અમિતાભનું વ્યક્તિત્વ એક 'સુપરસ્ટાર'થી વધુ શા માટે છે?

અમિતાભ બચ્ચન

ઇમેજ સ્રોત, Getty Images

મહાનાયક અમિતાભ બચ્ચન વિશે ભારતીય લેખક અને પત્રકાર મધુ જૈન કહે છે કે, "આ ફિલ્મપ્રેમી દેશમાં અમિતાભનું અસ્તિત્વ એક સુપરસ્ટાર કરતાં પણ વધુ છે."

બોલીવૂડની દંતકથા સમાન આ અભિનેતા વિશે કેટલીક વાતો જાણવા જેવી છે.

આ એ જ વ્યક્તિ છે જેમણે લંડન ઑલિમ્પિકની મશાલ પકડી હતી અને વર્ષ 1999માં બીબીસીના ઑનલાઇન પૉલમાં તેમને સૌથી મહાન અભિનેતાની ઉપમા પણ મળી હતી.

અમિતાભ એક વાર જ્યારે ઈજિપ્તમાં હતા ત્યારે તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા હોટેલમાં જ કરી લેવામાં આવી હતી

કારણ કે ઍરપૉર્ટ પર તેમની રાહ જોઈ રહેલા પ્રશંસકો અતિ ઉત્સાહમાં હતા.

ઊંચા કદનું વ્યક્તિત્વ

ઇમેજ સ્રોત, Getty Images

અલબત્ત, ભારતમાં બચ્ચન એક સુપરસ્ટાર કરતાં પણ અનેક ગણું અસ્તિત્વ ધરાવે છે.

કદાચ તેમને રાષ્ટ્રીય આઇકન તરીકે પણ રેખાંકિત કરી શકાય.

દેશના છેવાડાના વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે દેશના વડા પ્રધાન કોણ છે?

તો તે કદાચ તેનો જવાબ આપવામાં મૂંઝવણ અનુભવશે, પરંતુ તેને અમિતાભ બચ્ચન વિશે માહિતી જરૂર હશે!

ભારત પાસે ઘણા સફળ અને અત્યંત લોકપ્રિય સ્ટાર્સ હતા, પરંતુ બચ્ચન જેટલી લાંબી કારકિર્દી કોઈની રહી નથી.

લગભગ 49 વર્ષની ઇનિંગ બાદ તેઓ આજે ફિલ્મઉદ્યોગમાં અનોખું સ્થાન ધરાવે છે.

બચ્ચનની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' હતી. જે કે.એ. અબ્બાસે દિગ્દર્શિત કરી હતી, પરંતુ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શરૂઆતની ફ્લૉપ ફિલ્મોના કારણે અમિતાભે કોલકાતા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો

એ બાદ કેટલીક ફિલ્મો આવી અને જતી પણ રહી. છેવટે તેમણે ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો.

બચ્ચન એ વખતે એ સમયનાં સફળ અભિનેત્રી જયા ભાદુરીને ડૅટ કરી રહ્યા હતા.

બચ્ચન ફિલ્મઉદ્યોગમાં પ્રવેશતાં પહેલાં કોલકાતાની એક વેપારી પેઢીમાં કામ કરતા હતા.

ઉપરાંત કેટલાંક નાટકોમાં અભિનય પણ કરતા હતા અને તેમણે ત્યાં જ પરત ફરવાનો નિર્ણય કરી લીધો હતો.

જો સલીમ-જાવેદે અમિતાભ માટે 'ઝંજીર'ના 'ઍંગ્રી યંગમૅન'ની ભૂમિકા ન લખી હોત તો તેમનાં સૅલ્યુલોઇડ સ્વપ્ન કદાચ ક્યારેય સાચાં ન ઠર્યાં હોત.

બાદમાં આ નામ બચ્ચનની અન્ય ફિલ્મોમાં પણ તેમની સાથે રહ્યું હતું.

70ના દાયકામાં ભારતભરમાં અજંપાભરી શાંતિ હતી. દેશમાં રાજકીય અશાંતિ હતી અને તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરી હતી.

બેરોજગારી અને શ્રમજીવીઓમાં અસંતોષ હતો, તો બીજી તરફ આઝાદી બાદનાં સોનેરી સપનાંઓ પણ ખાટાં થઈ ચૂક્યાં હતાં.

એ વખતે બચ્ચનના વ્યક્તિત્વને સલીમ-જાવેદના શબ્દોનું પૅકેજિંગ મળ્યું હતું.

તેમની ભૂમિકાઓમાં શહેરી વિસ્તારમાં ફરતા એ યુવાનની કહાણી હતી જે ઝૂંપડપટ્ટીમાં જન્મેલો અને ઉછરેલો છે.

આ પ્રકારની ભૂમિકાઓથી તેઓ ભારતની સમસ્યાઓ સામેના વિરોધનું એક પ્રતીક બન્યા.

તેમની પ્રસિદ્ધિના કારણે હિન્દી ફિલ્મોમાં સાર્વત્રિક રીતે જોવા મળતા પારંપારિક ગ્રામીણ રૉમાન્સમાં પણ ઘટાડો આવ્યો.

યશ ચોપરાના નિર્દેશનમાં બનેલી અને સલીમ-જાવેદે લખેલી 'દીવાર' (1975)માં વિજયનું વ્યક્તિત્વ વધારે ખીલી ઊઠ્યું.

એ 'એંગ્રી યંગમૅન' ભારતીય ફિલ્મોની સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળ્યો હતો.

યાદગાર રોલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમિતાભ આજે પણ પ્રયોગાત્મક રોલ નિભાવતા રહે છે

'દીવાર'માં વિજય એક સ્મગલર તરીકે જોવા મળે છે, જે ગુનાઓથી ખદબદતા શહેર મુંબઈની ફૂટપાથ પર ઉછરેલો છે.

'દીવાર : ધ ફૂટપાથ, ધ સિટી ઍન્ડ ધ એંગ્રી યંગ મૅન'ના લેખક વિનય લાલ કહે છે, "દીવાર એવી પહેલી ફિલ્મ હતી જેણે ફૂટપાથ અને સ્કાયસ્ક્રેપર વચ્ચેનો સંવાદ દર્શાવ્યો હતો."

વર્ષ 1975માં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની 'શોલે' ફિલ્મ પછી બચ્ચનની કારકિર્દીએ પૂરપાટ ગતિ પકડી હતી.

મનમોહન દેસાઈની 'અમર અકબર એન્થની', 'નસીબ' અને 'મર્દ'માં પણ બચ્ચનને અત્યંત સફળતા મળી.

પરંતુ 80ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમની કારકિર્દી થોડી ડામાડોળ થઈ.

જોકે તેમણે પોતાની જાતને ફરી શોધી અને પોતાના રોલ સાથે થોડા પ્રયોગો કરી ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો.

એક જીવનમાં ઘણાં જીવન જીવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમિતાભે રાજકારણ અને વ્યાપાર ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે

તેમના મિત્ર અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના આગ્રહને અનુસરી વર્ષ 1984માં સાંસદ બની તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો.

જોકે ત્રણ વર્ષ બાદ તેમણે રાજીનામું આપી દીધું.

બચ્ચન એક વેપારી તરીકે પણ કારકિર્દી અજમાવી ચૂક્યા હતા. વર્ષ 1995માં 'અમિતાભ બચ્ચન કૉર્પોરેશન'ની શરૂઆત કરી.

તેમણે ઈવેન્ટ મૅનેજમૅન્ટ અને ફિલ્મનિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું, પરંતુ આ સાહસ નિષ્ફળ ગયું હતું.

નાદારી જેવી પરિસ્થિતિ આવવાના અણસાર પણ એ સમયે હતા.

ફરી શક્તિશાળી થવાની કળામાં માહેર બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ' ટીવી ગેમ-શોથી પરત આવ્યા અને પછી ક્યારેય પરત ફરીને ન જોયું.

મહાનાયક ફરી લોકો વચ્ચે આવી ગયા હતા. પડતીના સમયમાંથી ઊગરવાના સમયગાળાએ તેમને વિનમ્રતા અને સહાનુભૂતિ શીખડાવ્યાં.

આજે બચ્ચન બચ્ચન છે.

વિવિધ બ્રાન્ડનું સર્વવ્યાપક પ્રમોશન, પહાડી અવાજમાં વૉઈસઑવર, પ્રાયોગિક ફિલ્મોમાં અભિનયથી તેઓ ચમકી રહ્યા છે.

(મધુ જૈન વરિષ્ઠ પત્રકાર અને તેઓ કપૂર્સ : ધ ફર્સ્ટ ફેમિલી ઑફ ઈન્ડિયન સિનેમાના લેખિકા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો