ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં આગથી 59 લોકો જીવતા ભૂંજાયા'તા

એસ-6 કોચની ફાઇલ તસવીર

ગોધરા રેલવે સ્ટેશનના યાર્ડ પાછળ હંમેશાં એક નિરવ શાંતિ પ્રસરેલી હોય છે. આ જગ્યા એ સાબરમતી એક્સપ્રેસના સળગી ગયેલા ડબ્બા રાખવામાં આવ્યા છે.

16 વર્ષ પહેલાં આ જ દિવસે એક એવી ઘટના બની જેણે ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં બદલી નાખી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને લાગેલી આગમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એની કિંમત સેંકડો ગુજરાતીઓએ ચૂકવવી પડી છે.

ગોધરાના રેલવે સ્ટેશને લાગેલી એ આગમાં ગુજરાતનું સામાજિક પોત પણ બળી ગયું. આ ઘટના બાદ ગુજરાતને એક નવા પ્રકારના સામાજિક અને રાજકીય પરિમાણો જોવા મળ્યાં.

આ ઘટનાના 15 વર્ષ સુધી ચાલેલા કાનૂની લડત બાદ ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી છે, જ્યારે 20 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત્ રાખી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ટ્રેમાં સવાર યાત્રીઓની ચીસો નથી સંભળાતી પણ ઓગળેલા લોખંડના સળિયા, રાખ બની ગયેલી ટ્રેનની સીટો અને પંખા પર કરોળિયાનાં જાળાં ગોધરાકાંડની ઘટનાનું વર્ણન કરે છે.

15 વર્ષ પહેલા આ ટ્રેનના બે કોચમાં આગચંપીની ઘટનામાં 59 લોકો જીવતાં સળગી ગયાં હતાં.

27 ફેબ્રુઆરી 2002ના રોજ જે સાબરમતી એક્સપ્રેસમાં આ ઘટના બની હતી, તેના અન્ય કોચ તો ગંતવ્ય સુધી પહોંચી ગયા, પણ બે કોચ ત્યાંજ રખાયા છે.

કોચની આસપાસ સુરક્ષાકર્મીઓ તહેનાત રહે છે.

આજે પણ સાબરમતી એક્સપ્રેસનો વાદળી રંગનો નવો S-6 કોચ ગોધરા સ્ટેશન પર જ્યારે ઉભો રહે છે, ત્યારે લોકોની આંખો તેને જોવા માટે સ્થિર થઈ જાય છે.

25 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી 2000થી વધુ કારસેવકો સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા.

ટ્રેન 27 ફેબ્રુઆરીએ તેના નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી ગોધરા સ્ટેશને પહોંચી હતી.

નિવૃત્ત ન્યાયધીશ જીટી નાણાવટી તથા અક્ષય મહેતાના પંચનાં તપાસ રિપોર્ટ મુજબ, જ્યારે ટ્રેન સ્ટેશનથી રવાના થઈ, ત્યારે ટ્રેનની આપાતકાલીન સાંકળ ખેંચવામાં આવી હતી.

અચાનક ભેગી થયેલી ભીડે ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કેટલાક કોચમાં આગ લગાવી દીધી.

સ્થાનિક હિંદુ અને મુસલમાન બન્ને સમુદાયના લોકો માને છે કે આ મામલે પૂર્ણ સત્ય બહાર નથી આવ્યું.

ગુજરાત રેલવે પોલીસના કર્મીઓ આ કોચની સુરક્ષા કરે છે. કોઇને તેની અંદર જવાની પરવાનગી નથી આપવામાં આવી.

કોચની અંદર બધું જ સળગી ગયું હતું. સ્થાનિક લોકો પણ ત્યાં નથી જતા.

દર વર્ષે 27 ફેબ્રુઆરીએ કેટલાક લોકો અહીં આવીને શ્રદ્ધાંજલિ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો