તહેવારોમાં ઓનલાઇન ખરીદી કરતા પહેલાં સાવધાન

લોકોનાં હાથમાં મોબાઈલ Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન દિલ્હી પોલીસે બે એવા લોકોની ધરપકડ કરી છે જેમણે એમેઝોન સાથે છેતરપીંડી કરી છે

થોડા દિવસો પહેલાં દિલ્હી પોલીસે શિવમ ચોપડા અને સચિન જૈન નામના બે લોકોની ધરપકડ કરી હતી.

તેમના પર ઑનલાઇન શૉપિંગ પોર્ટલ એમેઝોન સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયા પચાવી પાડવાનો આરોપ છે.

દિલ્હી પોલીસના સાઇબર સેલના સબ ઇન્સ્પેક્ટર વિકાસે બીબીસી સાથે આ મામલે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે શિવમ એમેઝોનમાંથી ફોન ખરીદતો હતો અને ડિલીવરી ન થઈ હોવાનું બહાનું બતાવી શૉપિંગ પોર્ટલ પાસેથી પૈસા પરત માગી લેતો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

સચિન પર આરોપ છે કે તેણે શિવમને આ છેતરપીંડી કરવા માટે 150 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ અપાવ્યા હતા. આ છેતરપીંડીની રમત રમી તેમણે 166 ફોન ખરીદ્યા હતા અને પછી વેંચી નાખ્યા હતા.

સમયની કટોકટીના કારણે આજે ઓનલાઇન શોપિંગનો ચસ્કો મોટા ભાગના લોકોને લાગ્યો છે.

આ પરિસ્થિતીમાં લોકોની ઓછી જાણકારીનો ફાયદો ઉઠાવી કેટલાક ઠગ છેતરપીંડી કરે છે.


પવિત્રાની કહાની

Image copyright FACEBOOK/PAVITHRA VELPURI
ફોટો લાઈન ઓનલાઈન છેતરપીંડી કરતા ઠગ લોકોની ઓછી માહિતીનો ફાયદો ઉઠાવે છે

પવિત્રાએ ખૂબ જ પ્રચલિત સાઇટ OLX પર પોતાના બાળકનું સ્ટ્રૉલર વેંચવાની જાહેરાત આપી હતી.

તેમાં એક વ્યક્તિએ રસ દાખવ્યો હતો. બન્ને વચ્ચે પૈસાની ચૂકવણી બાબતે પણ સહમતી થઈ ગઈ હતી. ત્યારબાદ પવિત્રાએ એ વ્યક્તિને પોતાના બેંક અકાઉન્ટની માહિતી વૉટ્સએપ મારફત મોકલી હતી.

થોડી જ મિનિટમાં પવિત્રાને પાંચ સંખ્યા ધરાવતા એક નંબરથી મેસેજ મળ્યો હતો કે તેમના ખાતામાં 13,500 રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

ખરેખર સ્ટ્રૉલરની કિંમત માત્ર ત્રણ હજાર રૂપિયા હતી. પવિત્રાએ ખરીદનારને ફોન કરીને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે ભૂલથી વધારે પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા.

તેણે પવિત્રાને દસ હજાર રૂપિયા તેની મમ્મીના પેટીએમ ખાતામાં મોકલવા જણાવ્યું હતું.

પવિત્રા પૈસા મોકલી રહી હતી કે તેના ધ્યાનમાં આવ્યું હતું કે એક વખત પોતાનું બેંક અકાઉન્ટ પણ ચેક કરી લેવું જોઈએ. પોતાના ખાતામાં કોઈ પૈસા જમા ન થયા હોવાનું ચેકિંગ વખતે જાણવા મળતાં પવિત્રા સ્તબ્ધ થઈ ગઈ હતી.

તેણે આ બાબતે ખરીદનારને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે ક્યારેક પૈસા જમા થવામાં બેંક તરફથી મોડું થઈ જતું હોય છે. તેણે પવિત્રા પર જલદી પૈસા મોકલવા દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે તેની મમ્મીને પૈસાની તુરંત જરૂર છે.

પવિત્રાને દાળમાં કંઈક કાળુ લાગ્યું એટલે તેમણે બેંકને ફોન કર્યો હતો. બેન્કમાંથી જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાં કોઈ નાણાં જમા કરવામાં આવ્યાં નથી. એ દરમ્યાન ખરીદનાર પવિત્રાને પૈસા મોકલવા માટે વારંવાર કહેતો રહ્યો હતો.

બેંકથી સૂચના મળ્યા બાદ પવિત્રાએ કડક પૂછપરછ કરી ત્યારે ઠગને સમજાયું હતું કે એ પવિત્રા સાથે છેતરપિંડી નહીં કરી શકે. એ પછી તેણે પવિત્રાને ક્યારેય સંપર્ક કર્યો ન હતો.


ઓનલાઈન શોપિંગ વખતે શું ધ્યાન રાખવું?

Image copyright Getty Images
ફોટો લાઈન ફિશિંગ ગેંગ્સ ખાતાની જાણકારી મેળવવા લોકોને ઓફર આપી ઉત્તેજિત કરે છે

બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ઇન્ટરનેટ પર છેતરપીંડીથી કઈ રીતે બચી શકાય? છેતરપીંડી થાય તો શું કરવું?

વોએજર ઇંફોસેકના ડાયરેક્ટર અને સાઇબર સુરક્ષાના જાણકાર જિતેન જૈન સલાહ આપે છે.

 • તમને કોઈ ઇનામ, કોઈ લોટરી, કોઈ ભેટ અથવા તો કોઈ એવી ઑફર હોય જેના પર ભરોસો કરવો ખૂબ અઘરો હોય એવા કોઈ પણ ઇમેઈલ, મેસેજ કે ફોન કૉલથી ઉત્તેજિત ન થાવ.
 • આ સામાન્યપણે ફિશિંગ ગેંગ્સનું કામ હોય છે, જેમનો હેતુ તમારા બેંક અકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી મેળવવાનો હોય છે.
 • હંમેશા સુરક્ષિત સાઈટ પરથી જ શોપિંગ કરો.
 • તમે સુરક્ષિત વેબસાઈટ પર છો કે નહીં એ જાણવા માટે પેજ પર URLમાં https:// લખેલું છે કે નહીં એ ચેક કરો.
 • કોઈ પણ વેબસાઈટ પરથી કંઈક ખરીદતા અથવા તો નવા ગેટવેના માધ્યમથી પેમેન્ટ કરતા પહેલા ઇન્ટરનેટ પરથી તેના વિશે થોડી જાણકારી મેળવી લો.
 • એ વેબસાઈટ કે નવા ગેટવેનું પર્ફોર્મન્સ કેવું છે એ લોકોના રિવ્યુ અને ફિડબેકથી જાણવાનું સહેલું પડે છે.
 • ઑનલાઈન પેમેન્ટ કરતા સમયે પોતાના રજીસ્ટર્ડ ફોન નંબર પર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મંગાવો. એ પાસવર્ડને શેર ન કરો.
 • પોતાનો PIN કે નંબર કોઈને ન આપો. તેને ક્યાંય લખીને પણ ન રાખો. તેની તસવીર પણ લઈને ન રાખો અને તેને કોઈ એપ્લીકેશન કે મેસેજમાં કોઈ સાથે શેર ન કરો.
 • કોઈપણ બેંક કોઈપણ પરિસ્થિતિમાં તમારો PIN કે CVV નંબર નથી માગી શકતી એ યાદ રાખો. આ પ્રકારની જાણકારી માગતી કોઈ પણ વ્યક્તિ વિરૂદ્ધ તુરંત કાર્યવાહી કરો.

બેંક બજાર ડૉટ કૉમના CEO આદિલ શેટ્ટીની સલાહ

Image copyright PA
ફોટો લાઈન બેંક કોઈ પણ પરિસ્થિતિમાં કાર્ડનું PIN કે CVV નથી માગતી તેનું હંમેશા ધ્યાન રાખો
 • તમારા બ્રાઉઝરને નિયમિત રૂપે અપડેટ કરતા રહો.
 • તમારી સિસ્ટમમાં એન્ટી વાયરસ અને માલવેયર રોકવા માટે સૉફ્ટવેર છે કે નહીં એ ચકાસી લો.
 • કોઈ પબ્લિક કમ્પ્યુટર પર ટ્રાન્જેક્શન ન કરો. પબ્લિક કમ્પ્યુટરમાં જે સૉફ્ટવેર હોય છે તેનું લૉગર તમારી જાણકારી સેવ કરી શકે છે.
 • જો પબ્લિક કમ્પ્યુટર વાપરવું પણ પડે તો પાસવર્ડ, કોડ કે PIN નાખતા સમયે વર્ચ્યુઅલ કીબોર્ડ વાપરો. આ કી-બોર્ડ વધારે સુરક્ષિત માનવામાં આવે છે.
 • સાર્વજનિક હૉટસ્પૉટ કે કોઈ હોટેલ, એરપોર્ટ જેવી જગ્યાએ વાઈ-ફાઈનો ઉપયોગ કરતા સમયે ઑનલાઈન ટ્રાન્ઝેક્શનથી દૂર રહો.
 • લિંક બેટ એટલે કે કોઈ લિંકને ક્લિક કરવા માટે ઉત્તેજન આપતા મેઈલ કે મેસેજ પર ધ્યાન ન આપો. સામાન્યપણે તેમનો ઉપયોગ ફિશિંગ માટે થાય છે.
 • તમે જૂની મેગ્નેટીક સ્ટ્રીપ વાળું ડેબિટ કાર્ડ તો નથી વાપરી રહ્યાને એ ચેક કરી લો. તે ખૂબ જૂની ટેકનિક છે. આ પ્રકારના કાર્ડમાંથી ડેટા સહેલાઈથી ચોરી થઈ શકે છે. મોટાભાગની બેંકે પોતાના કાર્ડ અપગ્રેડ કરી ચિપ કાર્ડ જાહેર કર્યા છે.
 • સાથે જ હોટેલ, રેસ્ટોરેન્ટ, દુકાન જેવા સ્થળ પર પેમેન્ટ કરતા સમયે ધ્યાન રાખો કે તમારા કાર્ડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે.
 • મોબાઈલ ફોન દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા હો તો તેની મેમરી સતત સાફ કરતા રહો જેથી જૂની જાણકારી ડિલીટ થઈ જાય.

છેતરપીંડી બાદ શું કરશો?

Image copyright Alamy
ફોટો લાઈન URLમાં https:// લખેલું હોય તો જ તેને સુરક્ષિત માની લેણ દેણ કરો

જિતેન અને આદિલ જણાવે છે કે કોઈ કારણોસર તમારી જાણકારી લીક થઈ જાય કે કાર્ડનો દુરુપયોગ થાય તો તુરંત બેંકને સૂચના આપો.

કેટલાક ખાસ પ્રકારના મામલે 24 કલાકની અંદર સૂચના મળવા પર બેંક તમારા પૈસા પરત કરવા પ્રતિબદ્ધ હોય છે.

 • પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરો. તમારા વિસ્તારમાં સાઇબર સેલની બ્રાન્ચ હોય તો ત્યાં જાઓ.
 • બેંકમાં પણ લેખિત ફરિયાદ કરો. ફરિયાદની કૉપી સંભાળીને રાખો.
 • બેંક સાથે થયેલી વાતચીત, ફૉલોઅપની તારીખ, સમય વગેરે પણ નોટ કરીને રાખો.
 • તમારા કાર્ડનો ઉપયોગ કોઈ વેબસાઈટ કે દુકાનમાં થયો હોય તો તેમનો સંપર્ક સાધી પેમેન્ટ રોકવાનો પ્રયાસ કરો.
 • ફ્રૉડ સાથે જોડાયેલા બધા મેસેજ, ઈમેલ, અને બાકી પુરાવા સંભાળીને રાખો.
 • જો તમને લાગે કે તમારી બેંક ફરિયાદ નોંધ્યા બાદ પણ સંતોષજનક જવાબ નથી આપી રહી તો તમે બેંકીંગ ઓમ્બડ્સમન પાસે જઈ શકો છો.

જિતેન જૈનના જણાવ્યા મુજબ ,આવા ઘણા મામલામાં લોકોને લોકપાલની દરમ્યાનગીરી બાદ જ જવાબ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો