જયપ્રકાશ નારાયણ-ઇંદિરા ગાંધીનો ગાઢ સંબંધ આ રીતે તૂટ્યો

જયપ્રકાશ નારાયણ સાથે માર્ક ટલી
ફોટો લાઈન જયપ્રકાશ નારાયણ સાથે વાત કરી રહેલા બીબીસીના ભૂતપૂર્વ સંવાદદાતા માર્ક ટલી

25 જુન, 1975ની રાતના દોઢ વાગ્યાનો સમય, ગાંધી પીસ ફાઉન્ડેશનના સચિવ રાધાકૃષ્ણના પુત્ર ચંદ્રહર ખુલ્લા આકાશ નીચે જમીન પર ઉંઘી રહ્યા હતા.

તેઓ અચાનક ઘરમાં આવ્યા અને તેમના પિતાને જગાડીને દબાયેલા અવાજમાં કહ્યું, ''પોલીસ ધરપકડનું વોરન્ટ લઈને અહીં આવી છે.''

રાધાકૃષ્ણ બહાર આવ્યા. ચંદ્રહરની વાત સાચી હતી. પોલીસે તેમને જયપ્રકાશ નારાયણ (જેપી)ની ધરપકડનું વોરન્ટ દેખાડ્યું.

રાધાકૃષ્ણએ પોલીસ અધિકારીઓને કહ્યું, તમે થોડો સમય રાહ જોઇ શકશો? જેપી બહુ મોડા સુતા છે. આમ પણ તેઓ ત્રણ-ચાર વાગ્યે ઉઠી જવાના છે, કારણ કે તેમણે સવારે પટણા જવા માટે ફ્લાઈટ પકડવાની છે.

તમને આ વાંચવું ગમશે:

પોલીસ અધિકારીઓ રાહ જોવા તૈયાર થયા. રાધાકૃષ્ણ એ દરમ્યાન ચૂપચાપ બેઠા રહ્યા ન હતા.

તેમણે તેમની ટેલિફોન ઓપરેટરને સૂચના આપી હતી કે જેટલા લોકોને ફોન લાગે તેમને જેપીની ધરપકડ વિશે જણાવી દો.

તેમણે મોરારજી દેસાઈને ફોન લગાડ્યો તો ખબર પડી કે પોલીસ તેમના ઘરે પણ પહોંચી ગઈ છે.

ત્રણ વાગ્યે પોલીસે રાધાકૃષ્ણના ઘરનો દરવાજો ફરી ખખડાવ્યો અને કહ્યું, ''તમે જેપીને જગાડશો? જેપી પોલીસ સ્ટેશને શા માટે નથી પહોંચ્યા એવું પૂછતા વાયરલેસ મેસેજ અમને સતત મળી રહ્યા છે.''


ચંદ્રશેખર ટેક્સીમાં પહોંચ્યા

ફોટો લાઈન બીબીસી સ્ટુડિયોમાં જયપ્રકાશ નારાયણ

રાધાકૃષ્ણ દબાતા પગલે જેપીના રૂમમાં ગયા. જેપી ગાઢ ઉંઘમાં હતા. તેમણે જેપીને હળવેથી જગાડીને પોલીસ આવી હોવાનું જણાવ્યું ત્યાં સુધીમાં એક પોલીસ અધિકારી રૂમમાં ધસી આવ્યો હતો.

તેણે કહ્યું, ''સોરી સર. તમને અમારી સાથે લઇ જવાનો આદેશ છે.'' જેપીએ કહ્યું, ''મને તૈયાર થવા માટે અર્ધો કલાક આપો.''

ગભરાયેલા રાધાકૃષ્ણ બને તેટલો વધુ સમય લગાડવા ઈચ્છતા હતા, જેથી જેપી રવાના થાય એ પહેલાં એકાદ વ્યક્તિ આવી જાય. જેપી તૈયાર થઈ ગયા ત્યારે રાધાકૃષ્ણએ કહ્યું, ''જતાં પહેલાં એક કપ ચા તો પી લો.''

એ રીતે વધુ દસ મિનિટ પસાર થઈ. પછી જેપીએ કહ્યું, ''હવે વિલંબ શા માટે કરવો? ચાલો જઈએ.'' જેપી પોલીસની કારમાં બેઠા કે તરત જ પૂરપાટ વેગે આવતી એક ટેક્સી બ્રેક મારીને ત્યાં થંભી.''

''તેમાંથી ચંદ્રશેખર કુદકો મારીને ઉતર્યા. ત્યાં સુધીમાં જેપીની કાર રવાના થઈ ચૂકી હતી.”


વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

Image copyright SHANTI BHUSHAN
ફોટો લાઈન રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણની રેલી

રાધાકૃષ્ણ અને ચંદ્રશેખર એક કારમાં બેસીને જેપીની પાછળ રવાના થયા. જેપીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

જેપીને ખુરસી પર બેસાડીને પોલીસ વડા બીજા રૂમમાં ગયા. થોડી વાર પછી બહાર આવીને તેઓ ચંદ્રશેખરને ખૂણામાં લઇ ગયા અને કહ્યું, ''સર, એક પોલીસ ટીમ તમને પણ અહીં લાવવા માટે તમારા ઘરે પહોંચી છે.''

ચંદ્રશેખરે હસીને કહ્યું, ''હું અહીં આવી ગયો છું. મારી ધરપકડ અહીં જ કરી લો.'' પોલીસે એવું જ કર્યું.

રાધાકૃષ્ણએ જેપીને પૂછ્યું, ''તમે લોકોને કોઈ સંદેશો આપવા ઈચ્છો છો ?'' અર્ધી સેકન્ડ વિચારીને જેપીએ રાધાકૃષ્ણની આંખમાં આંખ મેળવીને કહ્યું, ''વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.''


ભુવનેશ્વરમાં આપેલા ભાષણે વધાર્યું અંતર

ફોટો લાઈન બીબીસી સ્ટુડિયોમાં રામ બહાદુર રાય અને રેહાન ફઝલ

વિખ્યાત પત્રકાર અને જેપી આંદોલનમાં સક્રીય રીતે ભાગ લઈ ચૂકેલા રામ બહાદુર રાય કહે છે કે જેપી અને ઇંદિરા ગાંધીનો સંબંધ તો કાકા-ભત્રીજીનો હતો, પણ જેપીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઇંદિરા ગાંધીના એક જ પ્રતિભાવે એ સંબંધ બગાડી નાખ્યો હતો.

ઇંદિરા ગાંધીએ 1974ની પહેલી એપ્રિલે ભુવનેશ્વરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે લોકો ધનિક લોકોના પૈસા પર નભતા હોય તેમને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઇ અધિકાર નથી.

રામ બહાદુર રાય કહે છે, ''એ નિવેદનને કારણે જેપીને માઠું લાગ્યું હતું. એ નિવેદન પછી 15-20 દિવસ સુધી જેપીએ કોઈ કામ કર્યું ન હતું. એ મેં પોતે નિહાળ્યું છે.''

''ખેતી તથા અન્ય સ્રોતોથી પોતાને થતી આવકની વિગત નોંધી અને એ વિગત અખબારો તેમજ ઇંદિરા ગાંધીને પણ મોકલી આપી હતી.''


'માય ડિયર ઇંદુ'

ફોટો લાઈન જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઇ, નાનાજી દેશમુખ અને રાજ નારાયણ (ડાબેથી જમણે)

જેપીની નજીક રહેલા રજી અહમદ કહે છે, ''જયપ્રકાશજીને આનંદ ભવનમાં તાલીમ મળી હતી. ઇંદિરા ગાંધી એ સમયે બહુ નાનાં હતાં.''

''તમે નહેરુ અને જેપીના પત્રો વાંચશો તો ખબર પડશે કે જેપી નહેરુને 'માય ડિઅર ભાઈ' સંબોધન કરતા હતા.''

''ઇંદિરા ગાંધીને જેપીએ જેટલા પત્રો લખ્યા હતા એ તમામમાં 'માય ડિઅર ઇંદુ' સંબોધન કર્યું હતું. અલબત, જેલમાંથી લખેલા એક પત્રમાં તેમણે ઈન્દિરાને 'માય ડિઅર પ્રાઈમ મિનિસ્ટર' સંબોધન કર્યું હતું.''


પ્રભાવતી અને કમલા નહેરુની દોસ્તી

Image copyright PHOTO DIVISION
ફોટો લાઈન ઇન્દિરાએ જેપી સાથેના મતભેદો દૂર કરવાના પ્રયત્નો શરૂઆતમાં કર્યા હતા

રામ બહાદુર રાય કહે છે કે જેપી અને ઇંદિરા ગાંધી વચ્ચેનું અંતર વધારવામાં જેપીનાં પત્ની પ્રભાવતીનાં મૃત્યુએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.

તેમના જણાવ્યા અનુસાર, ''હું માનું છું કે પ્રભાવતીએ જેપી અને ઇંદિરાને જોડી રાખ્યાં હતાં. ઇંદિરા ગાંધીનાં મમ્મી કમલા નહેરુને પ્રભાવતી સાથે ગાઢ સંબંધ હતો.''

''એટલે ઇંદિરા પ્રભાવતીનો બહુ આદર કરતાં હતાં. કમલા નહેરૂ વિષાદની ક્ષણોમાં આધાર શોધતાં ત્યારે પ્રભાવતી પાસે જતાં હતાં.''

''તેમનો સંબંધ એટલો ગાઢ હતો કે ફિરોઝ ગાંધી સાથે ઇંદિરા ગાંધીના સંબંધ બગડ્યા ત્યારે ઇંદિરા જેમને પોતાના મનની વાત કહી શકે તેવી મા સમાન કોઈ મહિલા હોય તો એ પ્રભાદેવી હતાં.''

''પ્રભાવતીએ જેપી-ઇંદિરાના સંબંધને આજીવન જાળવી રાખ્યો એમ કહેવું ખોટું નથી.''


ઇંદિરા વાતચીત કરવા તૈયાર હતાં

Image copyright SHANTI BHUSHAN
ફોટો લાઈન ઈન્દિરા ગાંધીની સરકારના વલણના વિરોધ માટે મોટું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

જેપી સાથેના મતભેદ વાતચીત વડે દૂર કરવાના પ્રયાસ ઇંદિરાએ શરૂઆતમાં કર્યા હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે તેમની આત્મકથા 'જિંદગી કા કારવાં'માં લખ્યું છે કે ''મેં ઇંદિરા ગાંધી કહ્યું કે હું જેપીને મળવા વેલ્લૂર જઇ રહ્યો છું. તેઓ શું કહેશે, તેની મને ખબર નથી. તમારું વલણ શું છે?''

''તમે તેમની સાથે વાતચીત કરશો કે તેમની સાથે લડાઇ ચાલુ રાખશો? તેમણે જણાવ્યું કે તમે વાત કરો. જેપી ઈચ્છતા હશે તો હું પણ વાતચીત કરીશ.''


ઇંદિરા-જયપ્રકાશ વચ્ચે વાતચીત

Image copyright NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY
ફોટો લાઈન જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુ

એ દરમ્યાન ચંદ્રશેખર ઉપરાંત અન્યો મારફત પણ જેપી અને ઇંદિરા વચ્ચે વાતચીત કરાવવાના પ્રયાસ થતા હતા.

જેપી 1974ની 29 ઓક્ટોબરે અચાનક દિલ્હી આવ્યા હતા અને ગાંધી પીસ ફાઉન્ડેશનમાં રહ્યા હતા.

ચંદ્રશેખર તેમને મળવા ગયા. તેઓ લખે છે, ''જેપીએ મને ભોજપુરીમાં કહ્યું, તમને એક વાત કરવી છે, પણ મને કહેવામાં આવ્યું છે કે તેની ચર્ચા કોઈની સાથે, ખાસ કરીને આપની સાથે તો કરવાની જ નથી.''

''ઇંદિરા ગાંધીએ બિહાર આંદોલન વિશે વાત કરવા આજે મને બોલાવ્યો છે. એ માટે તેમણે એક મુસદ્દો મોકલ્યો છે. એ મુસદ્દાના આધારે તેઓ મારી સાથે વાત કરવા ઈચ્છે છે.''

''તેમણે મને ડ્રાફ્ટ દેખાડ્યો. મેં તેને વાંચીને કહ્યું, આ બરાબર છે. આ મુસદ્દાના આધારે તમે સમાધાન કરી લો. જેપીએ કહ્યું, મુશ્કેલી એ છે કે ઇંદિરા સાથે તમારે સારો સંબંધ છે એ વાત તેઓ જાણતાં હોવા છતાં તેમણે આ વાત તમારાથી છૂપાવવા શા માટે કહ્યું?''

''મેં જેપીને પૂછ્યું, આ મુસદ્દો તમારી પાસે કોણ લાવ્યું હતું? તેમણે ખચકાતાં જણાવ્યું, શ્યામ બાબુ અને દિનેશ સિંહ લઇને આવ્યા હતા. એ સાંભળીને મેં તરત જ કહ્યું.''

''આ મુસદ્દાના આધારે સમાધાન નહીં થાય. આ મુસદ્દાનો હેતુ એટલો જ છે કે તમારી સાથે વાતચીત ચાલી રહી છે તેની જાણ લોકોને થાય.''


''જયપ્રકાશજી, દેશનો તો વિચાર કરો''

Image copyright SHANTI BHUSHAN
ફોટો લાઈન બોટ ક્લબમાં પોતાના ટેકેદારોને સંબોધી રહેલાં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી

1974ની પહેલી નવેમ્બરે રાતે નવ વાગ્યે જેપી ઇંદિરાને મળવા તેમના નિવાસસ્થાન 1, સફદરજંગ રોડ પર ગયા હતા. રામ બહાદુર રાય કહે છે, ''તમારી અને ઇંદિરા વચ્ચે વાતચીત થવાની છે એવું તેમને જણાવવામાં આવ્યું હતું.''

''જેપી વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે બાબુ જગજીવન રામ ત્યાં બેઠા હતા. એમને નિહાળીને જેપી આશ્ચર્યચકિત થઇ ગયા હતા.''

''આખી બેઠક દરમ્યાન ઇંદિરા ગાંધી ખાસ કશું બોલતા ન હતા. મોટાભાગે જગજીવન રામ જ વાતચીત કરતા હતા. જેપીનો આગ્રહ હતો કે બિહાર વિધાનસભાના વિસર્જનની માગણી યોગ્ય છે.''

''એ વિશે તમારે વિચારવું જોઈએ. અંતે વાતચીત લગભગ પુરી થઇ ગઇ હતી ત્યારે ઇંદિરા એક જ વાક્ય બોલ્યાં હતાં કે તમે દેશનો પણ થોડો વિચાર કરો.''

''એ વાક્યથી જેપી સમસમી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ઇંદુ, મેં દેશ સિવાય બીજા કોનો વિચાર કર્યો છે. એ પછી જેપીને જેટલા લોકો મળ્યા તેમને જેપીએ જણાવ્યું હતું કે ઇંદિરાએ તેમનું અપમાન કર્યું છે.''

''એ પછી જેપીએ એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે હવે ઇંદિરા સાથે અમારી ટક્કર ચૂંટણીના મેદાનમાં થશે.''


કમલા નહેરુએ લખેલા પત્રો પાછા મોકલાવ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન સંજય ગાંધી અને ઇંદિરા ગાંધી

1, સફદરજંગ રોડ છોડતાં પહેલાં જેપીએ ઇંદિરાને કહ્યું હતું કે તેઓ તેમની સાથે એક મિનિટ એકલા વાત કરવા ઈચ્છે છે.

તેમણે લગભગ પીળા પડી ગયેલા કેટલાક પત્રોનું એક બંડલ ઇંદિરા ગાંધીને આપ્યું હતું. એ પત્રો ઇંદિરાનાં માતા કમલા નહેરુએ જેપીનાં પત્ની પ્રભાવતી દેવીને 20 અને 30ના દાયકામાં લખ્યા હતા.

એ સમયે તેમના બન્નેના પતિ આઝાદીની લડાઈ લડતા હતા.

પ્રભાવતી કમલા નહેરુનાં એકમાત્ર દોસ્ત અને તેમની ગુપ્ત વાતો જાણતી વ્યક્તિ હતાં. કમલા, નહેરુ પરિવારમાં તેમની સાથે થતા ખરાબ વર્તનની વાતો પ્રભાવતીને કરતાં હતાં.

જેપીએ જૂના પત્રોનું બંડલ આપ્યું ત્યારે ઇંદિરા થોડી વાર માટે ભાવુક જરૂર થઇ ગયાં હતાં, પણ તેમની વચ્ચેનું અંતર એટલું વધી ચૂક્યું હતું કે એ ખાઇ ક્યારેય પૂરી શકાઇ નહીં.


બન્નેનો મોટો અહમ

ફોટો લાઈન બીબીસી સ્ટુડિયોમાં કુલદીપ નૈયર

ઇંદિરા ગાંધીનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.એન. ધરે તેમના પુસ્તક 'ઇંદિરા ગાંધી-ધ ઈમરજન્સી એન્ડ ઈન્ડિયન ડેમોક્રેસી'માં લખ્યું છે, ''અમારી અને જેપી વચ્ચે મધ્યસ્થી કરી રહેલા ગાંધી પીસ ફાઉન્ડેશનના સુગત દાસગુપ્તાએ મને જણાવ્યું હતું કે નીતિગત બાબતોનું એટલું મહત્વ નથી. મારી સલાહ છે કે તેમને થોડો આદર આપો.''

ધરે આગળ લખ્યું છે, ''રાધાકૃષ્ણ અને દાસગુપ્તાના જણાવ્યા મુજબ, જેપીને આશા હતી કે જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી વચ્ચે જેવો સંબંધ હતો તેવો જ સંબંધ ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યા બાદ તેમની સાથે સ્થાપશે.

ઇંદિરા ગાંધી એક વ્યક્તિ તરીકે જેપીનો આદર કરતાં હતાં, પણ તેમના વિચારો સાથે શરૂઆતથી જ અસહમત હતાં.''

''ઇંદિરા ગાંધી જેવીને અવ્યવહારિક બાબતોને વધુ મહત્વ આપતા સિદ્ધાંતવાદી ગણતા હતા. જે લોકો એકમેક વિશે આવી ધારણા રાખતા હોય તેમની વચ્ચે સમાન રાજકીય સમજનું સર્જન લગભગ અશક્ય હતું.

''સાચી વાત એ છે કે બન્નેનો અહમ બહુ મોટો હતો અને નિયતિ પાસે તેમની વચ્ચે ટક્કર થવા દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.''


ઇંદિરાએ આપેલા પૈસા પાછા મોકલાવ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા અને જેપી વચ્ચેનું અંતર અમુક ઘટનાઓના કારણે વધ્યું હતું

ઇંદિરા અને જેપી વચ્ચેનો સંબંધ એક અન્ય ઘટનાને કારણે પણ બગડ્યો હતો.

જેપીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા પછી ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખ રાધાકૃષ્ણે ભારતીયોને તથા વિદેશમાં રહેતા ભારતીયોને, જેપી માટે ડાયાલિસિસ મશીન ખરીદવા માટે યોગદાન આપવાની વિનતી કરી હતી.

પી. એન. ધરે લખ્યું છે, ''રાધાકૃષ્ણની સલાહ અને તેને મારા સમર્થનને પગલે ઇંદિરા ગાંધીએ જેપીના ડાયાલિસિસ મશીન માટે સારા એવા પ્રમાણમાં નાણાં મોકલાવ્યાં હતાં.

રાધાકૃષ્ણએ જેપીને સંમતિ બાદ એ નાણાં મળ્યાની પહોંચ પણ મોકલી હતી.''

''જોકે, ઇંદિરા ગાંધીની એ પહેલ જેપી કેમ્પના ઘણા કટ્ટર લોકોને સ્વીકાર્ય ન હતી. તેથી તેમના દબાણને કારણે જેપીએ એ નાણાં ઇંદિરા ગાંધીને પાછાં મોકલવા પડ્યા હતા.

''એ ઘટનાએ ઇંદિરા તથા જેપી વચ્ચેની વાતચીતનો વિરોધ કરતા લોકોને વધુ એક કારણ આપ્યું હતું.''

''એવું કહેવામાં આવ્યું હતું કે જેપી તેમના કેમ્પના કટ્ટર લોકોના વિરોધ સામે ટકી નથી શકતા ત્યારે બીજી ગંભીર બાબતોમાં તેમની પાસેથી સાહસિક નિર્ણયની આશા રાખી ન શકાય.''


બદલાના રાજકારણનો વિરોધ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા અને જેપી વચ્ચેનું અંતર અમુક ઘટનાઓના કારણે વધ્યું હતું

1977ના માર્ચમાં જનતા પાર્ટીની જીત પછી સરકાર બનાવવાની કવાયત ચાલતી હતી ત્યારે ઈન્દિરા ગાંધીને એવી આશંકા હતી કે ફરજિયાત નસબંધીના સંજય ગાંધીની યોજનાનો ભોગ બનેલા લોકો સંજય ગાંધીને બળજબરીથી પકડીને તુર્કમાન ગેટ લઈ જશે અને જાહેરમાં તેમની નસબંધી કરશે.

ઇંદિરા ગાંધીનાં સખી પુપુલ જયકરે વિદેશ સચિવ જગત મહેતાને ફોન કરીને જણાવ્યું હતું કે ઇંદિરા આ વાતથી બહુ ચિંતિત છે.

જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને પછી યોજના પંચ તથા દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર બનેલા લક્ષ્મીચંદ જૈને જગન મહેતાએ આ વાત જણાવી ત્યારે તેઓ જેપી પાસે ગયા હતા.

લક્ષ્મીચંદ જૈને તેમની આત્મકથા 'સિવિલ ડિસઓબિડિયન્સ - ટુ ફ્રીડમ સ્ટ્રગલ્સ ઈન લાઇફ'માં લખ્યું છે, ''એ વાત સાંભળીને જેપી ઘણા ચિંતિત થઇ ગયા હતા.''

''તેમણે નક્કી કર્યું કે તેઓ ઇંદિરા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને જશે અને તેમને ખાતરી આપશે. જેપી ઇંદિરાને મળવા ગયા હતા અને તેમની સાથે ચી પીધી હતી.''

રામ બહાદુર રાય કહે છે, એ બેઠક બાદ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધીનું રાજકીય જીવન હજુ પુરૂં નથી થયું.

બદલાનું રાજકારણ નહીં રમવાનો સંકેત તેમણે એ નિવેદન વડે જનતા પક્ષના નેતાઓને આપ્યો હતો.

લોકોએ જેપીની વાત સાંભળી ન હતી એ અલગ વાત છે. રામ બહાદુર રાય કહે છે, ''જેપીએ ઇંદિરાને ત્યાં સુધી પૂછ્યું હતું કે હવે તું વડાપ્રધાન નથી ત્યારે તારું ઘર કેવી રીતે ચાલશે?''

ઇંદિરાએ જવાબ આપ્યો હતો કે નહેરૂનાં પુસ્તકોની રોયલ્ટીમાંથી તેમનું ગુજરાત ચાલતું રહેશે. જેપીએ તેમને ખાતરી આપી હતી કે તેમના પર કોઇ જોરજુલમ નહીં થાય.

જેપીએ આ બાબતે મોરારજી દેસાઈ અને ચરણ સિંહને અપીલ પણ કરી હતી.


પટણામાં છેલ્લી મુલાકાત

Image copyright Getty Images
ફોટો લાઈન લોકોનું અભિવાદન ધીલી રહેલા ઇંદિરા ગાંધી

થોડા દિવસોમાં જ જેપીનો જનતા પાર્ટીથી મોહભંગ થઇ ગયો હતો. જેપી પટણામાં બિમાર પડ્યા હતા, પણ જનતા પાર્ટીના નેતાઓ તેમની ખબર સુદ્ધાં કાઢવા ગયા ન હતા.

જાણીતા પત્રકાર કુલદીપ નૈયર કહે છે, ''જેપીની ખબર કાઢવા પટણા જવાની સલાહ મેં મોરારજી દેસાઈને આપી ત્યારે તેમણે મને કહ્યું હતું કે ''હું ગાંધીને મળવા પણ ક્યારેય ગયો ન હતો તો આ જેપી શું ચીજ છે''.

ઇંદિરા ગાંધીએ તેમના જેવું કર્યું ન હતું. ઇંદિરા બેલચીથી પાછાં ફરતી વખતે પટણા રોકાયાં હતાં અને જેપીને મળવા ગયાં હતાં.

રજી અહમદ કહે છે, જેપીના જીવનના અંતિમ દિવસોમાં તેમની અને ઇંદિરા ગાંધી વચ્ચેનો સંબંધ ફરી સારો થઇ ગયો હતો.

જોકે, રાજકીય વિવેચકો માને છે કે જેપી સાથેની ઇંદિરા ગાંધીની મુલાકાત તેમના રાજકારણનો એક ભાગ હતી અને ઇંદિરા તેમાં પૂર્ણપણે સફળ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા