પુરુષમાંથી સ્ત્રી બનતા નૌસેનાએ અધિકારીને બરતરફ કરી

લિંગ પરિવર્તન પછી સેબી
ફોટો લાઈન સેબી નૌસેનામાં 2010થી નોકરી કરી રહી હતી

ભારતીય નૌસેનાએ તેમના એક અધિકારીને નોકરીમાંથી બરતરફ કર્યા છે.

અધિકારી પહેલા પુરુષ હતા અને હવે સર્જરી કરાવીને મહિલા બની ગઈ છે.

નૌસેનાએ આના પર વાંધા-વિરોધ જાહેર કરતા અધિકારીને પાણીચું પકડાવી દીધું છે.

છૂટા કરતી વખતે આપેલા નિવેદનમાં નૌસેનાએ સ્પષ્ટ જણાવ્યું છે કે લિંગ પરિવર્તન નિયમોની વિરુધ્ધ છે એટલે તેમને નોકરીમાં રાખી શકાય તેમ નથી.

નૌસેનામાં પહેલા મનિષ ગિરી તરીકે કામ કરતા સેબી આની વિરુધ્ધ મિલિટરી કોર્ટમાં અપીલ કરશે.

ફોટો લાઈન સેબીએ નૌસેનાની નોકરી મનિષ ગિરી તરીકે શરૂ કરી હતી

સેબી સાથે થયેલી આ ઘટનાએ ભારતમાં ટ્રાન્સજેન્ડરના અધિકારો પર નવેસરથી ચર્ચા ઊભી કરી છે.

ભારતમાં ટ્રાન્સજેન્ડરને કાયદેસર રીતે ત્રીજા લિંગ તરીકે ઓળખવામાં આવે છે.

સેબી 2010માં પુરુષ હતી ત્યારે ભારતીય નૌકાદળમાં જોડાઈ હતી.

2016માં તેઓ જ્યારે રજા પર હતા ત્યારે તેમણે લિંગ પરિવર્તન કરાવ્યું હતું.

જ્યારે તે રજા પરથી કામ પર પાછી આવી ત્યારે લગભગ પાંચ મહિના સુધી તેમને મનોચિકિત્સક વૉર્ડમાં મોકલવામાં આવી હતી.

સેબી કહે છે કે "તે સમયે મને જેલમાં હોવા જેવું લાગતું હતું."

જો કે ભારતીય નૌકાદળે હજી સેબીના આક્ષેપોનો જવાબ આપ્યો નથી.

બીબીસી દ્વારા સંપર્ક કરાયો ત્યારે નૌકાદળના અધિકૃત પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સેબીએ જણાવ્યું હતું કે તે રજા પછી એપ્રિલમાં નૌકાદળમાં ફરી જોડાઈ હતી અને તેમને છ ઓક્ટોબરના રોજ ફરજમુક્ત કરવામાં આવી હતી.

નૌકાદળના નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાની મરજીથી લિંગ પરિવર્તન કરાવી શકે છે.

પરંતુ લિંગ-જાતિના આધારે જે કામ અને પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી હવે તે તેનાથી વિપરિત લિંગ ધરાવે છે.

2012માં કોર્ટનો ચુકાદો હતો કે એક પુખ્ત ઉંમરની વ્યક્તિ ધારે તો લિંગ પરિવર્તન કરાવી શકે છે. કાયદો તેને રોકી ના શકે.

વળી 2014માં ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર લોકોને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી હતી.

બીજી તરફ આ જ સંદર્ભે સેબીએ જણાવ્યું કે "હું કોઈ ગુનેગાર નથી. મેં કશું ખોટું કર્યું નથી. મેં મારી સાચી ઓળખ જાહેર કરી છે."

સેબીએ કહ્યું કે તે "ન્યાય" માટે લડશે.

કાયદાના નિષ્ણાતોનું આ મુદ્દે કહેવું છે કે ભારતમાં ટ્રાન્સજેન્ડર લોકો એક વિચિત્ર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

એક તરફ તેઓને કાયદેસર ઓળખ મળી છે અને ભારતીય બંધારણ હેઠળ સુરક્ષા મળી છે પરંતુ બીજી તરફ તેમને કાયદાનો ભંગ કરનાર ગે જાતિ સમજવામાં આવે છે.

153 વર્ષ જૂના બ્રિટીશરાજ સમયના કાયદા મુજબ સમલૈંગિક સંબંધ "અકુદરતી ગુનો" છે અને તેના માટે દસ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો