિટરની રેન્જના રેડિયો સેટ્સ હતા, જ્યારે તેમની પાસે 40-45 કિલોમીટરની રેન્જના રેડિયો સેટ્સ હતા.''


લડાઇનો આરંભ

Image copyright Surender Sangwan
ફોટો લાઈન ભારતીય સૈનિકો વિચારતા હતા કે તેઓ માત્ર સંઘર્ષ વિરામ માટે આવ્યા છે

એલટીટીઈએ શસ્ત્રો હેઠાં મૂકવાનો ઈનકાર કર્યો ત્યારથી વાત વણસી હતી.

આઈપીકેએફ ધીમે-ધીમે એલટીટીઈ સાથે ગેરિલા યુદ્ધમાં સપડાઈ હતી અને એલટીટીઈના બાહુલ્યવાળો જાફના વિસ્તાર કબજે કરવા માટે ઑક્ટોબર, 1987માં મિશન શરૂ કરાયું હતું.

આઈપીકેએફના પલાલી ઍરબૅઝ હૅડક્વાર્ટર્સથી થોડાં કિલોમિટર દૂર આવેલા જાફના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી આક્રમણ શરૂ કરવાનું હતું.

એ પછી મેજર શેઓનાન અને તેમના સાથીઓને પછીના હુમલાઓ માટે જગ્યાની વ્યવસ્થા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

એ મેદાનમાં આજે હરિયાળી છવાયેલી અને ત્યાં સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ પણ છે.

શેઓનાન સિંહે કહ્યું હતું કે ''ત્રીસ વર્ષ પહેલાં અહીં જંગલ હતું. આ જગ્યામાંથી ઝાડીઝાંખરા અને વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં.''


એલટીટીએ ત્રણ બાજુથી ઘેરીને હુમલો કર્યો

ફોટો લાઈન રિટાયર્ડ જનરલ મેજર શેઓનાન સિંહે જાફના યુનિવર્સિટીની ફરીથી મુલાકાત લીધી

આઈપીકેએફ દ્વારા કરવામાં આવનારા આક્રમણની માહિતી એલટીટીઈને મળી ગઈ હતી અને તેમણે આઈપીકેએફ પર ત્રણ બાજુએથી હુમલો કર્યો હતો.

દૂર આવેલી એક બિલ્ડિંગ તરફ આંગળી ચીંધતાં શેઓનાન સિંહે કહ્યું હતું કે ''પાણીની ટાંકી પાછળની પેલી બિલ્ડિંગમાંથી અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.''

વધારે ભારતીય સૈનિકો આ ઘટનામાં જોડાયા એટલે એલટીટીઇનો ગોળીબાર વધુ જોરદાર બન્યો હતો.

મેજર શેઓનાન સિંહ અને તેમના જવાનો નજીકની શેરીઓમાં ચાલ્યા ગયા હતા. તેઓ ત્યાં ઘરોમાં પ્રવેશ્યા હતા અને એ ઘરોમાં રહેતા લોકોને રૂમોમાં પૂરીને પોઝિશન્શ સંભાળી હતી.

એ લડાઈ 24 કલાક સુધી ચાલી હતી અને તેમાં આઈપીકેએફના 36 જવાનોનાં મોત થયાં હતાં.


30 વર્ષ પહેલાંની ઘટનાઓ હજી પણ તાજી છે

Image copyright Surender Sangwan
ફોટો લાઈન ભારતીય સૈનિકોએ શ્રીલંકામાં બળાત્કાર, જુલમ અને હત્યાઓ કરી હોવાના આક્ષેપો થયા હતા

જવાનોનાં મોત જ્યાં થયાં હતાં એ સ્થળ દેખાડતા મેજર શેઓનાન સિંહે કહ્યું હતું કે ''ગોળીબારમાં સૌથી પહેલાં મારા જવાન લક્ષ્મી ચંદનું મોત થયું હતું. શ્રીલંકાનું સૈન્ય હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કરીને અમને ટેકો આપતું હતું."

"અમે જે ઘરમાં હતા એ ઘર પર ફેંકવામાં આવેલા બોમ્બને કારણે ઉમેશ પાંડે શહીદ થયો હતો. ગંગારામે ગોળીબારમાં તેના બન્ને પગ ગૂમાવ્યા હતા અને લોહી નિંગળતી હાલતમાં મૃત્યુ પામ્યો હતો.''

ગોળીબારને કારણે પડેલાં કાણાવાળો એક ઘરનો દરવાજો અમને જોવા મળ્યો હતો, જે એ દિવસે ખેલાયેલા જોરદાર યુદ્ધની યાદ અપાવતો હતો.

અમે જાફના તથા તેની આસપાસના પરિસરમાં ફર્યાં હતાં અને મેજર જનરલ શેઓનાન સિંહની સ્મૃતિથી આશ્ચર્યચકિત થયા વિના રહી શક્યા ન હતા.

સમગ્ર પ્રદેશની ભૂગોળ, અન્ય સશસ્ત્ર તામિલ જૂથોમાંની સંપર્ક વ્યક્તિઓનાં નામો, એલટીટીઇના નેતાઓ સાથેની વાતચીત એમ બધું તેમની સ્મૃતિમાં તાજું હતું.

પોતાના ભૂતપૂર્વ સાથીઓ સાથે શેર કરવા માટે તેઓ ફોટોગ્રાફ્સ અને વીડિયો ઝડપતા હતા ત્યારે પોરસાતા હતા.

તેમણે કહ્યું હતું કે ''30 વર્ષ પહેલાં આપણે આ બાબત પર ધ્યાન આપવું જોઇતું હતું.''


માનવાધિકારોનું ઉલ્લંઘન

Image copyright Surender Sangwan
ફોટો લાઈન મિશન રાજકીય અને લશ્કરી હેતુવિહોણું હતું

શ્રીલંકામાં ભારતીય દળોની હાજરીની એક કાળી બાજુ પણ છે.

ભારતીય સૈનિકોએ શ્રીલંકામાં બળાત્કાર, જુલમ અને હત્યાઓ કરી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ભયાનક ઘટનાઓ પૈકીની એક જાફના હોસ્પિટલમાં 1987ની 21 ઓક્ટોબરે બની હતી.

તમિલ માનવાધિકાર કર્મશીલો કહે છે કે વળતો હુમલો કરાવવા માટે એલટીટીઇના ચાર કે પાંચ લડવૈયાઓએ હોસ્પિટલમાં ભારતીય સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.

આ પ્રકારના હુમલા પછી સ્થાનિક લોકો સાથે આસાનીથી ભળી જતા એલટીટીઇના છૂપા લડવૈયાઓની ઓળખ માટે ભારતીય સૈનિકોએ પ્રયાસ કર્યા હોવાનું અહીંના ઘણા લોકોએ જણાવ્યું હતું.

એલટીટીઇના હુમલાના જવાબમાં ભારતીય સૈનિકોએ જોરદાર વળતો હુમલો કર્યો હતો, જેમાં ડોક્ટર્સ, નર્સીસ અને દર્દીઓ સહિત અંદાજે 60 લોકોનાં મોત થયાં હતાં.

ફોટો લાઈન IPKF પર માનવ અધિકાર ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો થયા હતા જેમાં જાફના હોસ્પિટલ પરના હુમલાનો પણ સમાવેશ થાય છે

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટોગ્રાફ્સ હોસ્પિટલની દિવાલ પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ઘટના બની ત્યારે હોસ્પિટલમાં કામ કરતા એ. દેવેન્દ્રમને અમે મળ્યા હતા.

સાંકડી પરસાળમાંના એક રૂમ તરફ આંગળી ચીંધતાં તેમણે કહ્યું હતું કે ''હું ભાગીને એ રૂમમાં ગયો હતો અને તેમાંથી 24 કલાક સુધી બહાર નિકળ્યો ન હતો.''

તેમણે કહ્યું હતું કે ''મને ગોળીબારનો અવાજ અને પાણી માટેનો અન્ય કર્મચારીઓનો પોકાર સંભળાતો હતો, પણ તેમને ઠાર મારવામાં આવ્યા હતા."

"મેં એક પુરુષને જોયો હતો. એ શિખો હતા. તેમણે પાઘડી અને ભારતીય સૈન્યના યુનિફોર્મ પહેર્યા હતા.''

એ ઘટનામાં મૃત્યુ પામેલા પોતાના કેટલાક સાથીઓ સાથેના સંબંધને સંભારતાં એ. દેવેન્દ્રમ ભાંગી પડ્યા હતા.


લાશોના ઢગલા નીચે છૂપાયા

ફોટો લાઈન ડૉ. ગણેશમૂર્તિના કહેવા પ્રમાણે હુમલા બાદ હોસ્પિટલમાં ચારેબાજુ લોહી હતું

એનેસ્થેટિસ્ટ ડો. ગણેશમૂર્તિ ઘટનાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલે પહોંચ્યા હતા.

તેમણે કહ્યું હતું કે ''હું હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ત્યાં સડેલા લોહીની વાસ આવતી હતી.''

હુમલામાંથી બચી ગયેલા ડોક્ટર્સે તેમને જણાવ્યું હતું કે હુમલામાંથી બચવા માટે તેમના પૈકીના કેટલાક લાશોની નીચે છૂપાઇ ગયા હતા. તેમણે જરાક હિલચાલ કે ઉંહકારો કર્યો હોત તો તેમના પર મરવાનું જોખમ હતું.

ડો. ગણેશમૂર્તિએ જણાવ્યું હતું કે બાળકોના એક ડોક્ટરે ખુદની ઓળખ આપીને મદદ કરવાની ઈચ્છા કરી હતી.

આઇપીકેએફના એક મેડિકલ ઓફિસર સાથે બીજા દિવસે એક મહિલા ડોક્ટર આવ્યાં હતાં અને તેમણે છૂપાયેલા લોકોને બહાર આવવા તામિલ ભાષામાં અપીલ કઇ રીતે કરી હોવાની વાત પણ ડો. ગણેશમૂર્તિએ જણાવી હતી.

શેઓનાન સિંહ આ બધી વાતો ચૂપચાપ સાંભળતા હતા.

મૃત્યુ પામેલી મહિલાઓ અને પુરુષોના ફોટોગ્રાફ સામે અમે ઉભા હતા ત્યારે શેઓનાન સિંહે કહ્યું હતું કે '' આ ઘટનાની મને ખબર નથી. આ ઘટનાની માહિતી દબાવી દેવામાં આવી હોય અને ઉપરી અધિકારીઓને એ વિશે કશું જણાવવામાં ન આવ્યું હોય એવું લાગે છે.''

''હું એટલું જ કહી શકું કે જે કંઇ બન્યું હતું એ ખરાબ હતું. આઇપીકેએફ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે પોતે કોના પર ગોળીબાર કરી રહ્યા છે તેની દરકાર આઇપીકેએફને ન હતી."

"એ દુર્ભાગ્યપૂર્ણ હતું, પણ લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.''


લાંછન લઇને સ્વદેશ પાછા ફર્યા

ફોટો લાઈન ડૉ. દેવેનદ્રમ પોતાના સાથીઓને કેવી રીતે ભારતીય સૈનિકોથી બચાવ્યા હતા તે યાદ કરે છે

શ્રીલંકામાં ભારતીય દળો એ પછી વધુ 29 મહિના સુધી રહ્યાં હતાં, પણ જવાનોનો મૃત્યુઆંક વધતાં તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા. સ્થાનિક લોકોમાં તેમની આબરુને બટ્ટો લાગ્યો હતો.

જાફનાના તામિલ અખબાર ઉથયનના તંત્રી પી. પ્રેમનાથે કહ્યું હતું કે ''આઇપીકેએફના વલણને કારણે લોકોને સૌથી વધારે ખરાબ લાગ્યું હતું. દુનિયામાં ગમે ત્યાં સૈન્ય આખરે સૈન્ય હોય છે એ તેમણે અમને શિખવાડ્યું હતું.''

શેઓનાન સિંહે જણાવ્યું હતું કે એ મિશન રાજકીય અને લશ્કરી હેતુવિહોણું હતું.

તેને કારણે એલટીટીઇએ 1991માં રાજીવ ગાંધીની હત્યા કરી હતી.

શાંતિ મિશનના 30 વર્ષ બાદ નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ કહે છે કે જાફનામાં ફરીથી શાંતિ સ્થપાઇ એનો તેમને આનંદ છે.

એ યુદ્ધના ઘાની સારવાર માટે કોલમ્બો સરકાર વધારે પગલાં લેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો