FTII માટે હાલ મારું કોઈ વિઝન નથી: અનુપમ ખેર

અનુપમ ખેર Image copyright AFP
ફોટો લાઈન અનુપમ ખેરે 1978માં FTIIમાં અભ્યાસ કર્યો હતો

બોલીવુડ ઍક્ટર અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(FTII) પુણેના ચેરમેન નિમવામાં આવ્યા છે.

62 વર્ષના અનુપમ ખેર તેને એક મોટી સિદ્ધિ માને છે. તેમણે કહ્યું કે તે આ જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવશે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હું જાન્યુઆરી, 1978થી જૂન-જુલાઈ સુધી FTIIનો વિદ્યાર્થી હતો. 40 વર્ષ પછી એ સંસ્થાની જવાબદારી મને મળી છે, જે મારા માટે મોટી સિદ્ધિ છે."

તમને આ પણ વાંચવું ગમશે

અનુપમ કહે છે કે તેઓ સિમલા જેવા નાના શહેરમાંથી 37 રૂપિયા લઈને આવ્યા હતા. તેઓ કહે છે કે તેમને વિદ્યાર્થીઓ સાથે મળી આ સંસ્થાને વધુ ઊંચાઈએ લઈ જવાનો મોકો મળ્યો છે.

સરકારે FTIIના ચેરમેન પદે અનુપમ ખેરના નામની જાહેરાત કરી. આ પહેલાં ગજેન્દ્ર ચૌહાણ સંસ્થાના ચેરમેન હતા. જેમની નિમણૂંક અને કાર્યકાળ બન્ને વિવાદિત રહ્યા હતા.

અનુપમ કહે છે કે મને ખુશી છે કે હું આ પદ માટે લાયક છું. તેઓ કહે છે "હું કોરી સ્લેટની જેમ ત્યાં જવા માંગુ છું."


શું છે વિઝન?

Image copyright Getty Images / MANDEL NGAN
ફોટો લાઈન ગજેન્દ્ર ચૌહાણના વિવાદાસ્પદ કાર્યકાળ પણ હવે આ સંસ્થાનું સુકાન અનુપમ ખેરને સોંપાયું છે

FTIIમાં અનુપમ ખેરનું વિઝન શું રહેશે તેવું પૂછતાં તેઓ કહે છે કે અત્યારે કંઈ પણ કહેવું ઉતાવળ કહેવાશે. મારું શું વિઝન છે એની મને ખબર નથી.

તેઓ કહે છે કે નિષ્ઠાથી કામ કરવાનું મેં નક્કી કર્યું છે. પહેલેથી એવું વાતાવરણ નથી બનાવવા માંગતો કે ના તો બોલવા માંગુ છું કે કંઇક કરીને બતાવીશ.

અનુપમ ખેર કહે છે કે હું ત્યાં જઈ વિદ્યાર્થીઓને સમજવા માંગુ છું કે તેઓની શું અપેક્ષા છે. હું મારા અનુભવો તેમની સાથે શેર કરવા માંગુ છું.

તેઓ કહે છે કે સંસ્થામાંથી બહાર નીકળ્યા બાદ બધાને કામની જરૂર પડે છે. કામ ઍટિટ્યૂડથી મળે છે, ટૅલન્ટ પછી આવે.


શું વિદ્યાર્થીઓને ભણાવશે?

Image copyright THINK INK PR
ફોટો લાઈન અનુપમ ખેર સંસ્થામાં અધ્યક્ષ તરીકે જ નહીં રહે, વિદ્યાર્થીઓને ભણાવશે પણ ખરા

અનુપમે કહ્યું કે તેઓ ભલે FTIIના અધ્યક્ષ તરીકે જઈ રહ્યા હોય પણ તેઓ વિદ્યાર્થીઓને ભણાવશે પણ ખરા.

તેઓ કહે છે કે મુખ્યત્વે તો હું શિક્ષક જ છું. મને ભણાવવામાં મજા આવે છે. આ એવું ક્ષેત્ર છે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી શીખવા મળે છે.

તેમણે કહ્યું કે મેં 45 વર્ષોમાં કામ જ કામ કર્યું છે. ફિલ્મોમાં 33 વર્ષ થયા અને સાથે જ થીએટર, ડ્રામા સ્કૂલમાં પણ કામ કર્યું છે.

ફિલ્મોમાં તેમણે પ્રાદેશિકથી લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે સુધી કામ કર્યું છે. તેમણે વેબ સિરીઝમાં પણ કામ કરેલું છે.

અનુપમ ખેર કહે છે તેઓ તેમના અનુભવમાંથી જે શીખ્યા છે તે તેઓ વિદ્યાર્થીઓ સાથે વહેંચવા માંગે છે.


FTIIમાં પડકારો

Image copyright Getty Images / SAJJAD HUSSAIN
ફોટો લાઈન ગજેન્દ્ર ચૌહાણની નિમણૂકનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો, કેટલાય દિવસો સુધી વિરોધ પ્રદર્શન થયાં હતાં

ગજેન્દ્ર ચૌહાણની નિમણૂકનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. કેટલાય દિવસો સુધી વિરોધ પ્રદર્શન થયાં હતાં.

આવનારા પડકારોને લઈ અનુપમ ખેર કહે છે તે જ્યારે જીવન જ આસાન નથી તો ચેરમેનનું કામ આસાન કેવી રીતે હોઈ શકે.

તેમણે કહ્યું, “દરેક મોટી સંસ્થા અને જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. હું મનમાં રાખવા જ નથી માંગતો કે ત્યાં શું થયું હતું.”

તેમણે જણાવ્યું, “મને નથી લાગતું કે મારે સરકાર કે અન્ય કોઈની તરફેણમાં કામ કરવાની જરૂર પડશે. હું કામ કરવામાં માનું છું, વધારે વિચાર કરવામાં નહીં.”

તેમની માતાને યાદ કરીને તેમણે કહ્યું, “મારી મા કહેતી કે જે જગ્યાએ જવું જ નથી, તેનો રસ્તો પણ શું કામ પૂછવો પડે?”


વિદ્યાર્થીઓની સાથે મળીને કામ કરવાની ઇચ્છા

Image copyright COLORS
ફોટો લાઈન અનુપમ ખેર વિદ્યાર્થીઓની સાથે રહીને કામ કરવા માગે છે

અનુપમ કહે છે કે જો વિદ્યાર્થીઓને લાગે છે કે તેમની સાથે યોગ્ય નથી થયું તો તેમને સમજાવવું છે કે હું તેમની સાથે છું.

પ્રોફેશન અને નવી જવાબદારી વચ્ચે તાલમેલને લઈ અનુપમ ખેર કહે છે "મારા દાદાજી કહેતા હતા વ્યસ્ત માણસ પાસે બધા જ કામ માટે સમય હોય છે. જે નવરા હોય તેમની પાસે સમય ન હોય."

અનુપમ કહે છે કે અત્યારે મને બસ એટલી ખબર છે કે હું કામ કરવા ઇચ્છું છું અને એક દેખીતો ફરક દેખાડવા માંગું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો