દિલ્હી, એનસીઆરમાં 31મી ઓક્ટોબર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

  • પાયલ ભુયન
  • બીબીસી સંવાવદાતા
સુપ્રીમ કોર્ટનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સુપ્રીમ કોર્ટે આ વર્ષે દિવાળીના સમયે ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય તેવો ચૂકાદો આપ્યો છે

દિલ્હી-એનસીઆરમાં આ વખતે દિવાળીના અવસરે ફટાકડાનું વેચાણ નહીં થાય. સુપ્રીમ કૉર્ટે સોમવારે નિર્ણય જાહેર કર્યો.

આ સાથે જ આ પ્રતિબંધને લાગૂ પાડવા માટે સુપ્રીમ કૉર્ટે દિલ્હી પોલીસ તરફથી આપવામાં આવેલા સ્થાયી કે અસ્થાયી લાઇસન્સ તાત્કાલિક ધોરણે પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.

જો કે સુપ્રીમ કૉર્ટે પોતાના હુકમમાં કહ્યું છે કે કેટલીક શરતો સાથે ફટાકડાનું વેચાણ 1 નવેમ્બર 2017 પછી એટલે કે દિવાળી બાદ થઈ શકશે.

તમને આ પણ વાંચવું ગમશે

કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ ન થાય તે જોવાની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે.

પહેલાનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2016માં ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો

જો કે નવેમ્બર 2016માં સુપ્રીમ કૉર્ટે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ જ વર્ષે 12 સપ્ટેમ્બર 2017એ કૉર્ટે પોતાના આદેશમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાનું વેચાણ શરતો સાથે શરૂ કરવાની પરવાનગી આપી હતી.

પોતાના આદેશમાં સુપ્રીમ કૉર્ટે કહ્યું કે તે આ પ્રતિબંધ સાથે જોવા માંગે છે કે શું દિવાળી પહેલા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના કારણે પ્રદૂષણમાં ઘટાડો થાય છે કે નહીં.

બીજી તરફ ફટાકડા ફોડવામાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી.

જે લોકોએ અગાઉથી ફટાકડા ખરીદી લીધા છે તેઓ ફટાકડા ફોડી શકે છે.

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ માંગતી અરજી ત્રણ બાળકો દ્વારા કરવામાં આવી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એમનાં જેવાં અનેક બાળકોના ફેફસાં પ્રદૂષણના કારણે યોગ્ય રીતે વિકસિત થઈ શક્યાં નથી.

આ કેસમાં વકીલ અને અરજી કરનાર હરિપ્રિયા પદ્મનાથન કહ્યું, “સુપ્રીમ કૉર્ટેના આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. આ નિર્ણયથી કોઈને નુકસાન નહીં થાય.”

તેમણે વધુમાં કહ્યું, “જે દુકાનદારોએ ફટાકડા ખરીદી લીધા છે, તેઓ ફટાકડાને દિલ્હી-એનસીઆર બહાર વેચી શકે છે.”

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા વર્ષે દિવાળી બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું.

આના પર સુપ્રીમ કૉર્ટે ચિંતા દર્શાવતા ગયા વર્ષે 11મી નવેમ્બરે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો.

દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ઘણાં વર્ષોથી ચર્ચામાં છે. અનેક પ્રયાસો બાદ પણ તેમાં ફરક પડતો નથી.

હાલના આંકડા જોઈએ તો કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા પ્રમાણે દિલ્હીની હવા હજુ પણ શ્વાસ લેવા લાયક નથી.

બોર્ડની વિગતો પ્રમાણે આવા વાતાવરણમાં રહેવાથી શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓ વધવાનું જોખમ છે.

જ્યારે પર્યાવરણ બાબતોના જાણકાર ગુનીત સિંહ કહે છે કે, “વર્ષમાં માત્ર ચારથી પાંચ દિવસ જ દિલ્હીના રહેવાસીઓને સારી હવા મળે છે.”

તેમણે ઉમેર્યું, “ગયા વર્ષે દિવાળી બાદ પ્રદૂષણની માત્રા ચકાસતું યંત્ર પણ વાસ્તવિક સ્થિતીનો ક્યાસ કાઢવામાં અસમર્થ રહ્યું હતું.”

તેમએ કહ્યું, “આ વર્ષની હવા ખૂબ જ ખરાબ છે. ફટાકડાના વેચાણના પ્રતિબંધ પાછળ ઇરાદો તો સારો છે પરંતુ તેને લાગુ કરવો મુશ્કેલ છે.”

વિક્રેતાઓ નિરાશ

ઇમેજ સ્રોત, Getty Images

ફટાકડાના વિક્રેતાઓ માટે મુશ્કેલ સ્થિતી સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે પહેલા નિર્ણયમાં દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર લાગેલા પ્રતિબંધ અમુક શરતો સાથે પાછા ખેંચી લીધા હતા.

સુપ્રીમ કૉર્ટે પોતાના છેલ્લા આદેશમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાના વેચાણનું લાઇસન્સ પોલીસના નિરીક્ષણ પછી તેની સીધી દેખરેખ તળે જ આપવામાં આવે.

વધારેમાં વધારે 500ની સંખ્યા મર્યાદામાં જ અસ્થાયી લાઇસન્સ આપી શકાશે.

સુપ્રીમ કૉર્ટે જણાવ્યું કે 2016માં આપવામાં આવેલા લાઇસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઇસન્સ આપવામાં આવશે.

પરંતુ દિવાળીના દસ જ દિવસ પહેલા લેવાયેલો - જાહેર કરાયેલો કૉર્ટનો આ નિર્ણય એવા તમામ ફટાકડા વિક્રેતાઓ માટે મુશ્કેલી લઈને આવ્યો છે જેમની દુકાનો-ગાડાઉન ફટાકડાથી ભરેલા છે.

ફટાકડા વિક્રેતાઓ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છે.

તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓને ખૂબ જ નુકસાન થશે.

ફટાકડાનું ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતા આકાશનું કહે છે, “અમે તો અત્યારથી જ કામ બંધ કરી દીધું છે. અમને બધાને ખૂબ જ નુકસાન થશે. બધા જ કારીગરોના કામ છીનવાઈ જશે.”

એક અન્ય ફટાકડા વિક્રેતા સુનીલ જૈને કહ્યું, “દસ મહિનાથી અમે કામ વગર જ બેઠા હતા. દિવાળીની અમને આશા હતી. હવે ફરીથી પ્રતિબંધ લદાવાથી અમે મુશ્કેલીમાં છીએ.”

કૉર્ટે આઠ સભ્યોની એક સમિતિ બનાવવાનો આદેશ પણ આપ્યો છે જેની અધ્યક્ષતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ કરશે.

આ સમિતિએ દિલ્હીમાં પ્રદૂષણ પર પોતાનો અહેવાલ 31મી ડિસેમ્બર 2017 સુધીમાં સોંપવો પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો