ગુજરાત ચૂંટણી બે તબક્કામાં, 9 અને 14 ડિસેમ્બરે થશે મતદાન

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
બે તબક્કામાં થશે મતદાન

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાશે

પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થશે.

નોંધપાત્ર બાબત એ છે કે, 2002 પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીની પ્રત્યક્ષ હાજરી વિના લડશે.

જોકે વર્ષ 2012માં રચાયેલી વિધાનસભા માટે ગુજરાતનાં ઇતિહાસમાં સૌથી વધુ વખત એક અથવા બીજા કારણોસર 24 વખત પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.

હાલમાં ગુજરાતની સામાજિક અને રાજકીય પરિસ્થતિને કારણે હવે આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેવા સંભવ છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે 2019 પહેલાં ગુજરાતની ચૂંટણી સૂચક બની રહેશે.

જ્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજકીય કારકીર્દી માટે આ ચૂંટણી નિર્ણાયક રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે શું જાહેરાતો કરી?

  • ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે 4 કરોડ 33 લાખ મતદારો મતદાન કરશે
  • ગુજરાતમાં 50128 મતદાન કેન્દ્ર બનાવાશે
  • મતદાનના 7 દિવસ અગાઉ વોટરસ્લીપ મતદાતાના નોંધાયેલા સરનામે પહોંચી જશે
  • વીમેન પાવર : 102 મતદાન મથકો પર માત્ર ને માત્ર મહિલાઓનો પૉલિંગ સ્ટાફ
  • ચૂંટણી ખર્ચના હિસાબ માટે દરેક ઉમેદવારે અલગ બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે
  • ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મર્યાદા મહત્તમ રૂપિયા 28 લાખ નક્કી કરવામાં આવી
  • ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવશે
  • પ્રેસ કૉન્ફરન્સ પ્રારંભની આ ઘડીથી જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

તારીખ આજે કેમ જાહેર થઈ?

Image copyright Election Commission of India

ગુજરાતની વિધાનસભાની સાલ 2017માં યોજાનારી ચૂંટણીની જાહેરાતમાં થયેલા વિલંબને લઈને રાજકીય વર્તુળોમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી.

જો કે, બીબીસી સાથેની વાતચીતમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે એટલે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા થઈ નહોતી.

તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિને કારણે ચાલી રહેલા રાહતકાર્યોને આદર્શ આચાર સંહિતાને કારણે અસર ન થાય તે માટે પણ ચૂંટણી યોગ્ય સમયે જ જાહેર કરવા માટે તેમની સમક્ષ રાજ્યના મુખ્ય સચિવે રજૂઆત કરી હતી.


વર્ષ 2012ની વિધાનસભાની હાલની સ્થિતિ

વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 115, કોંગ્રેસને 61, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને ગુજરાત પરિવર્તન પાર્ટીને બે-બે, જનતા દળ યુનાઈટેડને એક અને અપક્ષને એક બેઠક મળી હતી.

વિધાનસભાની પ્રથમ બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસનાં મહિલા ધારાસભ્યનું અવસાન થયું હતું.

ત્યારબાદ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં સંખ્યાબંધ ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી.

આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર, ગુજરાત પરિવર્તન પાર્ટીનો વિલય ભારતીય જનતા પાર્ટીમાં થયો હતો.

કોંગ્રેસના એ સમયના ધારાસભ્યો વિઠ્ઠલ રાદડિયા અને તેમના દીકરા જયેશ રાદડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

આ લોકસભા ચૂંટણીમાં જીતેલાં ધારાસભ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર ફરીથી ચૂંટણીઓ યોજાઈ હતી.

હાલમાં છેલ્લે યોજાયેલી રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું.

આ ચૂંટણીમાં અમિત શાહ રાજ્ય સભાની ચૂંટણીમાં વિજેતા થયા હોવાથી તેમની વિધાનસભા બેઠક પણ ખાલી પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા